Abtak Media Google News

રાજયપાલ ઓ.પી.કોહલી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ૨૮મી પરિષદનું વિચાર મંથન દેશમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પ્રક્રિયાને વધુ ઉપયોગી નિવડશે

રાજ્યપાલ ઓ.પી.કોહલીજીએ કેવડિયામાં વિશ્વની સહુથી વિરાટ સરદાર પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીના સાંન્નિધ્યાં રમણીય ટેન્ટ સિટી ખાતે રાજ્ય ચૂંટણી પંચના યજમાનપદે યોજાયેલી દેશના વિવિધ રાજ્યો અને સંધપ્રદેશોના રાજ્ય ચૂંટણી પંચોના કમિશનરોની ર૮મી અખિલ ભારતીય પરિષદનો પ્રારંભ કરાવ્યો હતો. લોકશાહીનું આમૂલાગ્ર મજબૂતીકરણ અને મતદાર જાગૃતિ વિષયક આ પરિષદમાં દેશના ૨૨ રાજ્યોના રાજ્ય ચૂંટણી પંચના કમિશનરો અને અધિકારીઓ ભાગ લઇ રહ્યા છે. રાજ્યપાલ સાથે પરિષદના દીપ પ્રાગટ્યમાં રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંધ, ગુજરાત રાજ્ય ચૂંટણી પંચના વડા અને પરિષદ આયોજન સમિતિના અધ્યક્ષ ડો.વરેશ સિંહા તથા પરિષદ આયોજન સમિતિના સચિવ અને દિલ્હીના ચૂંટણી પંચના વડા એસ.કે.શ્રીવાસ્તવ તથા મહાનુભાવો જોડાયા હતા. રાજ્યપાલે ગુજરાત રાજ્ય ચૂંટણી પંચની મતદાર જાગૃતિ પ્રવૃત્તિઓની ઝાંખી કરાવતા સ્વેપના દસ્તાવેજનું અને સને ર૦૧૮ના આંકડાકિય અહેવાલનું આ પ્રસંગે વિમોચન પણ કર્યું હતું.

વિશાળ ભારત દેશમાં ૩ લાખથી વધુ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અને ૩૦ લાખ જેટલા તેમાં નિર્વાચીત પ્રતિનિધિઓ છે તેનો ઉલ્લેખ કરતા રાજ્યપાલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં યોજાયેલી આ ર૮મી પરિષદનું વિચાર મંથન દેશમાં ચૂનાવી પ્રક્રિયાને વધુ સમાવેશક બનાવવામાં ઉપયોગી નિવડશે અને તેના પરિણામે મહિલાઓ, યુવા સમુદાય, દિવ્યાંગજનો અને સીમાંત સમુદાયો સહિત તમામ જાતિ અને વર્ગોને સમાન પહોંચની વધુ ખાત્રી મળશે. તેમણે આ પરિષદ યોજવા માટે ગુજરાત રાજ્ય ચૂંટણી પંચને વિશેષ અભિનંદન આપ્યા હતા.

રાજ્યપાલે જણાવ્યું કે, મહાત્મા ગાંધીએ તૃણમૂલ સ્તરેથી લોકશાહી સંસ્થાઓના વિકાસની અને ગ્રામ સ્વરાજની ભલામણ કરી હતી. સ્વતંત્રતા પછી ભારત, લોકોને મતાધિકાર દ્વારા પોતાની પસંદગીની સરકાર બનાવવાની વ્યવસ્થા ધરાવતો વિશ્વનો સહુથી મોટો લોકશાહી દેશ બન્યો. તેના ૪૨ વર્ષ પછી બંધારણમાં ૭૩ અને ૭૪માં ઐતિહાસિક અને ક્રાંતિકારી સુધારા થયા અને તેના પગલે પંચાયત જેવા છેક પાયાના સ્તરે લોકો દ્વારા નિર્વાચીત પ્રતિનિધિઓ દ્વારા વહિવટની ખાત્રી મળી. હજારો વર્ષોથી આપણા ઇતિહાસ સાથે સ્થાનિક શાસનની વ્યવસ્થા વણાયેલી હતી. આ બંધારણીય સુધારાથી એ ભાવનાનો વૈધાનિક વ્યવસ્થા તરીકે સ્વીકાર થયો.

સહુને આવકારતા ગુજરાત રાજ્ય ચૂંટણી પંચના વડા ડો.વરેશ સિંહાએ જણાવ્યું હતું કે, આ પરિષદનું દેશના વિવિધ રાજ્યોમાં નિયમિત આયોજન કરવામાં આવે છે અને અનુભવોના આદાનપ્રદાન, માહિતીના વિનિયોગ, અદાલતી કેસો અને તેમના નિર્ણયો, તેમજ રાજ્ય ચૂંટણી પંચો સમક્ષના પ્રશ્નો અને પડકારોની ચર્ચાનું મંચ આ પરિષદો બની છે. તેમણે જણાવ્યું કે, વર્તમાન પરિષદમાં તમામ રાજ્યોના ચૂંટણી પંચોને એક છત્ર હેઠળ આણે તેવા મોડલ લીગલ ફ્રેમવર્કની રૂપરેખાની વિચારણા કરવામાં આવશે. પરિષદમાં ઇ.વી.એમ. ઉત્પાદક ભારત ઇલેક્ટ્રોનિક્સ લી. (બેલ) અને ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (ઇસીઆઇએલ) કંપનીઓના પ્રતિનિધિઓ સાથે વિવિધ રાજ્યોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂ઼ંટણીઓ માટે ઉપયોગમાં લેવાતા ઇ.વી.એમ.ની ડીઝાઇન, ઉત્પાદન, તેને સંલગ્ન પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે.

રાજ્યના મુખ્ય સચિવ ડો.જે.એન. સિંધે જણાવ્યું કે, સ્ટેચ્યૂ ઑફ યુનિટી એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની દૂરંદેશીની પ્રતિતિ કરાવે છે. હાલમાં દરરોજ લગભગ દસ હજાર જેટલા પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લઇ રહ્યાં છે અને નાઇટ સફારી જેવા વિવિધ આકર્ષણોનો તેમા ઉમેરો કરવાનું આયોજન છે. આ સ્થળ દેશની એકતાનું પ્રતિક છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી લોહા અને માટી અભિયાન હેઠળ સમગ્ર દેશની માટી અને ખેતઓજારો અત્રે આણવામાં આવ્યા હતા અને એમાંથી વોલ ઑફ યુનિટી જેવા પ્રકલ્પોનું સર્જન કરવામાં આવ્યું છે. નર્મદા ગુજરાતની જીવાદોરી છે એટલે ગુજરાત માટે સરદાર સરોવર બંધની ખૂબ અગત્યતા છે. સરદાર સાહેબને આદર આપવા માટે આનાથી બહેતર કોઇ સ્મારક હોઇ શકે નહી. તેમણે મહેમાનોને ગુજરાતના પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા આમંત્રણ આપ્યુ હતું અને તેમના રાજ્યોમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટીના આકર્ષણોનો પ્રચાર કરવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટના પદાધિકારી અને ભારત સરકારના માનવ સંપદા અને તાલીમ વિભાગના અધિક સચિવ કે. શ્રીનિવાસ, ગુજરાત રાજ્ય ચૂંટણી પંચના સચિવ એમ.વી. જોશી તેમજ વિવિધ રાજ્યોના અને સંધપ્રદેશોના ચૂંટણી પંચના વડાઓ, અધિકારીઓ, ભેલ, ઇસીઆઇએલ, સીડેક, એનઆઇસીના પ્રતિનિધિઓ, રાજપીપળા જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડો.જીન્સી વિલિયમ, જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયા, સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટના પદાધિકારીઓ, સ્થાનિક ઉચ્ચાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.