Abtak Media Google News

હર્ષો ઉલ્લાસનો પ્રસંગ શોકમાં ફેરવાયો

સિંધરોટમાં હોમગાર્ડ સહિત બે અને રણછોડપુરા ગામે ત્રણ યુવાન ડૂબ્યા : બેના મૃતદેહો મળ્યા

વડોદરા હર્ષો ઉલ્લાસમાં ઉજવાતો દશામા ઉત્સવ આજે શોકમાં ફેરવાયો હતો. વડોદરા નજીકથી પસાર થતી મહિસાગર નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા માટે બે સ્થળે ગયેલા 5 યુવાનો ડૂબી ગયા છે. જેમાં વડોદરા નજીક સિંધરોટ મહી નદીમાં એક હોમગાર્ડ જવાન સહિત બે યુવાનો અને સાવલી તાલુકાના કનોડા ગામ પાસે રણછોડપુરા ગામના 3 યુવાન ડૂબી ગયા હતા. આ બનાવોની જાણ વડોદરા ફાયરબ્રિગેડને કરવામાં આવતા અલગ-અલગ ટીમો પહોંચી હતી અને શોધખોળ શરૂ કરી હતી. જેમાં ફાયરબ્રિગેડને બે યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા.

વિગતો મુજબ વડોદરાના કિશનવાડી વિસ્તારમાં રહેતા પ્રજ્ઞેશ માછી (ઉં.વ.23)ના ઘરે દશામાની સ્થાપના કરી હતી. ઉત્સાહભેર દશામાની ઉજવણી કર્યા બાદ આજે વહેલી સવારે તેઓ વડોદરા નજીક સિંધરોટ મહિ નદી ઉપરના ચેકડેમ પાસે મૂર્તિનું પરિવાર સાથે વિસર્જન કરવા માટે ગયો હતો. તેની સાથે કિશનવાડીમાં જ રહેતો હોમગાર્ડમાં ફરજ બજાવતો 24 વર્ષિય સાગર જગદીશભાઇ કુરી પણ ગયો હતો.મૂર્તિનું વિસર્જન કરવા માટે પ્રજ્ઞેશ માછી ચેકડેમ પાસે જતાં ધસમસતા મહી નદીના પાણીમાં તણાવા લાગ્યો હતો. પ્રજ્ઞેશે બચાવવા માટે બુમો પાડતા તેનો મિત્ર સાગર કુરી પાણીમાં કૂદી પડ્યો હતો. પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી તે પણ તણાવા લાગ્યો હતો અને બંને મિત્રો લાપતા થઇ ગયા હતા. આ અંગેની જાણ વડોદરા ફાયરબ્રિગેડને કરતા લાશ્કરો સ્થળ પર દોડી જઇ શોધખોળ શરૂ કરી હતી.

જ્યારે પરિવારજનોએ આક્ષેપ મૂક્યો હતો કે, દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે લોકો સિંધરોટ ખાતે આવશે. તેવી તંત્રને જાણ હોવા છતાં, તંત્ર દ્વારા કોઇ સુવિધા કરવામાં આવી ન હતી. સિંધરોટ ખાતે ફાયરબ્રિગેડની ટીમોને પણ તૈનાત રાખવી જોઇતી હતી.

આ ઉપરાંત વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કનોડા ગામના રણછોડપુરા ગામના 3 યુવાનો સંજય પૂનમભાઇ ગોહિલ (ઉં.વ. 32), કૌશિક અરવિંદભાઇ ગોહિલ (ઉં.વ. 20) અને વિશાલ રતિલાલ ગોહિલ (ઉં.વ.15) આજે વહેલી સવારે પરિવારજનો સાથે દશામાંની મૂર્તિનું વિસર્જન કરવા માટે કનોડા ગામ પાસેથી પસાર થતી મહિ નદીમાં ગયા હતા.મૂર્તિઓના વિસર્જન સમયે મહી નદીના ધસમસતા પાણીમાં એક પછી એક ત્રણે યુવાને એક-બીજાને બચાવવા જતા ડૂબી જતા લાપતા થયા હતા. એક જ ગામના ત્રણ યુવાનો એક સાથી ડૂબી જતા લાપતા થતા રણછોડપુરા ગામમાં સન્નાટો છવાઇ ગયો હતો. ગામના લોકો નદી કિનારે દોડી આવ્યા હતા. તો બીજી બાજુ નદી કિનારે ત્રણે યુવાનોના પરિવારજનોના આંક્રદે ગમગીની ફેલાવી દીધી હતી.

નદીમાં ડૂબી ગયેલા યુવાનો

(1) પ્રજ્ઞેશ માછી (ઉં.વ.23)

(2) સાગર જગદીશભાઇ કુરી (ઉં.વ.24)

(3) સંજય પૂનમભાઇ ગોહિલ (ઉં.વ. 32)

(4) કૌશિક અરવિંદભાઇ ગોહિલ (ઉં.વ. 20)

(5) વિશાલ રતિલાલ ગોહિલ (ઉં.વ.15)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.