Abtak Media Google News
કિલો ફેટના રૂ.760 થતાં પશુપાલકોમાં આનંદ છવાયો’

અબતક, રાજકોટ

રાજ્યમાં આ વર્ષે એક તરફ લમ્પી વાયરસથી અનેક ગાયના મોત થયા છે અને બીજી તરફ પશુઓના ખાણ દાણની કિંમતોમાં સતત વધારો થતા પશુપાલકોની સ્થિતિ કપરી બની ગઈ છે ત્યારે સૌરાષ્ટ્ર – કચ્છના ખેડૂતોની પોતાની સંસ્થા – માહી ડેરી દ્વારા પશુપાલકોને ચૂકવાતા દૂધના ભાવમાં કિલો ફેટદીઠ રૂ.10નો વધારો કરી કિલો ફેટના ભાવ રૂ.760 કરી દેવાતા પશુપાલકોમાં આનંદ છવાઈ ગયો છે. દિવાળીના તહેવાર પહેલા જ ભાવમાં વધારો થતા પશુપાલકો માટે દિવાળીની ઉજવણી વહેલી થઈ છે.

રાજ્યમાં લમ્પી રોગચાળાને કારણે પશુપાલકો ભારે ચિંતામાં મુકાયેલા છે તો બીજી તરફ પશુઓના ખાણ દાણની કિંમતોમાં પણ દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. લીલા ચારાના ભાવ આસમાને પહોંચી ગયા છે. તેની સાથે સાથે દાણ બનાવતી મોટાભાગની કંપનીઓએ દાણની બેગના ભાવમાં પણ અસહ્ય વધારો ઝીંકયો છે ત્યારે પશુપાલકોની મુશ્કેલ સ્થિતિને ધ્યાને લઇને દૂધ ઉત્પાદકોની પોતાની સંસ્થા માહી ડેરીએ દૂધ ઉત્પાદકોને ચૂકવાતા દૂધના ભાવમાં 10 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેતા માહી ડેરીના દૂધ ઉત્પાદક સભ્યોમાં હરખની હેલી છવાઈ ગઈ છે. માહી ડેરી દ્વારા પશુપાલકોને હાલમાં દૂધના ચૂકવાતા કિલો ફેટદીઠ ભાવમાં રૂ.10નો વધારો કરીને દૂધના કિલો ફેટદીઠ રૂ.760 ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

માહી ડેરીએ ત્રીજી વખત વધારો કર્યો છે. જે અંગે દૂધ ખરીદ ભાવ વધારાને કારણે પશુપાલકોની સમસ્યા મહદ અંશે હળવી બનશે. હાલ માહી ડેરી દ્વારા દૂધ ઉત્પાદક સભ્યોના હિતમાં દિવાળીના તહેવાર પહેલા લેવામાં આવેલા આ નિર્ણયના. કારણે પશુપાલકો માટે દિવાળી પહેલા જ દિવાળી આવી હોવાનો માહોલ સર્જાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.