Abtak Media Google News

મોદી હૈ તો મુમકીન હૈ… ભારતના રાજદ્વારી સંબંધો અને રાષ્ટ્રહિતમાં દિર્ધદ્રષ્ટિભર્યા અભિગમથી લાંબાગાળે ઉભી થતી સકારાત્મક અસરોને આજથી જ જોઈ લેવાના દ્રષ્ટિકોણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિગમને વિશ્ર્વના રાજકીય તજજ્ઞો બેમિશાલ ગણે છે. વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ નરેન્દ્ર મોદીએ અમેરિકા, બ્રિટન, ચીન જેવા કહેવાતા મોટા દેશના સંચાલકો અને સંબંધોને વિશ કરવાના બદલે પ્રથમ અફઘાનિસ્તાનના સંબંધો સુદ્રઢ કરવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. મોદીએ સૌપ્રથમવાર અફઘાનિસ્તાન ના વડાપ્રધાનને રાજકીય મહેમાનનું માન આપીને વિશ્ર્વને ભારતની દિર્ધદ્રષ્ટિભરી વિદેશ નીતિનો સંકેત આપી દીધો હતો. ભારત અને અફઘાનિસ્તાનના સંબંધો આમ તો જૂના જમાનાથી ચઢાવ-ઉતાર વચ્ચે સચવાયેલા રહ્યાં છે પરંતુ વડાપ્રધાન મોદીએ આ સંબંધોને નવી ઉંચાઈ આપી છે અને આપતા રહેશે. અફઘાનિસ્તાનને આમ જોઈએ તો રાજકીય, સામાજીક અને આર્થિક વિકાસની દ્રષ્ટિએ પછાત માનવામાં આવે છે પરંતુ ભારત માટે ભૌગોલીક દ્રષ્ટિએ ચાર દેશોના ચોકઠાના કેન્દ્રમાં રહેલુ અફઘાનિસ્તાન ભૌગોલીક રીતે સુરક્ષાની દ્રષ્ટિએ ખુબજ મહત્વનું બની રહ્યું છે. જગત જમાદાર અમેરિકાની દ.એશિયામાં થાણુ સ્થાપવાની મુરાદ અફઘાનિસ્તાનમાં પૂરી થાય તેમ હોવાની શકયતાનો અગાઉથી જ અનુમાન લગાવીને મોદી સરકારે મિત્ર રાષ્ટ્રોમાં અફઘાનિસ્તા નને સૌથી વધુ મહત્વ આપ્યું હતું.ભારતના નિકટવર્તી શત્રુ પાકિસ્તાન અને પાકિસ્તાનને પરોક્ષ રીતે પીઠબળ આપતું ચીન સમગ્ર વિશ્ર્વમાં ભારતને ઘેરી ન લે તે માટે ભારતે ઈરાનમાં ચાબહાર બંદર વિકસાવી અફઘાનિસ્તાનમાંથી ઈરાન સુધીની સડક પરિયોજના માટે કરોડો ડોલરની ફાળવણી કરી ભારતને ઘેરવા મથતા શત્રુ દેશોની મુરાદ બર લાવવા દીધી ન હતી. બીજી તરફ અફઘાનિસ્તાનમાં ઔદ્યોગીક વિકાસ નહીવત છે. વસ્તીની દ્રષ્ટિએ અફઘાનિસ્તાન ખુબજ વિકાસની તકો ધરાવે છે. અફઘાનિસ્તાનમાં ખેતી અને ભરપુર ખનીજ સંપતિ ભારત માટે ફાયદારૂપ છે ત્યારે અફઘાનિસ્તાનની મૈત્રી માનવીય અને આર્થિક રીતે ભારત માટે મહત્વરૂપ બની રહે તેમ છે. ત્યારે ભારત અને અફઘાનિસ્તાને ગઈકાલે કરેલા એક કરારમાં અફઘાનિસ્તાનમાં પીવાના પાણી અને સિંચાઈ માટે કરાર કર્યા હતા. કાબુલમાં આકાર પામનારી આ પરિયોજના અંગે અફઘાનિસ્તાનના પ્રમુખ અશરફ ઘાની અને નરેન્દ્ર મોદીએ ભારત અફઘાનિસ્તાન મૈત્રીને મજબૂત કરતા કરારો કર્યા છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાનમાં પ્રવર્તતી હિંસા અને તાલીબાનોના ટોળાશાહીથી નાગરિકો અને પત્રકારોને બચાવવા માટે ખાસ હિમાયત કરવામાં આવી છે. અશરફ ઘાનીએ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનના વિકાસ માટે ભારત હંમેશા મિત્ર રાષ્ટ્રની ફરજ બજાવતું આવ્યું છે. અફઘાનિસ્તાનની નવી પરિયોજના લાલંદર ડેમ પરિયોજના ભારત-અફઘાનિસ્તાન મિત્રતાને વધુ નિખારવા માટે બીજી પરિયોજના બની રહી છે. આ ડેમથી અફઘાનિસ્તાનમાં પાણી અને સિંચાઈની સુવિધા વધશે. સલમા ડેમ અગાઉ જૂન ૨૦૧૬માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આકાર પામી હતી. લાલંદર ડેમ પરિયોજના ભારત અને અફઘાનિસ્તાનના લાંબાગાળાના આર્થિક વિકાસના સહયોગને પરિપૂર્ણ બનાવનારૂ બની રહેશે. ભારત-અફઘાનિસ્તાન ૪૦૦થી વધુ પરિયોજનામાં ૩૪થી વધુ પ્રાંતોને આવરી લેશે. ભારત માટે અફઘાનિસ્તાનની આ મૈત્રી પાડોશ ધર્મની સાથે સાથે રાજધર્મનું પ્રતિક બની રહેશે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.