Abtak Media Google News

બન્ને દેશોએ ગાઝા પટ્ટીમાં અસરગ્રસ્ત લોકોને સહાય પહોંચાડવા સાથે યુદ્ધવિરામ સહિતની પરિસ્થિતિઓ બનાવવા માટે પણ ચર્ચા કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને રાતા સમુદ્રમાં માલ સામાનના પરિવહનની સુરક્ષા જાળવવા હાથ મિલાવ્યા છે. જેમાં વેપારને વિક્ષેપિત કરતા અને ભાવમાં વધારો કરનાર કોમર્શિયલ શિપિંગ લાઇનર્સ પર હુથી હુમલાઓને ટાળવા બન્ને દેશો સંયુક્ત રીતે પગલાં લેવાના છે.

ગુરુવારે રાત્રે જયપુરમાં તેમના શિખર સંમેલનમાં, બંને નેતાઓએ ઇઝરાયેલ-હમાસ યુદ્ધના વિસ્તરણની સંભાવના વિશે ખૂબ જ ચિંતા વ્યક્ત કરી, ખાસ કરીને રાતા સમુદ્રમાં, જેની પહેલેથી જ મોટી આર્થિક અસર છે. તેમણે રાતા સમુદ્રમાં નેવિગેશનની સ્વતંત્રતા અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદાના મહત્વ પર ભાર મૂક્યો હતો.  મેક્રોનની રાજ્ય મુલાકાત દરમિયાન જારી કરાયેલ સંયુક્ત નિવેદન અનુસાર, તેઓએ તે પ્રદેશમાં તેમના પ્રયત્નોનું સંકલન કરવા લાંબી વાતચીત કરી હતી.પશ્ચિમ એશિયન કટોકટી પર પશ્ચિમી નેતા સાથે મોદીની આ પ્રથમ વિગતવાર વાતચીત હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે રાતા સમુદ્રના ક્ષેત્રમાં ખતરાઓનો સામનો કરવા માટે અમેરિકાની આગેવાની હેઠળના પ્રયાસોમાં ભારત કે ફ્રાન્સ બંને જોડાયા નથી. મોદી-મેક્રોન બંનેએ 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરી હતી અને ઈઝરાયેલના લોકો સાથે એકતા વ્યક્ત કરી હતી.  તેઓએ ચાલુ સંઘર્ષમાં નાગરિક જીવનના પ્રચંડ નુકસાનની સમાન રીતે નિંદા કરી અને ગાઝા પટ્ટીમાં અસરગ્રસ્ત વસ્તીને સહાય પહોંચાડવા માટે આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનો આદર કરવાની અને માનવતાવાદી યુદ્ધવિરામ સહિતની પરિસ્થિતિઓ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.  સંયુક્ત નિવેદન અનુસાર, બંને નેતાઓએ તમામ બંધકોને તાત્કાલિક અને બિનશરતી મુક્ત કરવાની પણ હાકલ કરી હતી.

બંને નેતાઓએ પુન:પુષ્ટિ કરી કે આ ક્ષેત્રમાં સ્થાયી શાંતિ અને સ્થિરતા માટે ઇઝરાયેલ અને પેલેસ્ટિનિયન લોકો માટે બે-રાજ્ય ઉકેલ તરફ દોરી જતી રાજકીય પ્રક્રિયા જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.