Abtak Media Google News
  • સ્થાનિક માંગમાં મજબૂતી અને કાર્યકારી વસ્તીમાં વધારાને કારણે અર્થતંત્રને મળશે બળ

ભારતીય અર્થતંત્ર 2024માં 6.8 ટકાના દરે વૃદ્ધિ પામશે.  ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે વર્લ્ડ ઈકોનોમિક આઉટલુકના વૃદ્ધિ અંદાજ જાહેર કર્યા છે.  આઈએમએફ એ 2024 માં ભારત માટે તેના વિકાસ દરના અનુમાનને વધારીને 6.8 ટકા કર્યો છે, જે જાન્યુઆરી 2024 માં જાહેર કરાયેલા 6.5 ટકાના અંદાજ કરતા વધારે છે.  આઈએમએફએ 2025 માટે તેના વિકાસ અનુમાનમાં કોઈ ફેરફાર કર્યો નથી અને વૃદ્ધિ દર 6.5 ટકા રહેવાનો અંદાજ છે.

વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ જાહેર કરતાં આઈએમએફએ કહ્યું કે ભારતમાં વૃદ્ધિ મજબૂત રહેશે અને જીડીપી 2024માં 6.8 ટકા અને 2025માં 6.5 ટકા રહેવાની ધારણા છે. આઈએમએફના જણાવ્યા અનુસાર, સ્થાનિક માંગમાં મજબૂતી અને કાર્યકારી વસ્તીમાં વધારાને કારણે ભારતના આર્થિક વિકાસમાં આ તાકાત જોવા મળી રહી છે.  આઈએમએફએ નાણાકીય વર્ષ 2023-24 માટે ભારતની આર્થિક વૃદ્ધિનું અનુમાન વધારીને 7.8 ટકા કર્યું છે, જે સરકારના પોતાના અંદાજ 7.6 ટકા કરતાં વધારે છે.

આઈએમએફએ ભારતમાં ફુગાવાનો દર 2024માં 4.6 ટકા અને 2025માં 4.2 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. આઈએમએફનો અંદાજ ભારતીય રિઝર્વ બેંકના 4.5 ટકાના અંદાજ કરતા થોડો વધારે છે.  માર્ચ 2024 માટે જાહેર કરાયેલા છૂટક ફુગાવાના આંકડા અનુસાર, છૂટક ફુગાવાનો દર ઘટીને 4.85 ટકા થયો છે, જોકે ખાદ્ય ફુગાવાનો દર 8.52 ટકા રહ્યો છે.

જ્યારે આઈએમએફએ ભારતના આર્થિક વિકાસ દરના અંદાજમાં વધારો કર્યો છે, ત્યારે તેણે ચીનના વિકાસ દરના અંદાજમાં ઘટાડો કર્યો છે. આઈએમએફ અનુસાર, ચીનની અર્થવ્યવસ્થા 2024માં 4.6 ટકા અને 2025માં 4.1 ટકાના દરે વૃદ્ધિ દર્શાવશે, જે 2023માં 5.2 ટકા હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.