Abtak Media Google News
  • ‘સ્પર્ધાના યુગમાં સાદગીભર્યું જીવન માત્ર કલ્પના કે વિચારોમાં જ રહી ગયું છે.’

સાદું જીવન અને ઉચ્ચ વિચાર  આવી કહેવતો આજના સમયમાં માત્ર નામની જ રહી છે.સાદું જીવન ઉચ્ચ વિચાર એ ઋષિઓએ બતાવેલો શ્રેષ્ઠ માર્ગ છે.દરેક યુગમાં તેનો મહિમા ગાવામાં આવે છે.જો કે સમય જતા અનુભવથી એની સાચી સમજનો વિકાસ થાય છે.જીવનની પ્રારંભિક અવસ્થામાં એટલે કે જુવાનીમાં તડકભડક કપડાં અને ફેશન તથા મોજશોખ જીવનનું અંગ બની જાય છે.પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે,તેમ તેમ બૌદ્ધિક તથા વૈચારિક પરિપક્વતા વધે છે.જ્યારે જીવનતત્વનો બોધ થાય છે ત્યારે સમજાય છે કે બાહ્ય આડંબર તથા દેખાડો કરવામાં કોઈ સાર નથી.એનાથી આપણું છીછરાંપણું તથા બાલીશતા જ પ્રગટ થાય છે.શાંતિની અનુભૂતિ તો સાદગીપૂર્ણ પવિત્ર જીવન જીવવાથી જ થાય છે.

દેખાદેખી અને સ્પર્ધાના યુગમાં સાદગીભર્યું જીવન માત્ર કલ્પના કે વિચારોમાં જ રહી ગયું છે. બધા કરે છે તો હું કેમ ન કરું ? એવા વિચારમાં લોકો પોતાની આવક કરતાં વધુ ખર્ચ કરતાં પણ ખચકાતા નથી.સાદું જીવન, સાદું ભોજન,સાદો પોશાક આજે કોઈને ગમતો નથી.વ્યસન અને ફેશન મોટાભાગના લોકોના જીવનમાં વણાઈ ગયાં છે.દેખાદેખીને લીધે કોઈને મોજ શોખ કરતા જોઈને સાદું જીવન જીવવાના વિચારો ક્ષણભરમાં ગાયબ થઈ જાય છે.દેખાદેખી ખાતર આવક કરતા વધુ ખર્ચ વ્યક્તિની બરબાદીનું  કારણ બની જાય છે.

સામાજિક પ્રસંગો અને વ્યવહારોમાં પણ આજ કાલ દેખાદેખી વધી ગઈ છે.લગ્ન પ્રસંગમાં  દેખાવ ખાતર પોતાની પહોંચ કરતા વધુ ખર્ચ કરતા હોય છે અને પછી દેવામાં ડૂબી જતા હોય છે.સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ સમૂહ લગ્નના આયોજન કરતી હોય છે,તેમ છતાં આવા સમૂહ લગ્નમાં ન જોડાઈને  લોકોની ક્ષણિક વાહવાહી સાંભળવા ખાતર પોતાના જીવનની આખી કમાણી દાવ પર લગાવીને લગ્નનાં આયોજન કરતા જોવા મળે છે.મૃત્યુ જેવા દુ:ખદ પ્રસંગોએ પણ સમાજમાં પ્રતિષ્ઠા મેળવવા ખોટા ખર્ચાઓ કરવામાં આવે છે.

જન્મદિવસ અને બીજી નાની મોટી ખુશીઓ ખુશીઓ ના રહેતાં માત્ર દેખાડાની સ્પર્ધાઓ બની ગઈ છે.કોણ કેટલી આત્મીયતાથી કે સ્નેહથી ખુશીઓમાં સામેલ થયું એના કરતાં કોણ કેટલી મોંઘી ભેટ લાવ્યું એના આધારે માણસની કદર કરવામાં આવે છે.સોશિયલ મીડિયા પર માત્ર લોકોનું ધ્યાન આકર્ષવા જ મોંઘી હોટેલનાં બિલ ભરવામાં આવે છે.ભોજનના સ્વાદ કરતાં ફોટો કોમેન્ટ અને લાઈકના ટિક માર્કમાં વધુ ધ્યાન હોય છે.યુવાનો કોલેજ કાળમાં શિક્ષણ કરતાં મોજશોખ ઉપર વધુ ધ્યાન આપતા હોય છે.ફિલ્મો,પાર્ટીઓ અને જલસા પાછળ સમય અને નાણાંનો વ્યય કરતા નજરે પડે છે.ફિલ્મ અભિનેતાઓના વ્યસની અને ઉડાઉ ચરિત્રો નિહાળીને વ્યસનના રવાડે ચડતા હોય છે.દારૂની મહેફિલ અને સિગારેટના ધુમાડાના ગોટા ઉડાડવા એ જ હીરોગીરી છે,એમ સમજીને વ્યસનના દુષણનો ભોગ બનતા હોય છે.

ઘડીભરના મનોરંજનને વાસ્તવિક જીવન સમજી ખોટી પ્રશંસા મેળવવા માટે યુવાનો અનુકરણ કરતા હોય છે. સાદગી જ જીવનને નિખારે છે.માણસ પોતાના કપડાંથી નહીં પણ વિચારોથી જ મહાન બને છે. મોંઘા કપડાં કે મોંઘી ગાડીઓ થોડા સમય માટે જ વાહવાહી કરાવશે,જયારે સાદગી હંમેશને માટે યાદગાર બની જતી હોય છે.જરૂરિયાત અને આવક પ્રમાણે ખર્ચ કરવો એ જ સાચી સાદગી છે.જરૂરી હોય એટલો જ ખર્ચ કરવાથી જીવન તણાવમુક્ત બને છે.બીજાને ગમશે કે નહીં ગમે,એ બાબતની દરકાર કર્યા વગર પોતાનાથી શક્ય હોય એટલું જ કરવાની આદત માણસને મહાન બનાવે છે. સાદગીથી સંતોષ અને સંતોષથી માનસિક શાંતિ મળે છે.બીજાને દેખાડવા માટે કંઈ કરવાને બદલે પોતાના માટે કંઈ કરવાથી પોતાની જાતને ખુશ રાખી શકાય છે.

મહા પુરુષોની મહાનતાનું કારણ પણ સાદગી અને ઉચ્ચ વિચારો જ છે.આપણે ખૂબ જ વૈભવી જીવન જીવનાર ઉધોગપતિઓને નહીં પણ સાદગીથી જીવીને જીવનના આદર્શો શીખવી જનાર મહાપુરુષોને જ હંમેશા યાદ કરીએ છીએ.તેમણે જીવનમાં હંમેશા સરળતા  અને સાદગીને જ સ્થાન આપ્યું છે.એના પરિણામે તેઓ સામાન્ય માનવમાંથી મહામાનવ તથા દેવમાનવની શ્રેણીમાં પહોંચી ગયા.

આજથી લગભગ અઢી હજાર વર્ષ પહેલાં રાજકુમાર સિદ્ધાર્થે પોતાના રાજસી વૈભવ તથા સુખ સગવડોનો ત્યાગ કરીને તપ કરવા માટે જંગલમાં જતા રહ્યા હતા અને મહાત્મા બુદ્ધ બની ગયા હતા.બુદ્ધ બનીને તેમણે લોકોને શાંતિ,કરુણા તથા નિર્વાણનો સંદેશ આપ્યો હતો.વર્ધમાનમાંથી મહાવીર બનવાની કહાની પણ આવી જ છે.તેમણે પણ રાજસી ઠાઠમાઠ છોડીને અહિંસા તથા તપનો માર્ગ અપનાવ્યો અને છેવટે જીવનમાં સાચી શાંતિ તથા પ્રસન્નતા મેળવવા માટે સાદું જીવન જીવીને સમાજમાં ઉચ્ચ વિચારોનો પ્રચાર પ્રસાર કર્યો.મધ્યયુગમાં કબીર, નાનક, તુલસીદાસ, સુરદાસ, નામદેવ વગેરે અનેક સંતોએ સાદગી તથા સંતોષનો માર્ગ અપનાવ્યો.સમાજમાં ઉચ્ચ વિચાર તથા પવિત્ર ચિંતનનો ફેલાવો કર્યો.

લોકોને સાદાઈથી રહેવાનો અને વિચારોને ઉચ્ચ તથા પવિત્ર બનાવવાનો ઉપદેશ આપ્યો. વર્તમાન યુગમાં રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ,મહર્ષિ રમણ વગેરે પોતાનું સાદું જીવન જીવી સમાજને સંદેશ આપી ગયા.બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધીમાંથી મહાત્મા ગાંધી બનવાની શક્તિ માત્ર એક પોતડી પહેરીને મેળવી હતી.બ્રિટિશ સરકાર સામે સંઘર્ષ કરવાનું આત્મબળ સાદું જીવન જીવવાથી જ પ્રાપ્ત થયું હતું.સરદાર પટેલ પણ સાદું જીવન અને ઉચ્ચ વિચારોની પ્રતિમૂર્તિ હતા.તેઓ પોતાના ફાટેલાં કપડાં પોતે સાંધીને પહેરતાં હતા.તેમના પુત્રી મણીબેન સરદાર સાહેબના પહેરેલા ઝભ્ભામાંથી બ્લાઉઝ બનાવીને પહેરતાં હતાં.સાદગી માટેનું આ જ્વલંત ઉદાહરણ હોઈ શકે.આ સિવાય રવિશંકર મહારાજ,વિનોબા ભાવે જેવા દેશસેવકોને આજે પણ એમના વિચારો અને મહાન કાર્યો માટે જ યાદ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.