Abtak Media Google News

પ્રેક્ટિકલ શિક્ષણ સહિતનો અભ્યાસક્રમ પૂર્ણ કરી ડિગ્રીને માન્યતા આપવા સુપ્રીમનો આદેશ

વિદેશમાં તબીબી શિક્ષણ મેળવનારા અને મહામારીને કારણે ભારત પાછા આવવાની ફરજ પાડનારા અને ઑનલાઇન વર્ગો દ્વારા પ્રેક્ટિકલ સહિતનો અભ્યાસક્રમ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને રાહત આપતા સુપ્રીમ કોર્ટે શુક્રવારે નેશનલ મેડિકલ કમિશનને તેમને તબીબ તરીકે મંજૂરી આપવા જણાવ્યું હતું. અહીંની મેડિકલ કોલેજોમાં ભારતમાં ક્લિનિકલ પ્રશિક્ષણ હાથ ધરવા અને ત્યારપછી તેમની ડિગ્રીને અમાન્ય કરવાને બદલે માન્યતા આપવા સુપ્રીમે આદેશ આપ્યો છે.

મેડિકલ સાયન્સ જેવા ટેકનિકલ શિક્ષણમાં પ્રેક્ટિકલ ક્લાસના મહત્વ પર ભાર મૂકતા જસ્ટિસ હેમંત ગુપ્તા અને વી રામસુબ્રમણ્યમની બેન્ચે કહ્યું કે, વ્યક્તિ વ્યવહારિક તાલીમ વિના સારો ડોક્ટર બની શકતો નથી. જે માત્ર શારીરિક સ્વરૂપમાં જ થઈ શકે છે, ઑનલાઇન દ્વારા નહીં. પરંતુ બેંચે એ પણ કહ્યું કે, જે વિદ્યાર્થીઓ મહામારીને કારણે શારીરિક રીતે પ્રેક્ટિકલ વર્ગોમાં હાજરી આપી શક્યા નથી તેમના પ્રત્યે સહાનુભૂતિપૂર્ણ દૃષ્ટિકોણ લેવો જોઈએ.

સુપ્રીમે નોંધ્યું કે, કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ જેઓ યુક્રેનમાં તેમનું તબીબી શિક્ષણ પૂર્ણ કરવાની આરે હતા તે પહેલાં રશિયાએ તે દેશ પર લશ્કરી હુમલો શરૂ કર્યા પછી વિદ્યાર્થીઓ અભ્યાસ અધૂરો મૂકી પરત ફરવા મજબૂર થયા હતા.  “કોઈ શંકા નથી કે, મહામારીએ વિદ્યાર્થીઓ સહિત સમગ્ર વિશ્વમાં નવા પડકારો ઉભા કર્યા છે, પરંતુ ક્લિનિકલ તાલીમ ન લીધેલ વિદ્યાર્થીને સંપૂર્ણ ઇન્ટર્નશિપ માટે કામચલાઉ નોંધણી આપવી એ કોઈપણ દેશના નાગરિકોના સ્વાસ્થ્ય અને આરોગ્ય માળખા સાથે ચેડા કરનારું હશે.  તેથી પ્રેક્ટિકલ તાલીમ વિના દેશના નાગરિકોની કાળજી લેવાની અપેક્ષા રાખનાર કોઈ ડોક્ટર હોઈ શકે નહીં. તેથી કામચલાઉ નોંધણી ન આપવાનો અપીલકર્તા (કમિશન) ના નિર્ણયને મનસ્વી કહી શકાય નહીં, તેવું બેન્ચે કહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.