Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની આચાર્ય શ્રી અવિચલદાસજી મહારાજ સાધુ દિક્ષા સુવર્ણ જયંતિ મહોત્સવમાં પ્રેરક ઉપસ્થિતિ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જ્ઞાન સંપ્રદાય ગુરુગાદી સારસા ખાતે સપ્તમ કુવેરાચાર્યશ્રી અવિચલદાશજી મહારાજ સાધુ દીક્ષા સુવર્ણજયંતી મહોત્સવ પ્રસંગે પરમ પૂજ્ય આચાર્ય  અવિચલદાસજી મહારાજની ભાવ વંદના કરવાની સાથે તેમનું અભિવાદન કર્યું હતું

સારસામાં યોજાયેલા વિરાટ ધર્મ સંમેલનમાં હજારો નેમી ભક્તોએ  મુખ્યમંત્રીને હર્ષોલ્લાસથી વધાવી લીધા હતા.

ભારત વર્ષમાંથી પધારેલા સંતો મહંતો મહામંડલેશ્વરોનું પણ મુખ્યમંત્રીશ્રીએ અભિવાદન કર્યું હતું. સંતો-મહંતોએ પણ મુખ્ય મંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું .

અવિચલદાસજી મહારાજ સહિત ભારતવર્ષના સંતો-મહંતોએ મુખ્યમંત્રીશ્રીને સર્વકલ્યાણના  શુભ આશિષ  પ્રદાન કર્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ.પૂ.અવિચલદાસજી મહારાજ લિખિત પ્રેરણા પૂંજ પુસ્તકનું વિમોચન કર્યું હતું.

રાજ્ય સત્તા કરતા ધર્મ સત્તા મહત્વની છે એવી લાગણી વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે ભારતીય સંસ્કૃતિમાં દિક્ષા એ ઉજ્જવળ પરંપરા છે.

પ. પૂ. આચાર્ય અવિચલદાસજી મહારાજે આજથી ૫૦ વર્ષ અગાઉ પોતાના આત્માના કલ્યાણ સાથે સમગ્ર સમાજનું ઉત્થાન થાય, સૌ જીવો પોતે સદગુણો  પ્રાપ્ત કરી ઇશ્વર સમીપ જાય તે માટે પોતાનું જીવન સમર્પિત કર્યુ હતુ તેમ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે પ. પૂ. આચાર્યશ્રી અવિચલદાસજી મહારાજ સહિત ભારત વર્ષે અનેક સંતો મહંતો આપ્યા છે, જેમની આધ્યાત્મિક ચેતના ,તપ- તપસ્યાને કારણે આજે ગુજરાત ઉજળુ છે.

મુખ્યમંત્રીએ પ. પૂ. અવિચલદાસજી મહારાજની પ્રેરણાથી જ્ઞાન સંપ્રદાય ગુરૂગાદી સારસા દ્વારા સમાજના છેવાડાના અને અંતરિયાળ વિસ્તારોમાં થઇ રહેલા શિક્ષણ- આરોગ્ય-વ્યસનમુક્તિ જેવા કાર્યોની સરાહના કરી હતી.

7537D2F3 4

પ.પૂ. અવિચલદાસજી મહારાજની સાધુ દિક્ષાની સુવર્ણ જયંતિએ ભારત વર્ષના સંતો મહંતોની વિરાટ ઉપસ્થિતિ શ્રી અવિચલદાસજી મહારાજની રાષ્ટ્રીય સંત તરીકેની વિરાસતની પ્રતિતિ કરાવે છે તેમ તેમણે જણાવ્યુ હતુ.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ કે એકવીસમી સદીમાં ભારત શ્રેષ્ઠ બને તે માટે ભારતવર્ષના સંતો મહંતો સનાતન સંસ્કૃતિના રક્ષણ અને ધર્મના પ્રચાર સાથે સતત પ્રયાસરત છે.સમગ્ર ગુજરાતની જનતા વતી મુખ્યમંત્રીશ્રીએ પ.પૂ. અવિચલદાસજી મહારાજની ભાવ વંદના કરી તેમનું શેષ જીવન દૈદિપ્યમાન બની રહે અને તેઓ સમાજ સેવાના વધુ કાર્યો કરે તેવી પ્રાર્થના કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે ગુજરાતના બે સપૂતો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહે કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦ અને ૩૫-એ દૂર કરી કાશ્મીરને ભારતનું અવિભાજ્ય અંગ બનાવ્યુ છે. એટલું  જ નહી અયોધ્યા રામમંદિર વિવાદનો પણ ન્યાયતંત્ર ઉપર ભરોસો મૂકી ઉકેલ કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે નાગરિકતા સંશોધન કાયદો કોઇની નાગરિકતા છીનવવા માટે નહી, પરંતુ પાકિસ્તાન, અફગાનિસ્તાન, અને બાંગ્લાદેશના હિન્દુ, શીખ, ઇસાઇ અને બૌધ્ધ ધર્મના લોકોને નાગરિકતા આપવા માટે છે.

દેશ વિરોધી લોકો વોટબેંકની રાજનીતિ માટે આ કાયદાનો દુષ્પ્રચાર કરી રહ્યા છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

મુખ્યમંત્રીશ્રીએ સમાજમાં જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા-પ્રાંતવાદથી ઉપર ઉઠીને શક્તિશાળી અને ભવ્ય ભારતના નિર્માણ માટે સૌને કર્તવ્યનિષ્ઠ બનવા અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે સંપૂર્ણ પારદર્શીતા સાથે લોકોની આશાઓ અપેક્ષાઓ પૂર્ણ કરવા સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર સાથે સરકાર આગળ વધી રહી છે.ભારતવર્ષના સંતો મહંતો મહામંડલેશ્વરોના દર્શન આશીર્વાદનું મને પણ આજે સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે તેવી લાગણી મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.

પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાધાણીએ જણાવ્યુ કે સંતો મહંતોએ ભારતવર્ષના શ્રેય-કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યુ છે. ભારતવર્ષ સંતો-મહંતોની આશીર્વાદ અને તપ તપસ્યાના કારણે ટકી રહ્યુ છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

શ્રી વાધાણીએ પ.પૂ. અવિચલદાસજી મહારાજના સાધુ દીક્ષાની સુવર્ણ જયંતિએ ભાવવંદના કરી નિષ્ઠા અને પ્રામાણિકતાથી લોક સેવા કરવાના આશીર્વાદ મેળવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.