Abtak Media Google News
આર.કે.યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને સૂચના પ્રૌદ્યોગિકી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરની ઉપસ્થિતિમાં ‘ન્યૂ ઈન્ડિયા ફોર યંગ ઈન્ડિયા: ટેકેડ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ’કાર્યક્રમ યોજાયો

કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને સૂચના પ્રૌદ્યોગિકી રાજ્યમંત્રીશ્રી રાજીવ ચંદ્રશેખરની ઉપસ્થિતિમાં આર.કે.યુનિવર્સિટી ખાતે ’ન્યૂ ઈન્ડિયા ફોર યંગ ઈન્ડિયા: ટેકેડ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજકોટની વિવિધ ઔદ્યોગિક સંસ્થાના પ્રમુખઓ, ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તેમજ ચેમ્બર્સના સભ્યો, ઉદ્યોગ સાહસિકો અને વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રી  રાજીવ ચંદ્રશેખરે ભારતની અર્થવ્યવસ્થા વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, વર્ષ 2014 પહેલા ભારતમાં ઉદ્યોગ સાહસિકો માટે પૂરતી તકો નહોતી. વસ્તુઓની આયાત વધુ અને નિકાસનું પ્રમાણ વધુ હતું. જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ હેઠળ આજે વિશ્વભરમાં ભારતની અર્થવ્યવસ્થા ઘણી મજબૂત બની છે. ઉદ્યોગકારો માટે નવી તકોના સર્જન સાથે નિકાસના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખજખઊ હેઠળ નાના ઉદ્યોગકારોને આર્થિક રીતે ઘણો સહયોગ મળી રહ્યો છે. કોઈપણ વસ્તુના ઉત્પાદન માટે એક સમયે ચાઈના પર નિર્ભર ભારત આજે દરેક સ્પેરપાર્ટસનું જાતે ઉત્પાદન કરીને આત્મનિર્ભર બન્યું છે. કોરોનાને કારણે વિકસિત દેશોની અર્થવ્યવસ્થા ઘણી ખોરવાઈ છે. કોઈ દેશમાં આર્થિક રીતે નુકસાન થયું છે તો કોઈ દેશમાં સામાજિક અને આરોગ્યની દ્રષ્ટિએ ઘણી પછડાટ અનુભવી છે.

માત્ર એક ભારત દેશએ વિશ્વભરમાં કોરોનાના અસરકારક નિયંત્રણ બાદ છેલ્લાં બે વર્ષમાં વિકસિત દેશોની સરખામણીમાં ગ્લોબલ માર્કેટમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. વચેટિયાઓની બાદબાકી સાથે ડિજિટલાઇઝેશન થકી સરકારની વિવિધ યોજનાઓના નાણાકીય લાભો આજે નાગરિકોને સીધા મળી રહ્યા છે. અર્થવ્યવસ્થાના જાણીતા નિષ્ણાતોનું કહેવું છે કે અત્યારે ભારતની અર્થવ્યવસ્થાનો દશકો નહીં પણ સદી ચાલી રહી છે તેમ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું. હિરન્મય મહંતાએ સ્ટાર્ટઅપ ક્ષેત્રની વાત કરતા જણાવ્યું હતું કે, ઇનોવેટિવ આઈડિયા ધરાવતાં યુવાઓના સ્વપ્નોને આકાર આપવા માટે સરકારશ્રીએ અનેક નવી તકોનું સર્જન કર્યું છે. વિદ્યાર્થીઓને આર્થિક રીતે કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ન અનુભવે તે માટે વિવિધ યોજનાઓ થકી નાણાકીય સહાય પુરી પાડી રહી છે. આવા કાર્યક્રમોના આયોજન થકી એકેડેમીયા અને ઉદ્યોગને સાથે લઈને ઓદ્યોગિક જગતમાં યુવાધનને એક નવી દિશા આપી શકીએ છીએ.

આ તકે કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું ખાદીની માળા પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સ્મૃતિચિહ્નન અર્પણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત સ્ટુડન્ટ્સ સ્ટાર્ટ અપ પોલિસી હેઠળ પાંચ ઉદ્યોગ સાહસિકોને  17 લાખથી લઈને 69 હજાર સુધીની રકમના ચેક એનાયત કરવામાં આવ્યા હતા. વધુમાં પીજીવીસીએલ દ્વારા તૈયાર કરેલ ઊર્જા ક્ષેત્રે ઉદ્યોગકારો સાહસ કરી શકે તેની જાણકારી આપતાં પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, કલેક્ટર અરૂણ મહેશ બાબુ, પી.જી.વી.સી.એલ.ના એમ.ડી. વરુણકુમાર બરનવાલ,  આર.કે. યુનિવર્સિટીનાં એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ  ડેનિશ પટેલ, શ્રી ટી.આર.દેસાઈ, ઉદ્યોગ સાહસિકો તેમજ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.