Abtak Media Google News

બોલીંગનાં મહારથીઓને મેન ઈન બ્લુએ ૧૨૫ રને માત આપી

આઇસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે તેની વિજયકૂચ આગળ ધપાવતાં ગુરુવારે વેસ્ટ ઇન્ડિઝને આસાનીથી કચડી નાખીને ૧૨૫ રનથી વિરાટ વિજય હાંસલ કર્યો હતો. આ સાથે ભારતે સેમિફાઇનલમાં પોતાનો પ્રવેશ નિશ્ચિત કરી દીધો હતો જ્યારે વેસ્ટ ઇન્ડિઝ માટે હવે આગળ ધપવાની શક્યતા લગભગ ધોવાઈ ગઈ છે. તે હાલમાં માત્ર ત્રણ પોઇન્ટ ધરાવે છે જ્યારે ભારતે આ મેચના વિજય બાદ ૧૧ પોઇન્ટ સાથે ટેબલમાં બીજો ક્રમ હાંસલ કર્યો છે. ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાયેલી મેચમાં ભારતે બેટિંગમાં નિરાશ કર્યા હતા પરંતુ એ કમી બોલર્સે પૂરી કરી દીધી હતી. ટોસ જીતીને વિરાટ કોહલીએ પ્રથમ બેટિંગ કરવાનો ઉચિત નિર્ણય લીધો હતો અને ૫૦ ઓવરમાં સાત વિકેટે ૨૬૮ રન નોંધાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડિઝ જરાય પ્રતિકાર કરી શક્યું ન હતું અને ૩૪.૨ ઓવરમાં ૧૪૩ રનમાં આઉટ થઈ ગયું હતું. ભારતે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી પરંતુ વિરાટ કોહલીએ કેપ્ટન્સ ઇનિંગ્સ રમીને ૭૨ રન ફટકાર્યા હતા. એક તબક્કે ભારત જંગી સ્કોર ખડકી શકે તેમ લાગતું ન હતું. કોહલી ૮૨ બોલમાં આઠ બાઉન્ડ્રી સાથે ૭૨ રન ફટકારીને આઉટ થયો હતો. ધોની પણ અગાઉની મેચોની માફક ધીમી બેટિંગ કરી રહ્યો હતો પરંતુ હાર્દિક પંડ્યા સાથે મળીને તેણે ૮૦ રન ઉમેર્યા ત્યાર બાદ ભારતના ૨૫૦ના સ્કોરની અપેક્ષા જાગી હતી.

હાર્દિક પંડ્યા તેની મૂળ શૈલીથી આક્રમક રમતો હતો પરંતુ તેની પાસેથી આ ઇનિંગ્સમાં સિક્સર જોવા મળી ન હતી. વડોદરાનો આ ઓલરાઉન્ડર ૩૮ બોલમાં ૪૬ રન ફટકારીને આઉટ થયો ત્યાર બાદ ધોનીએ પણ ખભા ઉંચક્યા હતા અને ઝડપી બેટિંગ શરૂ કરી હતી. અંતિમ ઓવર્સમાં તે વધુ આક્રમક બન્યો હતો અને પોતાનો સ્ટ્રાઇક રેટ સુધારીને ૬૧ બોલમાં ૫૬ રન ફટકાર્યા હતા. ભારતીય ઇનિંગ્સમાં એક માત્ર ધોની જ સિક્સર ફટકારી શક્યો હતો. તેણે બે સિક્સર અને ત્રણ બાઉન્ડ્રી ફટકારી હતી. ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી ત્યારે તેની પાસેથી ૩૦૦થી વધુના સ્કોરની અપેક્ષા રખાતી હતી. જોકે કોહલી અને ધોનીએ અડધી સદી ફટકારીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.ભારતીય બોલિંગ આક્રમણ ૨૬૮ રનનો સ્કોર ડિફેન્ડ કરી શકે છે તેવા આત્મવિશ્વાસ સાથે મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહે ઇનિંગ્સનો પ્રારંભ કર્યો હતો. શમીએ તેની આગલી મેચની ધારદાર બોલિંગ આગળ ધપાવતો હોય તેમ પાંચમી ઓવરમાં ખતરનાક ક્રિસ ગેઇલ અને સાતમી ઓવરમાં આક્રમક શાઈ હોપને પેવેલિયન ભેગા કરી દીધા હતા. સુનીલ એમ્બ્રિસ અને હેતમેયરે થોડો પ્રતિકાર કર્યો હતો પરંતુ તેઓ ટીમનો પરાજય થોડા સમય પૂરતો પાછળ ધકેલી શક્યા હતા. મિડલ ઓવરમાં કુલદીપ યાદવ અને ચહલે વિકેટ લીધી હતી તો બુમરાહે બીજા સ્પેલમાં આવીને વેસ્ટ ઇન્ડિઝના પરાજય પર મહોર મારી દીધી હતી. ભારતને વિજય અપાવવામાં તમામ બોલરનું યોગદાન રહ્યું હતું. મોહમ્મદ શમીએ ૧૬ રનમાં ચાર વિકેટ ઝડપી હતી તો બુમરાહ અને ચહલને ફાળે બે બે વિકેટ આવી હતી.

કોહલીનો ‘વિરાટ’ રેકોર્ડ: આંતરરાષ્ટ્રીય સ્તર પર સૌથી ઝડપી ૨૦ હજાર રન કરતાં સચિન અને લારાને છોડયા પાછળ

Indias-Semi-Finals-Are-Not-Enough-To-Beat-The-West-Indies
indias-semi-finals-are-not-enough-to-beat-the-west-indies

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી ૨૦ હજાર રન પૂરા કરી લીધા છે. વિરાટ કોહલીએ વિશ્વકપમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઓલ્ડ ટ્રેફર્ડના મેદાન પર આ સિદ્ધિ મેળવી હતી. આ પહેલા સૌથી ઝડપી ૨૦ હજાર રન બનાવવાનો રેકોર્ડ ભારતના સચિન તેંડુલકર અને વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારાના નામે હતો.  કોહલીએ આ મેચમાં ૩૭ રન બનાવતા જ ૪૧૭ ઈનિગંમાં (૧૩૧ ટેસ્ટ, ૨૨૪ વનડે અને ૬૨ ટી૨૦)માં ૨૦ હજાર રનનો આંકડો પાર કર્યો છે. આ મુકામ પર પહોંચનારો તે ૧૨મો બેટ્સમેન અને ત્રીજો ભારતીય બની ગયો છે.  કોહલીથી વધુ રન સચિન (૩૪૩૫૭) અને રાહુલ દ્રવિડ  (૨૪૨૦૮)એ બનાવ્યા છે. તેંડુલકર અને લારા બંન્ને ૪૫૩ ઈનિંગમાં આ મુકામ પર પહોંચ્યા હતા જ્યારે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે ૪૬૮ ઈનિંગમાં ૨૦ હજાર આંતરરાષ્ટ્રીય રનના આંકડાને પાર કર્યો હતો.  કોહલી આ દિવસોમાં શાનદાર ફોર્મમાં છે. પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં તેણે ૭૭ રનની ઈનિંગ દરમિયાન સૌથી ઝડપી ૧૧ હજાર વનડે રન બનાવવાનો કીર્તિમાન પોતાના નામે કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.