Abtak Media Google News

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 9 માસમાં બંન્ને દેશો વચ્ચે 90 બિલીયન ડોલરનો વેપાર થયો

ચીની ચીજવસ્તુઓના બહિષ્કારના બણગા વચ્ચે ડ્રેગન સાથેનો વેપાર ચાલુ વર્ષે રૂ.5 લાખ કરોડને પાર કરે તેવી શકયતા

 

અબતક, નવી દિલ્હી:

પાડોશી દેશ ડ્રેગન સાથે છેલ્લાં ઘણાં સમયથી ખેંચતાણ ચાલી રહી છે. એમાં પણ સ્વદેશી અપનાવો ઝુંબેશે ચીનને મોટો ફટકો પાડ્યો છે. રાજનીતિક, કુટનીતિક કે વ્યાપારી તમામ ક્ષેત્રે ચીન સાથે સંઘર્ષ યથાવત જ છે. ચીની ચીજ-વસ્તુઓનો બહિષ્કાર કરી સ્વદેશી આપનાવવાની પહેલ ભારતમાં ખૂબ ચાલી રહી છે, પણ તેમ છતાં ચીન સાથેનો વેપાર દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે. ભારત-ચીન વચ્ચે શીત યુદ્ધ જારી છે પણ આ સાથે વેપાર ધંધો પણ ટનાટન છે. સંઘર્ષભર્યા સંબંધો બાદ પણ આ વર્ષે ભારત અને ચીનનો વેપાર 100 અબજ ડોલર એટલે કે 7.5 લાખ કરોડનો આંકડો પાર કરી દેશે.

ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં જ બંને દેશો વચ્ચેનો વેપાર  90 બિલિયને પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે પૂર્વી લદ્દાખમાં લશ્કરી સ્થિતિને કારણે, બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો ખરાબ થઈ રહ્યા છે. પણ તેમ છતાં, આ વેપારનો આંકડો 100 બિલિયન ડોલર પ્રાપ્ત થવાની ધારણા છે. ચીનની કુલ આયાત અને નિકાસ અનુક્રમે 22.7 ટકા વધીને 2021ના  ત્રણ ત્રિમાસિક ગાળામાં 28,330 અબજ યુઆન (4,380 અબજ ડોલર) થઈ ગઈ છે. કસ્ટમ્સ જનરલ એડમિનિસ્ટ્રેશન અનુસાર, આ આંકડો 2019 રોગચાળા પહેલાના સમાન સમયગાળાથી 23.4 ટકા વધારે છે. સપ્ટેમ્બરના અંતમાં ભારત-ચીન દ્વિપક્ષીય વેપાર 90.37 અબજ હતો. વાર્ષિક ધોરણે તેમાં 49.3 ટકાનો વધારો થયો છે.

ચીનના કસ્ટમ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા માસિક ડેટા અનુસાર, આ સમયગાળા દરમિયાન ભારતમાં ચીનની નિકાસ 51.7 ટકા વધીને  684.6 મિલિયન થઈ છે. તે જ સમયે, ચીન માટે ભારતની નિકાસ 42.5 ટકા વધીને 21.91 અબજ થઈ છે.પૂર્વી લદ્દાખમાં લશ્કરી અસ્થિરતાને કારણે છેલ્લા બે વર્ષ જેટલા સમયથી બંને દેશો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. જે અંગે ચર્ચા વિચારણાના માધ્યમથી સમાધાન લાવવા તાજેતરમાં 13મી રાઉન્ડની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન, લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી)ના વિસ્તાર કૈલાશ હિલ રેન્જ અને ગોગરા વિસ્તારો પર ચર્ચા કરાઇ હતી. જો કે હોટ સ્પ્રિંગ, ડેમચોક અને ડેપસંગ મેદાનોમાં હજુ પણ તણાવ ચાલુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.