Abtak Media Google News

શાંતિનો સુરજ ઉગ્યો

ભારત-ચીનના વિદેશી પ્રધાનો વચ્ચે આશરે ૨ કલાક લાંબી ચાલેલી બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો

ભારત અને ચીન વચ્ચે ગત લાંબા સમયથી તણાવગ્રસ્ત સબંધો વધુ વણસી રહ્યાં હતા. સતત સરહદ પર ફાયરીંગ થવાની ઘટનાઓ સામે આવી રહી હતી. બન્ને દેશો લાઈન ઓફ એકચ્યુઅલ કનટ્રોલ (એલએસી)ના ભંગ અંગે સામસામે ઉભા રહી ગયા હતા. તેવા સમયમાં રશિયાએ એસસીઓ દેશની બેઠક મારફત બન્ને દેશોની મધ્યસ્થિ કરી સરહદી તણાવનો સુખદ અંત લાવવા પ્રયત્ન કર્યો હતો. ગુરૂવારે મોસ્કો ખાતે યોજાયેલી એસસીઓ દેશની બેઠકમાં ભારતીય વિદેશ પ્રધાન અને ચાઈનીઝ  વિદેશ પ્રધાન વચ્ચે આશરે ૨ કલાક સુધી મંત્રણા ચાલી હતી. જે બાદ કુલ પાંચ મુદ્દા પર ચર્ચા કરી ભારત-ચીન સરહદી તણાવનો અંત લાવવા વાટાઘાટો થઈ હતી.

Advertisement

ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં લાંબા સમય સુધી સરહદનો સામનો કરવા સમાધાન માટેના પાંચ મુદ્દાની યોજના પર ભારત અને ચીને સંમતિ બતાવી છે. જેમાં સરહદના સંચાલન અંગેના તમામ વર્તમાન કરારો અને પ્રોટોકોલનું પાલન, શાંતિ અને સુલેહની જાળવણી તેમજ કોઈપણ ઉત્તેજીત પગલાઓ ટાળવા સહિતની બાબતોનો સમાવેશ થાય છે. બન્ને દેશોએ ગુરૂવારે સાંજે શાંઘાઈ સહકાર સંગઠન (એસસીઓ)ની બેઠક દરમિયાન મોસ્કોમાં ભારતીય વિદેશ પ્રધાન એસ.જયશંકર અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યી વચ્ચેની વાટાઘાટો દરમિયાન પાંચ મુદ્દાઓ ઉપર સંમતિ બતાવવામાં આવી છે.

પાંચ મુદ્દાની વાત કરવામાં આવે તો ભારતીય સૈન્ય અને ચીની પીપલ્સ લીબ્રેશન આર્મી (પીએલએ) મે મહિનાની શરૂઆતથી પૂર્વી લદ્દાખમાં એલએસી બાજુમાં અનેક વિસ્તારોમાં તંગદીલી ફેલાઈ હોવાથી હવે બન્ને સૈન્યો એલએસીનું ઉલ્લંઘન કરશે નહીં. વિદેશી બાબતોના મંત્રાલયે આજરોજ એક સંયુક્ત પ્રેસ નિવેદન બહાર પાડી જણાવ્યું છે કે, પાંચ મુદ્દાઓ ઉપર ભારત અને ચીન વચ્ચે નિખાલસ અને રચનાત્મક રીતે ચર્ચા કરી સંમતી બતાવાઈ છે. બન્ને વિદેશ પ્રધાનોએ કહ્યું છે કે, સરહદની વિસ્તારમાં હાલની પરિસ્થિતિ કોઈ દેશ માટે હિતાવહ નથી. આથી બન્ને દેશના સરહદી સૈનિકોએ વાતચીત ચાલુ રાખવી જરૂરી છે. કોઈપણ બાબતે નિખાલસતાથી વાત કરી સમાધાન લાવવું જરૂરી નિવડશે. કોઈપણ તણાવપૂર્ણ બાબતો પર વાટાઘાટો કરી તેનો ઉકેલ લાવવા જરૂરી બની રહેશે. તેમજ યોગ્ય અંતર જાળવી તણાવ ઘટાડવા મુદ્દે સંમતિ લાવવી પણ જરૂરી બની રહેશે.

ઉલ્લેખનીય બાબત છે કે, વર્ષ ૨૦૧૮-૧૯માં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ વચ્ચે બે વાર અનૌપચારીક બેઠક યોજાઈ હતી. કે જેમાં કુલ પાંચ વિષયો પર ચર્ચા કરી કરારો કરવામાં આવ્યા હતા. ગઈકાલે લેવાયેલા નિર્ણયો અને કરારો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અનૌપચારીક બેઠક અનુસંધાને લેવાયા હોય તેવું લાગી રહ્યું છે.

બન્ને વિદેશ પ્રધાનોએ સંમતિ આપી છે કે, ચીન-ભારત સરહદી બાબતો પરના તમામ નવા કરારો અને પ્રોટોકોલનું પાલન કરશે. સરહદી વિસ્તારોમાં સુલેહ અને શાંતિ જળવાઈ રહે તે હેતુસર બન્ને દેશના સૈન્યને અનુશાસનમાં રાખવામાં આવશે. બન્ને દેશોના સંબંધો વધુ મજબૂત બનાવવા સતત સીમાના પ્રશ્ર્ને સંદેશા વ્યવહાર ચાલુ રાખવામાં આવશે. જેથી કોઈપણ જાતની સમસ્યા ભવિષ્યમાં ઉપજે નહીં અને સરહદી વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે. બન્ને દેશોના સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બન્ને પક્ષો સીમાના પ્રશ્ર્ને વિશેષ પ્રતિનિધિ ‘એસઆર’ પધ્ધતિ દ્વારા સંદેશા વ્યવહાર ચાલુ રાખશે. આ સંદર્ભમાં વિદેશ મંત્રીઓએ આ બાબત પણ સંમતિ આપી છે કે, સરહદની બાબતો અંગેના પરામર્શ અને સંકલન માટે કાર્યકારી મિકેનીઝમ ઉપર પણ યોગ્ય સમયે બેઠકો યોજવામાં આવશે.

ભારતીય સમય મુજબ મધ્યરાત્રીએ યોજાયેલી બેઠકમાં બન્ને દેશોના વણસતા સબંધોને હવે મજબૂત અને તંદુરસ્ત બનાવવા અંગે બેઠકમાં ચર્ચા કરાઈ હતી. બન્ને દેશોએ સંબંધો ગાઢ બનાવવા અંગે સહમતી આપતી હતી. ભારતે અગાઉ પણ કહ્યું છે કે, સારા સંબંધો હશે તો કોઈ પણ ગંભીર મુદ્દા ઉપર વાતચીત કરી વાટાઘાટો કરી સુખદ સમાધાન લાવી શકાશે.  મોસ્કોમાં યોજાયેલી બેઠકમાં ત્રિપક્ષીય બેઠક હતી. રશિયા, ભારત, ચાઈના ત્રણેયના વિદેશ પ્રધાનો આ બેઠકમાં હાજર રહ્યાં હતા. રશિયાના વિદેશ પ્રધાન શેરજી લેવરોરે આ બેઠકમાં મધ્યસ્થિ કરી હતી. સુત્રાના જણાવ્યાનુસાર ભારતીય સેનાએ ગુરાંગહીલ, મગરહીલ, રીઝાંગ લા અને રિચેન લા સહિતના વિસ્તારોમાં મજબૂત પકડ બનાવી ભારતીય સેનાને તૈનાત કરી હતી. પરંતુ સરહદી પ્રશ્ર્નોનો સુખદ અંત આવતા હવે ભારતીય સેનાના જવાનોને આ વિસ્તારમાંથી પાછળ ખસેડી લેવામાં આવશે તેમજ પેંગોગ તળાવ સહિતની વિસ્તારમાં પણ આ પ્રકારના પગલા લઈને તણાવને દૂર કરવામાં આવશે.

આ મામલે ભારતીય વિદેશ પ્રધાન એસ.જયશંકર કહ્યું હતું કે, કોઈપણ ઠરાવ રાજકીય હોવો જોઈએ અને મુસદાગીરી દ્વારા પ્રાપ્ત થવો જોઈએ. હું પુરેપુરી ખાતરી આપતા કહું છું કે, કોઈપણ વિકટ પરિસ્થિતિનું સમાધાન મુસદીકરણના માધ્યમથી જ શોધવું હિતાવહ હોય છે અને તે પ્રમાણે જ હાલ ભારત-ચાઈના વચ્ચેના તણાવને દૂર કરવાનો પ્રયત્ન કરાયો છે. આ મુદ્દે બન્ને દેશો તરફથી હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો છે.

ભારત-ચીન સરહદી પ્રશ્ને થયેલા પાંચ કરાર

– બોર્ડર વિવાદને લઈ વિશેષ પ્રતિનિધિઓ વચ્ચે પણ વાત ચાલુ રહેશે.

– માહોલમાં શાંતિ સ્થાપિત થયા બાદ બંને દેશ પોતાના સંબંધોને આગળ વધારવા કામ કરશે.

– બંને દેશોએ પોતાના નેતાઓનાં માર્ગદર્શન હેઠળ ચાલીને વાતચીતને આગળ વધારવી જોઈએ અને મતભેદને વિવાદમાં બદલવો ન જોઈએ.

– બોર્ડર પર હાલની પરિસ્થિતિ બંને દેશોના પક્ષમાં નથી, તેવામાં સેનાઓ વાતચીત ચાલુ રાખશે અને સીમા પર હાલતને બરાબર કરવાનો માહોલ તૈયાર કરવામાં આવશે.

– બંને દેશો ભારત-ચીન વચ્ચેના સીમાને લઈ હાલની સમજૂતીનું પાલન કરશે અને શાંતિ સ્થાપવાનો પ્રયાસ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.