Abtak Media Google News
  • આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઇશુદાન ગઢવીના નામની જાહેરાત કર્યાના ગણતરીના કલાકોમાં ઇન્દ્રનીલે “ઝાડુ” છોડી પંજો પકડી લીધો
  • વર્ષો પછી એકજૂટ બનીને લડી રહેલા રાજકોટ શહેર કોંગ્રેસના નેતાઓ ઇન્દ્રનીલની ઘરવાપસીથી ભારોભાર નારાજ: ફરી કોંગ્રેસ વેરવિખેર થઇ જશે?

રાજનીતિમાં ક્યારેય કોઇ કાયમી દુશ્મન કે કાયમી દોસ્ત હોતા નથી તે ફરી એકવાર પુરવાર થઇ ગયુ છે. સાત માસ પૂર્વ કોંગ્રેસનો સાથ છોડી આમ આદમી પાર્ટીનું ઝાડુ પકડી લેનાર પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ ફરી ઘરવાપસી કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા ગઇકાલે બપોરે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી “આપ” પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઇશુદાનભાઇ ગઢવીના નામની જાહેરાત કર્યાના થોડા કલાકોમાં જ ઇન્દ્રનીલે “આપ” સાથ છોડી દીધો હતો અને ફરી માતૃસંસ્થામાં પ્રવેશ કર્યો હતો.

2017 વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ પશ્ર્ચિમ બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સામે હાર્યાના થોડા સમયમાં ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો અને ચાર વર્ષથી પણ વધુ સમય માટે સક્રિય રાજકારણમાંથી અલીપ્ત થઇ ગયા હતા. દરમિયાન ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ફરી જાન્યુઆરી માસમાં કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાઇ ગયા હતા. કોંગ્રેસ દ્વારા પણ તેઓને કદ પ્રમાણે હોદ્ો આપતા પ્રદેશના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા હતા. જો કે અતિ મહત્વકાંક્ષી અને રાજનીતિમાં કહેવામાં આવે તો તક સાધુ ઇન્દ્રનીલભાઇએ ગત એપ્રીલ માસમાં કોંગ્રેસનો સાથ છોડી આપનું ઝાડુ પકડી લીધું હતું. આમ આદમી પાર્ટી દ્વારા પણ તેઓને નેશનલ જોઇન્ટ સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા. અરવિંદ કેજરીવાલે પણ સૌરાષ્ટ્રનો હવાલો આડકતરી રિતે ઇન્દ્રનીલને સોંપી દીધો હતો.

“આપ” દ્વારા ગુજરાતમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવા માટે તાજેતરમાં જનતાના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. જેમાં કુલ ત્રણ નેતાઓ વચ્ચે ટક્કર હતી. ઇશુદાન ગઢવી, ગોપાલભાઇ ઇટાલીયા અને ઇન્દ્રનીલ રાજ્યગુરૂ વચ્ચે સ્પર્ધા ચાલી રહી હતી. દરમિયાન ગુજરાતની મૂલાકાતે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગઇકાલે બપોરે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં “આપ” મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇશુદાન ગઢવી રહેશે તેવી જાહેરાત કરી હતી. આ જાહેરાત વેળાએ ઇન્દ્રનીલ રાજ્યગુરૂ ગેરહાજર રહેતા એવી અટકળો શરૂ થઇ હતી કે તેઓ આપનો સાથ ગમે ત્યારે છોડી દેશે.

દરમિયાન ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ રાત્રે વિધિવત રીતે કોંગ્રેસમાં ઘરવાપસી કરી લીધી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ તેઓને ખેસ પહેરાવી કોંગ્રેસમાં આવકાર્યા હતા.

ઇન્દ્રનીલ રાજ્યગુરૂની ઘરવાપસીથી રાજકોટ શહેર કોંગ્રેસના કેટલાક મોટા નેતાઓમાં ભારોભાર નારાજગી વ્યાપી જવા પામી છે. પરંતુ હાઇકમાન્ડના નિર્ણય સામે હાલ બધાએ મોઢા સિવી લીધા છે. શહેરની ચારેય બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર થયા બાદ કોંગ્રેસનો કકળાટ ખૂલ્લીને બહાર આવે તેવું મનાઇ રહ્યું છે.

  • ટિકિટ નહી મળે તો “ઇન્દ્ર” ફરી ફટકશે?

જો વિધાનસભાની આગામી ચૂંટણીમાં માતૃસંસ્થા કોંગ્રેસ દ્વારા ઇન્દ્રનીલ રાજ્યગુરૂને રાજકોટ પૂર્વ કે રાજકોટ પશ્ર્ચિમ એમ બે બેઠકો પૈકી કોઇ એક બેઠક પર ઉમેદવાર તરીકે જાહેર નહી કરવામાં આવે તો ફરી તેઓને પક્ષ સાથે વાંકુ પડશે તેવું પક્ષમાં અંદરખાને ચર્ચાય રહ્યું છે.  પક્ષ ટિકિટ આપે અને જનતા જર્નાદન ન સ્વિકારે તો પણ ઇન્દ્રનીલભાઇ રાજકારણમાં નિષ્ક્રીય થઇ જાય છે. હવે જો કોંગ્રેસ દ્વારા તેઓને વિધાનસભાની ટિકિટ આપવામાં નહી આવે તો ફરી ફટકશે તેવું મનાય રહ્યું છે.

  • ઇન્દ્રનીલ રાજ્યગુરૂ ‘આપ’માં મુખ્યમંત્રી પદ માટે દબાણ કરતા’તા: ગોપાલ ઇટાલિયા

આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યા બાદ ગઇકાલે રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ ‘આપ’માંથી રાજીનામુ આપી દેતા ખળભળાટ મચી ગયો છે.

આ અંગે ‘આપ’ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ એવું

જણાવ્યું હતું કે ઇન્દ્રનીલ રાજ્યગુરૂ આમ આદમી પાર્ટીમાં પોતાને મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે જાહેર કરવા પક્ષ પાસે વધુ પડતો આગ્રહ રાખતા હતા. આ માટે દબાણ પણ કરતા હતા.

જો કે આમ આદમી પાર્ટીએ જનતાનો અભિપ્રાય માંગ્યો હોય અને જનતાએ ઇશુદાન ગઢવીને અભિપ્રાય આપતા પાર્ટીએ મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે ગઇકાલે ઇશુદાન ગઢવીનું નામ જાહેર કર્યું હતું.

ઇટાલિયાએ એવું જણાવ્યું હતું કે 15 ટિકિટ પણ આપવા ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ દબાણ કર્યું હતું. આ મુદ્ાને લઇને અમે રાજીનામુ સ્વીકારી ઇન્દ્રનીલ રાજ્યગુરૂને શુભેચ્છા પાઠવી હતી.

  • ઇન્દ્રનીલ રાજ્યગુરૂને ટિકિટ અપાશે તો કોંગ્રેસનું ઘર સળગશે

જો ઇન્દ્રનીલ રાજ્યગુરૂને કોંગ્રેસ દ્વારા રાજકોટ પૂર્વ કે રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવશે તો હાલ એકજૂટ થઇ વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલી રાજકોટ-શહેર કોંગ્રેસનું સંગઠન ફરી વેરવિખેર થઇ જશે. કોંગ્રેસનું ઘર ફરી ભડભડ સળગવા માંડશે.

ઇન્દ્રનીલ વર્ષ-2012 વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના પ્રતિક પરથી ચૂંટણી લડી ધારાસભ્ય બની ચુક્યા છે. ગત ચૂંટણીમાં તેઓ પશ્ર્ચિમ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જો કે વિજયભાઇ રૂપાણી સામે હારી ગયા હતા.

રાજકોટની બે બેઠકો પર ચૂંટણી લડવાનો તેઓ પાસે અનુભવ છે અને આ બે બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા નથી. જો ભૂલથી પણ હાઇકમાન્ડ ઇન્દ્રનીલને ટિકિટ આપશે તો આ નિર્ણય પક્ષ માટે પ્રાણઘાતક નિવડશે.

  • શહેર કોંગ્રેસના ચાર-ચાર પ્રમુખો સાથે ઇન્દ્રનીલને વાંકુ પડ્યુ’તુ

પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂની સૌથી મોટી નબળાયએ છે કે તેઓ ખૂબ જ મહત્વકાંક્ષી છે. કોંગ્રેસમાં સક્રિય થયા બાદ તેઓને રાજકોટ શહેરમાં એક-બે નહી ચાર-ચાર પ્રમુખો સાથે વાંકુ પડ્યુ હતું. પક્ષ માટે પોતાની આંખ ગુમાવનાર જશવંતસિંહ ભટ્ટી સાથે મન મેળાપ ન થતા ઇન્દ્રનીલના પાપે ભટ્ટીએ પ્રમુખ પદ ગુમાવવું પડ્યું હતું. ત્યારબાદ ડો.હેમાંગ વસાવડા, કુંવરજીભાઇ બાવળીયા અને અશોકભાઇ ડાંગર જ્યારે પ્રમુખ પદની જવાબદારી સંભાળતા હતા. ત્યારે પણ ઇન્દ્રનીલને તેઓની સાથે

જામતુ ન હતું. તેઓ પોતાને પ્રદેશ કક્ષાથી પણ ઉંચા નેતા માની રહ્યા હતા. સ્થાનિક હોદ્ેદારો સાથે તેઓએ ક્યારેય સંકલન રાખ્યુ જ નથી. ગત એપ્રીલ માસમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં પણ તેઓને ઉપપ્રમુખ જેવી જવાબદારી આપવામાં આવી હોવા છતા તેઓએ “આપ” ઝાડુ પકડી લીધું હતું. હવે આપે સીએમ પદના ચહેરા તરીકે ઇશુદાનભાઇ ગઢવીના નામની ઘોષણા કરતા ઇન્દ્રનીલે ફરી પોતાની રાજકીય ગાડીનું સ્ટીયરીંગ ફેરવી નાખ્યુ છે અને કોંગ્રેસનો પંજો પકડી લીધો હતો. હવે જોવાનું રહે છે કે તેઓ કોંગ્રેસમાં કેટલા દિવસથી ઠરીને ઠામ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.