Abtak Media Google News

વિદ્યાર્થીઓની કલાત્મકતાને આજથી ઈન્ટીરીયર ડિઝાઈન એકસ્પોમાં નિહાળી શકાશે

નકામી કે કચરામાં ફેંકી દેધેલી વસ્તુઓમાંથી કંઈક ઉપયોગી અને શ્રેષ્ઠ બનાવી રોજબરોજમાં ઉપયોગમાં લઇ શકાય તેવા નાવિન્યસભર વિચારને રાજકોટની આઈએનઆઈએફડી  સંસ્થાના વિદ્યાર્થીઓએ મૂર્તિમંત કરી બતાવ્યો છે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આયોજીત ઇન્ટીરીયર ડિઝાઇન એક્સપોમાં 60 જેટલા વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા અને કોઠાસુઝથી તૂટેલા, ભંગાર માંથી વસ્તુઓ લઇ તેને રિસાઇકલ કરી તેમાંથી અદભૂત, લાજવાબ કલાત્મક મોર્ડન ફર્નિચરની વસ્તુઓ તૈયાર કરી પર્યાવરણને બચાવવાનો અનોખો પ્રયાસ સૌપ્રથમવાર કર્યો છે.

આ અંગે આઈએનઆઈએફડી સંસ્થાના નૌશિકભાઇ પટેલે જણાવ્યું હતું કે, અમારા ઇન્ટીરીયર ડિઝાઇનનો અભ્યાસ કરતા 30 જેટલા વિદ્યાર્થીઓએ એક મહિનાની અથાગ મહેનત પછી જુના ફર્નિચરને રિસાઇકલ કરી આજના મોર્ડન લુકમાં પ્રદર્શિત કર્યા છે. જેમાં તૂટેલા ભંગારના લાકડા, લોખંડ, કાચ, સુતળી, પ્લાયવુડ નો ફરી ઉપયોગ કરી રાચ રચીલું ફર્નિચર ખુરશી, ટેબલ, કબાટ, પગરખાં રાખવાનું સ્ટેન્ડ વગેરે ડિઝાઇન કર્યા છે. આ રીતે ફર્નિચર રિસાઇકલ કરી પર્યાવરણને બચાવવાનો આવો અનોખો પ્રયાસ પ્રથમવાર કરાયો છે. વધુમાં અન્ય 30 જેટલા વિદ્યાર્થીઓએ અત્યારના સમયની માંગ મુજબ બેડરૂમ, કિચન, લિવિંગરૂમ, ગેઇમ ઝોન ના સ્ટ્રકચર ફર્નિચર સાથે નાના મોડલ રૂપે બનાવી ગુજરાતના સૌથી મોટા એક્સપોમાં રજુ કર્યા છે.

આ મોંઘવારીના જમાનામાં સપનાનું ઘર સજાવવા ઇચ્છતા લોકો તેના ઘરને વેસ્ટ માંથી બેસ્ટ બનેલી ઇન્ટીરિયર ડિઝાઇનની વસ્તુઓથી પણ સુશોભિત કરી શકે છે. આ કાર્યથી વિદ્યાર્થીઓમાં રહેલી વિચાર શક્તિ અને નવા વિચારોની ક્ષમતા સાથે નાના અને મધ્યમવર્ગના લોકો પોતાના ઘરને ઇન્ટીરિયર ડિઝાઇન થકી સજાવવાનું સપનું તેના બજેટમાં પુરૂ કરી શકે તેવો ઉમદા આશય છે. નકામી માંથી કામની વસ્તુઓ બનાવવા થોડો સમય, નવો વિચાર અને સર્જનાત્મકતાથી શ્રેષ્ઠ પરિણામ ચોક્ક્સ મેળવી શકાય છે તે આઈએનઆઈએફડીના વિદ્યાર્થિઓએ સાબિત કરી બતાવ્યું છે. વિદ્યાર્થીઓની આ કલાત્મકતા  આજથી 11 જાન્યુ. સુધી રેસકોર્સ મેદાનમાં આયોજીત ઇન્ટીરીયર ડિઝાઇન એક્સપો 2023 માં નિહાળી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.