Abtak Media Google News

રેગ્યુલર કોર્ષ કરતા સ્કીલબેઈઝડ ક્રિએટીવ કોર્ષનો સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને લાભ મળે તેવા હેતુથી ચાર નવા કોર્ષ સાથે ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ડિઝાઈન કાર્યરત

રાજકોટ-સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓએ ડિઝાઈનીંગના ક્ષેત્રમાં અભ્યાસ કરવા ઈચ્છતા હોય તેમને મુંબઈ, દિલ્હી, પૂના કે બેંગ્લોર સુધી લાંબુ થવું ન પડે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત રાજકોટમાં જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરમાં સૌપ્રથમવાર બેચરલ ડિગ્રી પ્રદાન કરતી રાષ્ટ્રીયસ્તરની ડિઝાઈનીંગ સ્કૂલ તરીકે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન કાર્યરત છે.

ગત તા.13-14 મે 2023ના રોજ ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાઈન રાજકોટ દ્વારા વાર્ષિક સ્ટુડન્ટ વર્ક એક્ઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની નવીન અને રચનાત્મક કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને રાજકોટીયન્સ અને ખાસ કરીને રાજકોટના યુવા વર્ગનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો.

આ સ્ટુડન્ટ એક્ઝીબીશનનું ઉદ્ઘાટન રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ તેમના કરકમલો દ્વારા કર્યું હતું. ત્યારબાદ એકઝીબીશન જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. સાથે જ આ પ્રદર્શન માં રાજકોટના મેયર પ્રદીપ ડવ, ડેપ્યુટી મેયર કંચનબેન સિદ્ધપુરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, ધારાસભ્ય દર્શિતાબેન શાહ તેમજ પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રદર્શન બદલ વિદ્યાર્થીઓ તથા તમામ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.

Img 7635

આ પ્રદર્શને વિદ્યાર્થીઓને તેમની કૌશલ્ય અને સર્જનાત્મકતા પ્રદર્શિત કરવાની તેમજ જાહેર જનતા પાસેથી એક્સપોઝર અને પ્રતિસાદ મેળવવાની તક પૂરી પાડી હતી. વિદ્યાર્થીઓને મુલાકાતીઓ સાથે જોડાવાની અને તેમની ડિઝાઇનના ખ્યાલ, પ્રેરણા અને પ્રક્રિયા સમજાવવાની તક મળી હતી.

આ પ્રદર્શન આઈઆઈડી ખાતે આપવામાં આવતા શિક્ષણ અને તાલીમની ગુણવત્તા અને તેના વિદ્યાર્થીઓની પ્રતિભા અને સમર્પણનું પ્રમાણપત્ર હતું.

આઈઆઈડી સ્ટુડન્ટ વર્ક એક્ઝિબિશન એ વાર્ષિક ઇવેન્ટ છે જે તેના વિદ્યાર્થીઓની સિદ્ધિઓની ઉજવણી કરે છે અને તેમના કાર્યને પ્રદર્શિત કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ પ્રદર્શનમાં કોમ્યુનિકેશન ડિઝાઈન, ઇન્ટીરીયર ડિઝાઈન અને ફેશન ડિઝાઈનની વિવિધ કૃતિઓ દર્શાવવામાં આવી હતી. કાર્યક્રમના આયોજકોએ પ્રદર્શનના પરિણામથી સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે તમામ વિદ્યાર્થીઓને તેમના યોગદાન અને સખત મહેનત માટે તેમજ આ કાર્યક્રમને સમર્થન આપનારા વાલીઓ, શિક્ષકો અને સ્વયંસેવકોનો આભાર માન્યો હતો.

આઈઆઈડી કૌશલ્ય આધારિત શિક્ષણની સાથે બેચલર ડિગ્રી મેળવવાનું શ્રેષ્ઠ સ્થળ : ડો. મીના ઝાલા

આઈઆઈડીના એકેડેમીક હેડ ડો. મીના ઝાલાએ જણાવ્યું હતું કે, વર્ષ દરમિયાન આઈઆઈડીના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી ડિઝાઇનનું અહીં પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ કોર્સ કૌશલ્ય આધારિત કોર્ષ છે જેથી જ્યાં સુધી વિદ્યાર્થીઓ આ ડિઝાઇન નિહાળે નહીં ત્યાં સુધી તેઓ સમજી ન શકે કે આ ડિઝાઇન બનાવવા માટે કઈ કઈ બાબતો ધ્યાને લેવી પડે છે જેના માટે અહીંયા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આઈઆઈડી વિદ્યાર્થીઓને કૌશલ્ય આધારિત શિક્ષણની સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના એફિલેશન સાથેની બેચલર ડિગ્રી પણ આપે છે જેથી વિદ્યાર્થીઓ આ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવી શકે.

40 જેટલાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટસ રજૂ કરાયા : નિયંતભાઈ ભારદ્વાજ

આ તકે આઈઆઈડીના ડિરેકટર નિયંતભાઈ ભારદ્વાજએ જણાવ્યું હતું કે, અહીંયા જે પ્રોજેક્ટસ દર્શાવવામાં આવ્યા છે તે તમામ વિદ્યાર્થીઓ દ્વારા જ તૈયાર કરવામાં આવ્યા છે. કુલ 40 જેટલાં વિદ્યાર્થીઓ દ્વારા ફાઉન્ડેશન, સ્કેચ, થ્રીડી પ્રોજેક્ટ, સસ્ટેનેબલ મટીરીયલ, લાઈફ પ્રોજેક્ટ સહિતના પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, આ કોર્સ સંપૂર્ણપણે કૌશલ્ય આધારિત કોર્સ છે. આગામી દિવસમાં કૌશલ્યના આધારે જ રોજગાર મળશે ત્યારે આગોતરા આયોજન તરીકે વિદ્યાર્થીઓને કૌશલ્ય આધારિત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, હજુ આ દિશામાં જાગૃતતાનો અભાવ છે ત્યારે આ પ્રકારના એકઝીબીશન થકી લોકોમાં જાગૃતતા પણ આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.