Abtak Media Google News

ફરજમાં બેદરકારી દાખવતા કર્મચારીઓ સામે રાજકોટ ગ્રામ્ય પ્રાંતનાં ચાર્જમાં રહેલા શહેર-૨ પ્રાંત ચરણસિંહ ગોહિલની કડક કાર્યવાહી

ગોંડલ આઇટીઆઈના આચાર્ય અને સિંચાઈ વિભાગના ઈજનેરને શો કોઝ નોટિસ ફટકાર્યા બાદ તેમની સામે પગલાં લેવા સબંધિત વિભાગને દરખાસ્ત

ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયામાં ફરજ સોંપાઈ હોય છતાં હાજર ન રહીને બેદરકારી દાખવતા પડધરીના ચાર તલાટી કમ મંત્રીઓ સામે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યા છે. ફરજમાં બેદરકારી દાખવતા કર્મચારીઓ સામે બેદરકારી દાખવતા કર્મચારીઓ સામે હાથ ધરાયેલી આ કાર્યવાહીથી સમગ્ર વહીવટી તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

રાજકોટ કલેક્ટર તંત્રમાંથી મળતી વિગત અનુસાર હાલ ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં વિવિધ સરકારી કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે. આ સરકારી કર્મચારીઓ ત્યાં ફરજમાં બેદરકારી દાખવતા હોવાથી અગાઉ મગફળી ખરીદીમાં ખેડૂતોની મગફળી પાસ કરાવવા માટે પૈસા પડાવવામાં આવતા હોવાનું કૌભાંડ સામે આવ્યું હતું. ત્યારે હવે ખેડૂતો સાથે કોઈ અણબનાવ ન બને અને ટેકાના ભાવે ચાલતી મગફળી ખરીદીની પ્રક્રિયા તટસ્થતાથી થાય તેવા હેતુથી ગ્રામ્ય પ્રાંતના ચાર્જમાં રહેલા શહેર-૨ પ્રાંત ચરણસિંહ ગોહિલે કડક કાર્યવાહી હાથ ધરી છે.

7537D2F3 23

પડધરી તાલુકા પંચાયતના તલાટી કમ મંત્રીઓ ભૌમિકભાઈ સવજીભાઈ ફેફરને મગફળી ખરીદ કેન્દ્ર પડધરી- ૨ જૂનું માર્કેટ યાર્ડ, યુવરાજસિંહ પ્રદ્યુમનસિંહ ઝાલાને મગફળી ખરીદ કેન્દ્ર-૧ જૂનું માર્કેટ યાર્ડ, ભરતકુમાર કાંતિલાલ દોશીને મગફળી ખરીદ કેન્દ્ર પડધરી-૧ જૂનું માર્કેટ યાર્ડ અને વિપુલકુમાર કાંતિલાલ ક્લોલાને મગફળી ખરીદ કેન્દ્ર પડધરી-૨ જૂનું માર્કેટ યાર્ડ- રાજકોટ ખાતે ફરજ સોંપવામાં આવી હતી. આ કર્મચારીઓ કોઈ પણ જાતની જાણ કર્યા વગર જ ત્યાં ગેરહાજર રહેતા હતા. તેઓનો વારંવાર સંપર્ક કરવા છતાં તેઓ દ્વારા કામગીરીની સતત અવગણના કરવામાં આવતી હતી. માટે ઇન્ચાર્જ ગ્રામ્ય પ્રાંત ચરણસિંહ ગોહિલ દ્વારા આ ચારેય તલાટી કમ મંત્રીઓ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. પડધરી પોલીસને આ તલાટી કમ મંત્રીઓને પકડી પાડીને પ્રાંત અધિકારી સમક્ષ હાજર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ગોંડલ આઈટીઆઈના આચાર્ય એમ.ડી. મુંગરા અને ગોંડલ તાલુકા સેવા સદનના સીંચાઈ પેટા વિભાગ ઈજનેર એમ.વાય. સુમરાની મગફળી ખરીદીની કામગીરીમાં ફરજ સોંપવામાં આવી હતી. તેઓની વેરહાઉસ ખાતે નિમણુંક કરવામાં આવી હતી. આ બન્ને અધિકારી ફરજ સ્થળે ગેરહાજર હોવાથી તેઓને પણ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. બાદમાં સબંધિત તંત્રને તેઓની બેદરકારી બદલ શિક્ષાત્મક પગલાં લેવાની દરખાસ્ત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.