Abtak Media Google News

બે બિલ્ડીંગના પાર્કિંગ લેવલ ઝીરો કરાયા જ્યારે 20 બિલ્ડીંગોમાં માર્જીનની જગ્યામાં ખડકાયેલા દબાણનો સફાયો

કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આજે વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત શહેરના સામા કાંઠા વિસ્તારમાં ઓપરેશન ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હોળી-ધૂળેટીના તહેવારમાં પણ બુલડોઝર દોડાવવામાં આવતા લોકોમાં નારાજગી વ્યાપી જવા પામી હતી. સામા કાંઠા વિસ્તારમાં આજે અલગ-અલગ 22 બિલ્ડીંગોમાં માર્જીન અને પાર્કિંગમાં ખડકાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતાં. શહેરના વોર્ડ નં.16માં મારૂતિનગર મેઇન રોડ પર 80 ફૂટ રોડ કોઠારીયા રોડની બાજુમાં આવેલા વિસ્તારમાં બે બિલ્ડીંગોના પાર્કિંગ લેવલ ઝીરો કરવામાં આવ્યા હતાં. જ્યારે 20 બિલ્ડીંગોના માર્જીનમાં ખડકાયેલા દબાણો દૂર કરી અંદાજે 2000 ચો.ફૂટ જગ્યા ખૂલ્લી કરાવવામાં આવી હતી.

ખોડિયાર હોલને ફાયર એનઓસી અંગે નોટિસ

આજે વન વીક, વન રોડ ઝૂંબેશ અંતર્ગત મારૂતિનગર મેઇન રોડ વિસ્તારમાં ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા 9 સ્કૂલ અને એક હોલ સહિત કુલ 10 જગ્યાએ ફાયર એનઓસી અંગે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ખોડિયાર હોલનો ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય તેને ફાયર એનઓસી મેળવી લેવા નોટિસ આપવામાં આવી હતી.

ગંદકી કરવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર 22 દંડાયા

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા આજે હાથ ધરવામાં આવેલા ચેકીંગ દરમિયાન મારૂતિનગર મેઇન રોડ પર જાહેરમાં કચરો ફેંકવા અને ગંદકી કરવા સબબ ચાર, કચરા પેટી ન રાખવા સબબ એક, પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા અને ઉપયોગ કરવા સબબ 17 સહિત કુલ 22 આસામીઓ પાસેથી રૂ.18,250નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જ્યારે 17 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી દેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.