Abtak Media Google News

દાંતને હેલ્ધી રાખવા હશે તો ખોરાકને વ્યવસ્થિત ચાવવાની આદત જરૂરી છે.  મોઢાની હેલ્થ સારી રહે તો સમગ્ર શરીર હેલ્ધી રહે છે. એ માટે આજે જાણીએ બ્રશિંગનું શું મહત્વ છે. સાથે-સાથે ઘેરંડ સંહિતામાં જીભ અને દાંતની સફાઈ માટે ઘેરંડ ઋષિ એ જણાવેલી ક્રિયાઓ કઈ રીતે કરવાની અને એનો ઉપયોગ પણ જાણીએ

  • *સવારે બ્રશ કરતી વખતે તમારું ધ્યાન મોબાઇલમાં હોય છે કે દાંત તરફ?
  • *શું તમે દરરોજ શાંતિથી બેસીને વ્યવસ્થિત ચાવીને જમો છો?
  • *કાચો ખોરાક જેમ કે સેલડ કે ફ્રૂટ્સ તમને ગમે છે કે શોર્ટકટમાં જૂસ બનાવીને પી જાઓ છો?
  • *છેલ્લે ક્યારે શેરડી તમે જાતે તમારા દાંતથી છોલીને ખાધેલી?
  • *અખરોટ બજારમાંથી છોલેલી જ લાવો છો કે જાતે દાંતથી અખરોટ તોડવાનો તમને શોખ છે?

ઉપરના પ્રશ્નોના જવાબ તમે મેળવશો તો ખુદ જ સમજી જશો કે તમારા દાંતની હેલ્થ સારી છે કે નહીં. આપણે સમજીશું કે આપણે કઈ રીતે આપણી ઓરલ હેલ્થની કાળજી રાખવી જોઈએ. છેલ્લાં કેટલાંક વર્ષોમાં જિંદગી સાથે તાલ મિલાવવા માટે આપણે શોર્ટકટ્સ અપનાવી રહ્યા છીએ. ઊઠીને અડધી મિનિટમાં બ્રશ પતાવવાનું, જમવું હોય તો ટ્રાવેલિંગ કરતી વખતે કંઈ પણ ખાઈને પતાવવાનું, પોષણયુક્ત ખોરાકના નામે બજારમાંથી જૂસના પેકેટ લઈ આવવાનાં અને પી લેવાનાં, ચોકલેટ્સ, ઠંડાં પીણાં અને ગળ્યા પદાર્થોનો અતિરેક વગેરે જેવી ઘણી આદતોને કારણે આપણી ઓરલ હેલ્થ બગડી રહી છે. આજે પાંચ વર્ષથી નાનાં બાળકોને પણ રૂટ કનેલ ટ્રીટમેન્ટની જરૂર રહે છે. ખૂબ નાની ઉંમરે દાંત સેન્સિટિવ થઈ જાય છે. દાંતનો દુખાવો, સડો, નાની ઉંમરમાં કમજોર બની જતાં પેઢાં અને આવા ઘણા પ્રોબ્લેમ્સ પાછળ આપણી બેદરકારી અને દાંત પ્રત્યેની આપણી બેકાળજી જવાબદાર છે.

દાંત

દાંત અને મોઢાનો પ્રોબ્લેમ ત્યારે વધી જાય છે જ્યારે એની ઠીકથી સફાઈ નથી થતી. એ વિશે વાત કરતાં ર્ફોટિસ હીરાનંદાની હોસ્પિટલ-વાશીના હેડ ઑફ ડેન્ટલ કેર ડોકટરકહે છે, દિવસમાં બે વખત બ્રશ કરવું જરૂરી છે. બ્રશિંગ ખરાબ રીતે કરો કે સાવ ન કરો બધું સરખું જ ગણાય. આમ તમે કઈ રીતે બ્રશ કરો છો એ ખૂબ જ મહત્વનું છે. બ્રશ કરતી વખતે સમય અને ધ્યાન બન્ને આપવું જરૂરી છે. બ્રશને એકદમ જેન્ટલ રીતે ફેરવો. દાંત ઉપર ગોળ-ગોળ ફેરવવાથી દાંત ઉપર પ્લાક જમા થતું નથી. જો પ્લાક જમા થતું રહે તો એ સખત બનતું જાય છે અને એમાં સડો પેદા થાય છે, જેને કારણે પેઢાં પર અસર થાય છે.

પેઢાં

આયુર્વેદ અને આપણા જૂના ગ્રંથોમાં પણ દાંત અને મોઢાની સફાઈનું મહત્વ આંકવામાં આવ્યું છે. ક્વોલિટી કાઉન્સિલ ઇન્ડિયાના રજિસ્ટર્ડ ટીચર તેમ જ ઇન્સ્ટ્રષ્ટર તથા ન્યુ એજ યોગા ઇન્સ્ટિટયૂટ-વિલે પાર્લેના ફાઉન્ડર યોગગુરુ સંધ્યા પતકી જણાવે છે કે ગ્રંથ ઘેરંડ સંહિતામાં આ બાબતે ઉલ્લેખ છે. આ ટેક્નિકને દંતમૂળ ધૌતી કહે છે. ગ્રંથ અનુસાર દરેક યોગીએ શુદ્ધીકરણના ભાગરૂપે આ ક્રિયા અપનાવવી એમ જણાવવામાં આવ્યું છે. દરેક યોગીએ આ ક્રિયા સવારે કરવી જેમાં ખદિરા છોડનો રસ લઈને એના વડે અથવા એકદમ શુદ્ધ માટી વડે આંગળીની મદદથી પેઢાં પર ત્યાં સુધી ઘસવું જ્યાં સુધી અશુદ્ધિ દૂર ન થાય. આ બાબતે સંધ્યા પતકી કહે છે, આજના સમયમાં જ્યારે બ્રશિંગનું મહત્વ વધ્યું છે એમાં પેઢાંને આપણે ભૂલી ગયા છીએ. પેઢાંને મસાજની અત્યંત જરૂર રહે છે. જો તમારી પાસે ખદિરા છોડનો રસ ન હોય અને માટીથી તમને કરવું ન હોય તો કંઈ વાંધો નહીં, તમે જે ટૂથપેસ્ટ યુઝ કરો છો એનાથી કે કોઈ આયુર્વેદિક તેલથી કે પછી ફક્ત પાણી વડે પણ સાવ થોડું પ્રેશર આપીને પેઢાં પર ૨-૪ મિનિટ સુધી મસાજ જરૂર કરવો જોઈએ. એનાથી પેઢાં સશક્ત બને છે.

જીભ

ઘેરંડ સંહિતામાં દાંત જ નહીં પરંતુ જીભની સફાઈને પણ ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે, જે ટેક્નિકને જીહ્વાશોધન અથવા જીહવામૂળ ધૌતી કહે છે. ગ્રંથ અનુસાર આ પ્રેક્ટિસ કરવાથી જીભ લાંબી થાય છે અને લાંબી જીભનો અર્થ એ છે કે વ્યક્તિની હેલ્થ ખૂબ જ સારી રહે છે. એ માટે જીભને ઉપર દેખાય ત્યાંથી જ નહીં પરંતુ અંદરની તરફથી સાફ કરવી જરૂરી રહે છે. ગ્રંથ કહે છે કે આ માટે જીભનું મૂળ સાફ કરવા માટે હાથની પહેલી ત્રણ આંગળીઓ મોઢામાં નાખવી અને ધીમે-ધીમે મૃદુતાથી આંગળીઓને જીભ ઉપર ફેરવવી. આના થકી કફના જે પણ રોગો હોય છે એ દૂર થાય છે. એક વખત આ સફાઈ અને જીભ પર આંગળી ઘસવાનું પતે પછી થોડુંક માખણ લગાડો અને જેમ ગાયને દોહતા હોય એટલે કે એનું દૂધ જે રીતે કાઢતા હોય એ રીતે જીભને ખેંચો. પ્લકર કે સાણસી જેવા ઓજાર વડે જીભને બહાર તરફ સ્ટ્રેચ કરીને કાઢો. એક યોગી દ્વારા સૂર્ય આગમન અને સૂર્યાસ્ત સમયે આ પ્રેક્ટિસ કરવાથી જીભની લંબાઈ વધશે. આ બાબતે સંધ્યા પતકી કહે છે, યોગ અનુસાર જો તમારી જીભ ગંદી છે તો તમારા વિચારો નબળા થશે અને રવાસોચ્છ્વાસની પ્રક્રિયામાં પણ ખલેલ પડશે. જીહ્વામૂળ ધૌતી વડે ગળા અને શ્વાસનળીમાં ભેગો થતો કફ દૂર થાય છે અને જીભ એકદમ શુદ્ધ થાય છે.

ઉપયોગ વધારવો જરૂરી

ઓરલ હેલ્થ માટે ફક્ત એની સફાઈ જ નહીં પરંતુ મજબૂતી પણ એટલી જ મહત્વની છે. દાંત સાફ કરવા ખૂબ જ જરૂરી છે અને એની સાથે-સાથે જરૂરી છે દાંતને સશક્ત બનાવવા. શરીરના કોઈ પણ અંગને સશક્ત બનાવવું હોય તો એક જ ફોર્મ્યુલા છે કે એનો ઉપયોગ વ્યવસ્થિત કરવો અને ખૂબ વધારે કરવો. ડાર્વિનના ઉત્ક્રાન્તિવાદ મુજબ પહેલાં આપણી પાસે પૂંછડી હતી, પરંતુ સમય જતાં એની જરૂર પડી નહીં એટલે ધીમે-ધીમે માણસ પૂંછડી વગરનો બન્યો. જો આ જ રીતે આપણે દાંતનો ઉપયોગ ઘટાડતા રહ્યા તો આજથી ૨૦૦ વર્ષ પછી બને કે દાંત વગરના માણસો સામે આવવા લાગે. આમ પણ વૈજ્ઞાનિકો એ સિદ્ધ કરી ચૂક્યા છે કે આદિમાનવ જે જંગલમાં શિકાર કરીને જીવતો તેના દાંત અને આજના મનુષ્યના દાંતમાં ઘણો જ મોટો ફરક છે. ટૂંકમાં વિજ્ઞાન અનુસાર જે વસ્તુનો ઉપયોગ હોય છે એ જ ટકે છે. જો દાંતનો ઉપયોગ ઘટાડીશું તો ચોક્કસ દાંત નબળા આવતા જશે અને કોને ખબર એક દિવસ ગાયબ જ થઈ જાય.

 ચાવવાની ક્રિયાનું મહત્વ

આ વાત સાથે સહમત થતાં લીલાવતી હોસ્પિટલ અને વન્ડર સ્માઇલ ડેન્ટલ ક્લિનિક-અંધેરીના ઑર્થોડોન્ટિસ્ટ ડોકટર કહે છે, આપણે જેટલું ચાવીએ એટલી આપણાં પેઢાંને કસરત મળે છે. ખોરાકમાં રહેલા ફાઇબર્સ પેઢાંનો મસાજ પણ કરે છે. જૂના લોકો આ માનતા હતા અને આ ફક્ત માન્યતા જ નથી, પરંતુ સાયન્સ પણ છે. ખાસ કરીને દાંત અને પેઢાંને મજબૂત બનાવવા માટે કાચો ખોરાક મદદરૂપ થાય છે, કારણ કે એ વધુ ચાવવો પડે છે. દરદીના દાંત જોઈને કહી શકાય છે કે દરદી જમણી બાજુએથી જ ચાવે છે કે ડાબી બાજુએથી. એનું કારણ એ છે કે જે બાજુએથી ચાવો છો એ બાજુના દાંત ચોખ્ખા હોય છે અને બીજી બાજુના દાંત વપરાયા વગરના હોવાથી એના પર છારી બાઝી જાય છે. આમ દાંતનો વધુ ઉપયોગ એ જ એની એક્સરસાઇઝ છે. જેનો અર્થ એ નથી કે વધુ ખાઓ, પરંતુ એનો અર્થ એ છે કે સરસ ચાવીને ખાઓ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.