Abtak Media Google News

સુરેન્દ્રનગર ખાતે ૬૯માં વન-મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

આપણી આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે વધુને વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવું જોઈએ તેમ સુરેન્દ્રનગર જવાહર મેદાન ખાતે ૬૯માં વન મહોત્સવની ભવ્ય ઉજવણી પ્રસંગે સહકાર, રમત, ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ, વાહન વ્યવહાર રાજયમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું.

Advertisement

મંત્રી પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, આપણે આપણા સંતાનો માટે જો કોઈ સાચો અને સારો વારસો આપવો હોય તો તે માત્ર અને માત્ર વૃક્ષો જ છે માટે રાજય સરકારના વન મહોત્સવના કાર્યક્રમમાં સમાજના દરેક નાગરિકોએ સહભાગી બની પર્યાવરણનું જતન કરવું આપણા દરેકની ફરજ બને છે. તેમણે સુરેન્દ્રનગર ખાતે યોજાયેલા ૬૯માં વન મહોત્સવની ઉજવણી કાર્યક્રમ પ્રસંગે સુરેન્દ્રનગર જીલ્લામાં વધારેમાં વધારે વૃક્ષારોપણ થાય અને રાજય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ વૃક્ષોનો લક્ષ્યાંક પરિપૂર્ણ કરવા દરેક લોકો વૃક્ષારોપણ કામગીરીમાં સહકાર આપે તેવી અપીલ પણ કરી હતી. વૃક્ષોના માધ્યમથી રોજગારી પણ મળી રહે છે. સતત બદલાતા વાતાવરણની અસર માટે પણ વધુ વૃક્ષો વાવવા જ પડશે તેમ વધુમાં જણાવ્યું હતું.

આ પ્રસંગે લોકસભા સાંસદ દેવજીભાઈ ફતેપરા, જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન ધોરીયા તેમજ અગ્ર મુખ્ય વન સંરક્ષક આર.એલ.મીનાએ ઉદબોધનોમાં જણાવ્યું હતું કે, જળ વગર જીવન નહીં અને વૃક્ષ વિના વરસાદ નહીં તેથી રાજય સરકારે સમગ્ર રાજયમાં હરિયાળી ક્રાંતિ લાવવા માટેનો નિર્ધાર કરેલ છે ત્યારે વૃક્ષના ઉછેર માટે રાજય સરકાર સતત ચિંતિત છે.

આ કાર્યક્રમમાં લોકો સહભાગી બને અને આ મહોત્સવને એક પર્વની જેમ ઉજવે તેમ જણાવ્યું હતું. તેમણે વન મહોત્સવની રાજયકક્ષાએથી લઈ છેક ગ્રામ્યકક્ષા સુધી ઉજવાઈ રહેલ છે. રાજય સરકારના અનેક કાર્યક્રમો પૈકી વન મહોત્સવ એ ઉર્જા સંપન્ન કાર્યક્રમ રહેલ છે. પ્રાણવાયુનો મુખ્ય સ્ત્રોત વૃક્ષ છે તે સમજી બદલાતી જતી ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિને પહોંચી વળવા માટેનો એક માત્ર ઉકેલ વૃક્ષારોપણ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.