Abtak Media Google News

ગુજરાતમાં નિર્ધારિત સમય કરતા નૈઋત્યનાં ચોમાસાનું વહેલુ આગમન થયું હતુ. મેઘરાજાએ પ્રથમ રાઉન્ડમાં જ હેત વરસાવી દેતા રાજયભરમાં વાવણી લાયક વરસાદ વરસાવી દેતા જગતાતે હોંશેભેર વાવણીનું શૂભકાર્ય કરી દીધું હતુ. ગત 19મી જૂનથી રાજયમાં બ્રેક મોનસુનનો પરિયડ ચાલી રહ્યો છે. વરસાદ ખેંચાતા હવે વાવણી નિષ્ફળ જવાની ભીતિ ઉભી થવા પામી છે. ત્યારે જગતાતના હૈયે ટાઢક આપતા વાવડ મળી રહ્યા છે. આગામી શનિવારથી ફરી મેઘરાજાની પાવનકારી પધરામણી થાય તેવા શુકનવંતા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.

૧૯ જૂનથી અટકી ગયેલું ચોમાસુ ૮મી જૂલાઈથી ફરી સક્રિય થશે ; શનિવારથી સૌરાષ્ટ્રને મેઘરાજ તરબોળ કરી દે તેવી સંભાવના

મૂરઝાતી મોલાતને મેઘો ઉગારી લેશે : હાલની ઘાટ એક જ સપ્તાહમાં પૂર્ણ થઈ જશે

હાલ રાજયમાં બ્રેક મોનસુન પિરિયડ ચાલી રહ્યો છે. જેના કારણે પ્રથમ વરસાદમાં વાવણી કરી દેનાર ખેડૂતોના માથે બિયારણ નિષ્ફળ જવાની અને બીજીવાર વાવણી કરવી પડે તેવું જોખમ જળુંબી રહ્યું છે. જો એકાદ સપ્તાહમાં ફરી મેઘો મહેરબાન નહી થાય તો ખેડુતોની સ્થિતિ વધુ કફોડી બને તેવી સંભાવના પણ જણાય રહી છે. દરમિયાન પૂર્વ આફ્રિકા અને તેના આસપાસના સમૂદ્રી વિસ્તારોમાં ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં સારો વરસાદ આવે તેવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ સિસ્ટમ અરબી સમુદ્રમાં પ્રવેશ કરશે અને ત્યારબાદ પૂર્વ ભારતમાં બંગાળની ખાડીમાં આવશે જેના કારણે બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર બનશે જેની અરસના કારણે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ધાર્યા કરતા પણ સારો વરસાદ પડે તેવી સુખદ આશા હાલ ઉભી થવા પામી છે.

રાજયમાં આગામી શનિવારથી ફરી નૈઋત્યનું ચોમાસુ સક્રિય થશે જે આરંભે સાઉથ-વેસ્ટ કોસ્ટલ એરિયામાં સારો વરસાદ આવશે અને ત્યારબાદ સૌરાષ્ટ્રને તરબોળ કરી દેશે. વરસાદ આપતી સિસ્ટમ આગામી 8મી જૂલાઈથી સક્રિય થશે અને 11 અથવા 12મી જૂન આસપાસ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ આવશે ટૂંકમાં હાલ મૂરઝાતી મોલાતને મેઘરાજા ઉગારી લેશે હજી ચારેક દિવસ રાજયમાં હળવાથી મધ્યમ વરસાદ તે પણ છૂટાછવાયા વિસ્તારોમાં પડશે હાલ ભલે વરસાદની ખેંચ અનુભવાઈ રહી હોય પરંતુ આગામી 10 થી 23 જૂલાઈ દરમિયાન બે અઠવાડીયામાં રાજયભરમાં ઘટ પરિપૂર્ણ થઈ જાય તેવો સંતોષકારક વરસાદ સમગ્ર રાજયમાં પડશે. છેલ્લા ત્રણેક દિવસથી વાતાવરણમાં પણ ભેજનું પ્રમાણ વધ્યું છે. જે એકંદરે સારી નિશાની છે.વરસાદ ખેંચાતા હાલ જગતાતના ચહેરા પર ચિંતાની લકીરો જોવા મળી રહી છે. જે શનિવારથી દૂર થઈ જશે અને મેઘો આનંદ કરાવી દેશે.

રાજયમાં હાલ મૌસમનો 14.63 ટકા અર્થાત 123 મીમી જેટલો વરસાદ વરસી ગયો છે. કચ્છમાં 12.62 ટકા, ઉતર ગુજરાતમાં 12.91 ટકા, પૂર્વ -મધ્ય ગુજરાતમાં 15.11 ટકા, સૌરાષ્ટ્રમાં 12.17 ટકા, અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 16.29 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. એક તરફ વરસાદ ખેંચાયો છે. બીજી તરફ ઉનાળા જેવા આકરા તડકા પડી રહ્યા છે. જેના કારણે મોલાત મૂરઝાઈ રહી છે. જોકે હવે બ્રેક મોનસુનનો પરિયડ માત્ર બેથી ત્રણ દિવસ જ ચાલશે. આગામી ગુરૂવારથી રાજયમાં વરસાદ સાથે કેવી સિસ્ટમ ફરી સક્રિય થશે. અને શનિવારથી સૌરાષ્ટ્રની ધરા પર ફરી મેઘાની પાવનકારી પધરામણી થશે. હાલ વરસાદની જે ખેંચ અનુભવાઈ રહી છે. તે જૂલાઈના બીજા અને ત્રીજા સપ્તાહમાં પૂર્ણ થઈ જશે ચોમાસાના વહેલા આગમન બાદ દેશના મોટાભાગના રાજયોમાં વરસાદ ખેંચાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.