Abtak Media Google News

ટેક્સ ચોરી કરનારાઓની સાથે પ્રજાની માનદ સેવા કરતા રાજકારણીઓને પણ જલસા જ છે… તાજેતરમાં ભાજપ, કોંગ્રેસ ,બસપા સહિતના રાજકીય પક્ષોને મળેલા દાન ભંડોળના આંકડા જારી થયા છે. જે મુજબ 2019-20માં ભારતી એરટેલ જૂથ અને ડીએલએફ લિમિટેડના મોટા દાતાઓમાં સમાવિષ્ટ પ્રુડેન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા અધધધ…. રૂ .271.50 કરોડનું ભંડોળ ભારતીય જનતાને ફળવાયું છે. આ પરથી એ પણ પ્રશ્ન ઉઠે કે આખરે આ પ્રુડેન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ પાસે આટલું મોટું ભંડોળ કઈ રીતે આવ્યું હશે અને એ પણ દાન માટે ?? આ પાછળ પણ આવે છે ને કરચોરીની “બુ” ?? નાણાકીય વર્ષ 2020ના વિવિધ ચૂંટણીલક્ષી ટ્રસ્ટના ફાળો અહેવાલોના અધ્યયનમાં જણાવવામાં આવ્યું  છે કે ભાજપ 276.45 કરોડનું દાન મળ્યું છે

જેમાં પ્રુડેન્ટના 217.75 કરોડ પ્રુડન્ટ પાસેથી, જનકલ્યાણ ઇલેક્ટોરલ ટ્રસ્ટના રૂ. 45.95 કરોડ, એબી જનરલ ઇલેક્ટોરલ ટ્રસ્ટના રૂ .9 કરોડ અને સમાજ ઇલેક્ટોરલ ટ્રસ્ટ પાસેથી રૂ. 3.75 કરોડનું ભંડોળ મળ્યું છે. જ્યારે કોંગ્રેસને 58 કરોડનું દાન મળ્યું છે, જેમાંથી 31 કરોડ રૂપિયા પ્રુડેન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ તરફથી આવ્યા છે, 25 કરોડ જનકલ્યાણ ઇલેક્ટોરલ ટ્રસ્ટ તરફથી અને 2 કરોડ સમાજ ઇલેક્ટોરલ ટ્રસ્ટ તરફથી મળ્યા છે.

માન્ય રાજકીય પક્ષોમાંથી, જેમણે 2019-20 માટેના વાર્ષિક ઓડિટ રિપોર્ટ્સને ચૂંટણી કમિશનને સુપરત કર્યા છે, તેમાંથી ટીઆરએસએ સૌથી વધુ આવક 130.46 કરોડ નોંધાવી છે, ત્યારબાદ શિવસેના 111.4 કરોડ રૂપિયા, વાયએસઆરસીપી રૂ. 92.7 કરોડ, બીજેડી 90.35 કરોડ રૂપિયા, એઆઈએડીએમકે રૂ. 89.6 કરોડ, ડીએમકે 64.90 કરોડ અને આપે એ રૂ. 49.65 કરોડની આવક નોંધાવી છે.

જ્યારે કોંગ્રેસ, ભાજપ દ્વારા હજુ રિપોર્ટ કેન્દ્રીય ચૂંટણી કમિશનને સોંપયો નથી. પરંતુ અહેવાલ અનુસાર કોંગ્રેસની દાન સહિતની કુલ આવક 682 કરોડ રૂપિયા છે. જે ગત વર્ષની સરખામણીએ 25 ટકા ઓછી છે. જ્યારે ભાજપની ડોનેશન સહિતની કુલ આવક અંદાજે 1450 કરોડ રૂપિયા કરતા પણ વધુ હોવાનું જણાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.