Abtak Media Google News
  • જામનગર નજીક-નાઘેડીમાં રહેતા બાંધકામના કોન્ટ્રાક્ટર વ્યાજખોર ની ચુંગાલ માં ફસાઈ જતાં ઝેરી દવા પી લઈ આપઘાત નો પ્રયાસ કર્યો
  • બાંધકામ ના ધંધા માટે ૫૦ લાખ રૂપિયા વ્યાજે લીધા પછી ૫૦ લાખ જેટલું વ્યાજ ચૂકવી દીધા છતાં પઠાણી ઉઘરાણી કરાતાં ઝેર પીધું
  • ૫૦ લાખ રૂપિયા ની સિક્યુરિટી પેટે જુદા જુદા બે મકાનના દસ્તાવેજો સાથેની ફાઈલ પણ વ્યાજખોરે પડાવી લીધા ની ફરિયાદ

જામનગર તા ૨૦, જામનગર નજીક નાઘેડીમાં રહેતા અને બાંધકામનો વ્યવસાય કરતા એક બાંધકામના કોન્ટ્રાક્ટર યુવાને વ્યાજખોરના ચક્કરમાં ફસાઈ ગયા પછી તેના ત્રાસના કારણે આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોતાના ધંધા માટે ૫૦ લાખ રૂપિયા લીધા હતા જેનું દર માસે ત્રણ ટકા લેખે ૫૦ લાખ જેટલું વ્યાજ ચૂકવી દીધા છતાં પઠાણી ઉઘરાણી કરાતી હોવાથી ઝેર પી લીધા નું પોલીસમાં જાહેર થયું છે. પોલીસે વ્યાજખોર સામે ગુનો નોંધ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના નાઘેડી ગામમાં રહેતા અને બાંધકામનો વ્યવસાય કરતા ભીમશીભાઇ સાજણભાઈ હાથલીયા નામના ૪૩ વર્ષના બાંધકામના કોન્ટ્રાક્ટર યુવાને ગઈકાલે ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યાં તબીબો દ્વારા તેની સઘન સારવાર કરવામાં આવી રહી છે.

આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા પંચકોષી બી. ડિવિઝનના એ.એસ.આઇ.એમ.એલ. જાડેજા બનાવના સ્થળે જીજી હોસ્પિટલે દોડી ગયા હતા અને તેઓનું નિવેદન નોંધ્યું હતું.
જેમાં પોતે વ્યાજખોર ની ચૂંગાલમાં ફસાઈ ગયા હોવાથી તેમાંથી છુટકારો મેળવવા માટે આપઘાત ના પ્રયાસનું પગલું ભરી લીધાનું જણાવ્યું હતું.

પોલીસની વધુ પૂછપરછ દરમિયાન ભીમશીભાઇ હાથલીયાએ જણાવ્યું હતું કે, આજથી ત્રણ વર્ષ પહેલાં પોતાના ધંધા માટે જામનગરના રામભાઈ ગોજીયા નામના એક શખ્સ પાસેથી ૫૦ લાખ રૂપિયા ત્રણ ટકા લેખે વ્યાજે લીધા હતા, જેનું દર માસે દોઢ લાખ રૂપિયા વ્યાજ ચૂકવતા હતા, અને અંદાજે ૫૦ લાખ થી વધુ નું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં રામભાઈ ગોજીયા દ્વારા દબાણ કરતા હોવાનું ભીમશીભાઇ હાથલીયા દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત વધુમાં ભીમશીભાઇએ જણાવ્યું હતું કે, હાલમાં આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે ત્રણેક હપ્તા ચડી ગયા હોવાથી ઉપરાંત સિક્યુરિટી પેટે પોતાના જુદા જુદા બે મકાનો કે જેના દસ્તાવેજોની ફાઈલ પણ રામભાઈ ગોજીયાએ પડાવી લીધી હતી. જેના ત્રાસ ના કારણે પોતે ઝેરી દવા પી લીધી હોવાનું જણાવ્યું હતું.

આથી પોલીસે ભીમશીભાઈ હાથલીયાની ફરિયાદના આધારે આરોપી રામભાઈ ગોજીયા સામે આઇપીસી કલમ ૫૦૪ તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ ૨૦૧૨ ની કલમ ૫, ૩૯,૪૦ અને ૪૨ મુજબ ગુનો નોંધ્યો છે અને આરોપીની શોધખોળ હાથ ધરી છે.

સાગર સંઘાણી

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.