Abtak Media Google News

સાગર સંઘાણી

જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં એમ.ડી.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા એક તબીબી વિદ્યાર્થીએ આજે સવારે ગળા ફાંસો આપઘાત કરી લેતાં ભારે આરેરાટી ફેલાઇ છે. મૂળ ગાંધીનગર ના વતની એમ.ડી.ના પ્રથમ વર્ષના તબીબી વિદ્યાર્થીના આત્મહત્યાના પગલાંથી અન્ય વિદ્યાર્થીઓમાં ભારે સોપો પડી ગયો છે. સમગ્ર મામલે પોલીસે તપાસ શરુ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીનગરના વતની અને અને હાલ જામનગરની આયુર્વેદ કોલેજના એમ.ડી. ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અને પટેલ કોલોની વિસ્તારમાં એક મકાનમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા રોનક ખરાડી નામના વિદ્યાર્થી યુવાને પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ભારે અરેરાટી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જયારે મૃતક વિદ્યાર્થીના પરિવારજનો કે જેઓ ગાંધીનગરમાં રહે છે, તેઓને જામનગર બોલાવી લીધા છે, અને મૃતદેહનો કબજો તેઓને સોંપવા કાર્યવાહી હાથ ધરી છે.

આયુર્વેદના એમ.ડી. વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા તબીબી વિદ્યાર્થીએ કયા સંજોગોમાં આપઘાતનું પગલું ભરી લીધું, તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ દ્વારા મૃતકના પરિવારજનો, તેમજ તેની સાથે પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા અન્ય વિદ્યાર્થીઓ વગેરેના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે. આ બનાવને લઈને આયુર્વેદ યુનિવર્સિટીના વિદ્યાર્થી જગતમાં ભારે સોંપો પડી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.