Abtak Media Google News

સાગર સંઘાણી

જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી. એ. શાહના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હૉલ ખાતે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩ અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તા.૫ થી ૨૩ એપ્રિલ સુધી જાહેર કરવામાં આવેલ છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ માટે આગામી તા.૧૬ એપ્રિલ રવિવાર તથા ૨૩ એપ્રિલના રવિવારને ખાસ ઝુંબેશના દિવસો તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જે દિવસોએ તમામ મતદાન મથકો ખાતે સવારે ૧૦:૦૦ થી સાંજે પ:૦૦ વાગ્યા સુઘીમાં બી.એલ.ઓ.ના રૂબરૂ ફોર્મ ભરી જમા કરાવી શકાશે.

કલેક્ટર એ જણાવ્યું હતું કે, જે યુવાઓની ઉંમર તા. ૦૧ એપ્રિલ 2023ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ થાય છે તે તમામ યુવાઓ મતદાર યાદીમાં પોતાનું નામ દાખલ કરવા માટે અરજી કરી શકશે. આ ઉપરાંત જે યુવાઓની ઉંમર ૧ જુલાઇ ૨૦૨૩ કે ૧ ઓકટોબર ૨૦૨૩ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ થાય છે, તેવા તમામ યુવાઓ મતદાર યાદીમાં પોતાનું નામ દાખલ કરવા માટે અરજી કરી શકશે. જે અરજી પર આગામી જુલાઇ તથા ઓકટોબર માસમાં નિર્ણય કરવામાં આવશે.
કલેક્ટર એ વધુમાં જણાવ્યું હતું કે લોકોને મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા અંગે જાણકારી મળી રહે, અને વધુમાં વધુ લોકો મતદાર યાદીમાં નામ નોંધણી, કમી કે સુધારા કરવી શકે તે અંગે લોકોને માહિતી પહોંચી શકે તે માટે મીડિયાની ભૂમિકા મહત્વની છે.

Whatsapp Image 2023 04 12 At 17.53.44

૦૧ એપ્રિલ 2023ની લાયકાતની તારીખના સંદર્ભમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ ડ્રાફ્ટ રોલ-૨૦૨૩ મુજબ જામનગર જિલ્લામાં કુલ ૧૨,૦૪,૨૦૭ મતદારો નોંધાયા છે. જે પૈકી ૬,૧૭,૮૫૫ પુરુષ મતદારો, ૫,૮૬,૩૩૯ સ્ત્રી મતદારો અને અન્ય ૧૩ મતદારો નોંધાયા છે. તા.૨૩ એપ્રિલ (રવિવાર) સુઘી મતદારયાદીમાં તમારું નામ દાખલ કરવા, કમી કરવા કે વિગતો સુઘારા માટે અરજી કરી શકાશે.

આ માટે તા.૦૧ એપ્રિલ 2023ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરતાં તમામ યુવા નાગરિકો માટે મતદારયાદીમાં પ્રથમ વખત જ નામ દાખલ કરી નવા મતદાર તરીકે નામ નોંઘણી કરવા માટે ફોર્મ નં.૬, મતદારયાદીમાંથી મૃત્યુના કારણે નામ કમી કરાવવા કે નવા દાખલ કરનાર નામ સામે વાંઘો લેવા માટે ફોર્મ નં. ૭, રહેઠાણનું સ્થળાંતર, મતદારયાદીની વિગતોમાં સુઘારા માટે, જુનું EPIC બદલાવવા માટે કે દિવ્યાંગ મતદાર તરીકે નોંઘ કરાવવા માટે ફોર્મ નં.૮ ભરી શકો છો. તેમજ ચૂંટણીકાર્ડ સાથે આઘાર કાર્ડ લિંક કરવા માટે ફોર્મ નં.૬-ખ ભરી શકો છો. જેની ઉંમર તા.૦૧ ઓકટોબર, ૨૦૨૩ સુધીમાં ૧૮ વર્ષ થતી હોય તે મતદારયાદીમાં નામ નોંધણી માટે અરજી કરી શકશે. પરંતુ નામ લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીમાં નોંધાશે.

ઓનલાઈન પણ કરી શકશો મતદાર યાદીમાં ફેરફાર 

મતદારયાદીમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરવા Voter Helpline Moblie Appથી, www.nvsp.in , તથા www.voterportal.eci.gov.in, www.voters.eci.in વેબસાઈટ દ્વારા ઘરબેઠાં ઓનલાઈન જ ફોર્મ ભરી શકાશે. જામનગર જિલ્લામાં લાયકાત ધરાવતા તમામ યુવાઓ પોતાનું નામ મતદાર યાદીમાં દાખલ કરે તે માટે કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.