Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગર GIDC  ફેઈઝ -૨ અને-૩ તેમજ રેસીડેન્ટ ઝોનના સર્વે ઉદ્યોગકારોને જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિયેશન દ્વારા શોશિયલ મીડીયાના માધ્યમથી સંપર્કમાં આવનાર ચીટર ટોળકીથી સાવધાન રહેવા અનુરોધ કરાયો છે. જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અપાયેલા જરૂરી માર્ગદર્શનના અનુસંધાને આ વિશેષ અનુરોધ કરાયો છે.

જામનગર જીઆઇડીસીના કોઈપણ ઉદ્યોગકારો, કે જેઓને આર્મીના નામનો ઉપયોગ કરી અથવા કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ફોન કરી ઊંચા ભાવે માલ ખરીદવાનો ઓર્ડર આપે, તો તેની અવશ્ય ખાતરી કરીને જ માલ મોકલવા એસો. દ્વારા અનુરોધ કરાયો છે. ઉપરાંત ગૂગલ પે, ફોન પે, એટીએમ દ્વારા ઓનલાઈન પેમેન્ટ આપવાની વાત કરે, તો તે બાબતે ખાસ તકેદારી રાખવા જણાવાયું છે.

અજાણી વ્યક્તિને કસ્ટમર કેર ના નંબર કે સોશિયલ મીડિયા પર કોઈ વ્યક્તિને ફોન ઉપર વાત કરતા સમયે બેન્ક એકાઉન્ટને લગતી કોઈપણ માહિતી નહીં આપવા તેમજ અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલાયેલી લિંક પર ક્યારેય ક્લિક નહીં કરવા પણ ખાસ સૂચન કરાયું છે. જામનગરના ઉદ્યોગકારોને ચિટર ટોળકી નો ભોગ બનતાં અટકાવવાના ભાગરૂપે જામનગરના સાઇબર ક્રાઇમ સેલ દ્વારા બેઠક કરીને વિશેષ અપીલ કરવામાં આવી છે.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.