Abtak Media Google News

જામનગરના કંકાવટી સહિતના ત્રણ ડેમ ઓવરફલો…

છેલ્લા ૭૨ કલાકથી જામનગર અને હાલારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી યથાયોગ્ય ઠરતા જિલ્લાભરમાં સચરાચર વરસાદ પડી ગયો છે. જામનગર, જોડીયા અને ધ્રોલ પંથકમાં પૂરની સ્થિતિ નિર્માણ પામતાં અડધો ડઝન લોકોનો ભોગ લેવાય છે. જામનગર શહેરમાં નીચાણવાળા વિસ્તારથી માંડી પોશ વિસ્તારમાં પણ ગોઠણડૂબ પાણી ભરાયા હતા. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં સંખ્યાબંધ પશુ-પક્ષીઓ અને વૃક્ષોનો સોથ વળી ગયાના સમાચાર છે. વરસાદનું જોર હજુ યથાવત રહેતા સ્થિતિ વધુ ગંભીર બનવાના પણ આશાર સર્જાયા છે. બીજી તરફ સચરાચર વરસાદના પગલે કંકાવટી સહિતના છ ડેમ ચિક્કાર ભરાઈ ગયાના પણ સમાચાર મળ્યા છે. જયાં પૂરની સ્થિતિ છે ત્યાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા તંત્ર દ્વારા આદેશ કરાયા છે.

જયારે ગ્રામ્ય પંથકમાં નીચાણવાળા વિસ્તારોમાં આવેલા પૂરના કારણે અલિયાબાડામાં કાર સાથે ચાર વ્યક્તિઓ લાપત્તા બની છે. કોંઝા ગામે મોટરસાયકલ સાથે યુવાન પૂરમાં તણાઈ ગયો હતો. જયારે લાલપુરમાં મેમાણા ગામે પૂરમાં એક વૃધ્ધ તણાઈ જતાં મૃત્યુ પામ્યા છે. બીજીતરફ તંત્ર દ્વારા રેસ્કયૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના ખિમરાણા ગામેથી ૩૬ લોકો, જાંબુડા ગામેથી ૨૦ લોકો, ચેલા ગામેથી ૪૬ લોકો સહિત જામનગર ગ્રામ્ય પંથકમાંથી ૧૦૨ અને જોડીયા પંથકમાં કુન્નડ અને નીચાણવાળા વિસ્તારમાંથી ૫૦ ઉપરાંત લોકોનું સ્થળાંતર કરાયું હતું. તો બીજી તરફ સચરાચર વરસાદના પગલે ફલ્લા નજીકનો કંકાવટી ડેમ છલકાઈ ગયો છે. જયારે ધ્રોલ-જોડીયા વચ્ચેના ઉંડ-૨ના દસ દરવાજા ખોલી નખાયા છે. આ ઉપરાંત રંગમતિ, ખોડાપીપર, આજી-૪ ડેમ પણ છલોછલ ભરાઈ ગયા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.