Abtak Media Google News

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટી અને સામાન્ય સભા સંચાલન નિયમમાં ફેરફાર કરવાનો નિર્ણય સ્ટેન્ડીંગ કમિટીમાં લેવામાં આવ્યો છે.જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ગઈકાલે સુભાષ જોષીના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં ડેપ્યુટી મેયર કરશન કરમૂર, મ્યુનિસિપલ કમિશનર આર.બી. બારડ તથા ૯ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતાં.મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક દર અઠવાડિયે યોજવામાં આવે છે. તેના બદલે હવે દર બે અઠવાડિયા એટલે કે પંદર દિવસે એક વખત યોજવાનો નિર્ણય સ્ટેન્ડીંગ કમિટીમાં લેવાયો છે. તેવી જ રીતે દર માસે યોજાતી સામાન્ય સભાની બેઠક પણ દર બે માસમાં એક વખત યોજવાનો પણ સ્ટેન્ડીંગ કમિટીએ નિર્ણય કર્યો છે.

Advertisement

શહેરના રણજીતનગર, ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન એકઝિસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્કના  કામનો વાર્ષિક કોન્ટ્રાક્ટ કરવાની દરખાસ્ત અંગે જુના મંજુર થયેલ ભાવથી કામ કરાવવા નિર્ણય લેવાયો હતો.

કેશા પટેલની વાડી તથા ગોલ્ડન સિટી સામે આવાસ યોજના સ્થળે બાંધકામ કરેલ દુકાનોની અપસેટ પ્રાઈઝ નક્કી કરવા સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો. કેન્દ્રિય પ્રાયોજીત યોજના ’ટાગોર કલ્ચરલ કોમ્પ્લેક્સ સાંસ્કૃતિક માળખાની રચના માટે નાણાકીય સહાય યોજના’ અંતર્ગત મહાપ્રભુજી બેઠક રોડ ઉપરની જગ્યામાં ઓડીટેરિયમ બનાવવા તથા આનુસંગિક ફેસેલીટી વિક્સવવાના કામનો સ્ટેન્ડીંગ કમિટીએ સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આ કામની ગ્રાન્ટ આપવામાં આવશે. તળાવની પાળે ફૂડ ઝોનની શોપ નંબર નવને શોપ નંબર આઠમાં ટ્રાન્સફર કરવાની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.

આ ઉપરાંત સ્ટેન્ડીંગ કમિટી દ્વારા ટેન્ડર કમિટીની રચના કરવામાં આવી હતી જેમાં કિશનભાઈ માડમ, કેતનભાઈ નાખવા,  મનિષભાઈ કટારિયા અને ડીમ્પલબેન રાવલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.