Abtak Media Google News

ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે,  દેશમાં ગુજરાતની જે અસ્મિતા છે તેને લાંછન લાગી રહ્યું છે. ગુજરાતની સાડા છ કરોડની જનતા પોતાની સુવિધા, સુખાકારી અને સલામતી માટે ટેક્ષ આપે છે નહિ કે કોઈ અધિકારીઓ, કોન્ટ્રાકરો કે મંત્રીઓના ખિસ્સા ભરવા માટે, ગુજરાતમાં 156 ની બહુમતી વાળી ડબલ એન્જીન સરકાર અત્યારે પેપરો ફૂટેવા, બ્રીજો તુટવા, ડ્રગ્સ ઉતરવા માટે આખા દેશ અને દુનિયામાં જાણીતી બની છે.

કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાનો ધગધગતો આક્ષેપ: ભાજપના રાજમાં 13 બ્રિજ તુટયાં

તમામ બ્રિજના ફિટનેસ સર્ટિફીકેટ ઓનલાઇન મૂકવાની પણ માંગણી

કોન્ટ્રાકટ કમીશન ટુ કમલમ ના ચક્કરમાં જનતા હેરાન પરેશાન તો થઇ રહી છે પણ સાથેસાથે મરી પણ રહી હોય તેવા દિવસો આવ્યા છે. માર્ગ અને મકાન વિભાગ જે  મુખ્યમંત્રીના હસ્તક છે એની સીધી દેખરેખ અને જવાબદારી મુખ્યમંત્રીની છે. માર્ગ અને મકાન વિભાગ કમીશન અને કમલમના ચક્કરમાં આજે ગુજરાતની જનતાનો ભોગ લઇ રહ્યો છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં  2022માં સાત કરતા વધારે બ્રીજ તુટયા છે. અને ગુજરાતમાં આટલા બ્રીજ તૂટ્યા અને હમણા જ પાલનપુરમાં બ્રીજ તુટ્યો બે લોકોના મોત થયા હવે પ્રધાનમંત્રી એક ટ્વીટ પણ નથી કરતા તો આ પાલનપુરનો બ્રીજ તુટ્યો એ પહેલા મોરબી કે બીજા કોઈ બ્રીજ તૂટ્યા અને જેમાં લોકોના મોત થયા એ શું “એક્ટ ઓફ ગોડ છે કે એક્ટ ઓફ ભાજપનો ફ્રોડ” છે

ગુજરાતમાં બ્રીજ ઉદ્ઘાટન થતા પહેલા ધરાશાયી થઇ જાય એની પાછળનું એક જ કારણ છે કે આજે ગુજરાતમાં તમારે રોડનો કોન્ટ્રાકટ લેવો હોય, બ્રિજનો કોન્ટ્રાકટ લેવો હોય કે કોઈપણ કોન્ટ્રાકટ લેવો હોય જ્યાં સધી કોન્ટ્રાકટર કમીશન કમલમમાં ના મોકલે ત્યાં સુધી એને કોન્ટ્રાકટ મળતો નથી. આ કમીશન અને કમલમના ચક્કરમાં આજે ગુજરાતની જનતા પીસાઈ રહી છે. જે ઘટના બની છે એની પાછળ પણ કમીશન અને કમલમનું જે જોડાણ છે એ જ જવાબદાર હોવાનું સ્પષ્ટ ફલિત થાય છે. કારણ કે જે કંપનીઓ બ્લેક લીસ્ટેડ હોય એની એવા નિયમો રહ્યા છે કે એને ફરી એવા કોઈ કામ ન આપવા જોઈએ. તો એની પાછળ કોના આશીર્વાદ છે, એની પાછળ એવું તો શું કારણ છે કે બ્લેક લીસ્ટેડ થયલી કંપનીઓને ફરી પાછા કોન્ટ્રાકટ આપવામાં આવે છે.

પાલનપુર બ્રિજના કોન્ટ્રાકટર જી.પી.સી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ જ કંપની છે જે કે જેમને 2016-17 માં અમદાવાદમાં કરોડો રૂપિયાના રોડ બનાવ્યા અને એ રોડ ધોવાઇ ગયા ચારે તરફથી લોકોનો ખુબ આક્રોશ જોવા મળ્યો, હાઈકોર્ટે દરમિયાનગીરી કરવી પડી અને તપાસ કરવામાં આવી તો લગભગ 300 કરોડની જેટલી માતબાર રકમના ખોટા બીલોનું કૌભાંડ એમાંથી બહાર આવ્યું. ખોટા બીલના કૌભાંડ કરવાવાળી આ કંપની કોના આશીર્વાદથી કામ મેળવે છે. આ કંપનીના માલિકો દ્વારા કમલમમાં 2019 માં એક કરોડ કરતા વધારે રૂપિયાનું ચૂંટણી ફંડ આપે છે અને એટલે તેમના તમામ કાળા કરતૂતો ધોવાઇ જાય છે.ગુજરાતમાં સામાન્ય માણસ સલામત છે કે કેમ?

આટલી કરુણ અને દુ:ખદ ઘટના બની તેમ છતાં જયારે એના પરિવારજનો એફ.આઈ.આર. નોંધવાની માંગ કરતા હોય તો પોલીસ એફ.આઈ.આર. નોંધતી નથી કારણ કે આ તો મોટા કોન્ટ્રાકટરો છે, સરકારમાં સીધા જોડાયેલા છે, સરકાર અને ભાજપને કરોડોના ફંડ આપનારા લોકો છે એટલે એફ.આઈ.આર. ના થાય. જયારે લોકો રસ્તા પર ઉતરે ધરણા કરે, રસ્તા રોકે ત્યારે એફ.આઈ.આર. કરવામાં આવે સરકાર કોઈ તાત્કાલિક પગલા લેવાને બદલે ખાલી તપાસના નાટકોની જાહેરાત કરે છે. અત્યાર સુધી કેટલી તપાસો સોંપી, કેટલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી, આટલા બધા બ્રીજ તૂટ્યા કયા અધિકારીને જેલમાં પુરવા માં આવ્યા? કયા સચિવ સામે કાર્યવાહી કરવામાં આવી?

કયા મંત્રી સામે કાર્યવાહી કરવામાં આવી? તો એનો જવાબ પણ સરકારે આપવો પડશે કારણ કે આ પ્રજાના ટેક્ષના પરસેવાના પૈસાથી આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો થાય છે. એમાં ગેરરીતી થાય તો એમાં જે જે જવાબદાર લોકો હોય, પછી એ અધિકારી હોય, સચિવ હોય, કોઈ મંત્રી હોય, કોન્ટ્રાકટર હોય કે કોઈપણ હોય કોઈની પણ શેહ-શરમ રાખ્યા સિવાય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી કરીએ છીએ. આ જે પાલનપુરમાં દુ:ખદ બનાવ બન્યો છે એની પણ તપાસ થાય જવાબદારો સામે એની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને સાથસાથે જે મૃતક છે, ગરીબ અને દલિત પરિવારના લોકો છે એમને આર્થિક રીતે મદદ મળે તેવી માંગણી કરી  છે.

ગુજરાતમાં સેંકડોની સંખ્યામાં બ્રીજ છે, નાના પુલ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમાં કયા બ્રીજ પર જવાનું સલામત છે કયા બ્રીજ પર જવું સલામત નથી એની માહિતી ગુજરાતની જનતાને હોવી જોઈએ એટલા માટે આ તમામ બ્રીજોનું સેફટી ઇન્સ્પેકશન થવું જોઈએ, ફિટનેસ સર્ટીફીકેટો પબ્લિક ડોમેન્ટ પર ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી તમામ ગુજરાતીઓને ખબર પડે કે આ બ્રીજ પર જવામાં કોઈ નુકસાન કે અસલામતી નથી આ બ્રીજ અમારા પરિવાર માટે સલામત છે એવું ઓનલાઈન જોઈ શકે. ભૂતકાળમાં કોંગ્રેસના સમયમાં અનેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યા છે,

નહેરો બની તો 2005 પહેલાની નહેરો નથી તુટતી 2005 પછીની જ નહેરો તૂટે છે વર્ષો જુના બ્રીજ છે એ નથી તૂટતા અને અત્યારે ભાજપના શાસનમાં તો નિર્માણાધીન છે, ઉદ્ઘાટન પણ નથી થયું એવા બ્રીજો તૂટે રાજ્ય છે એનો સ્પષ્ટ મતલબ છે કે આ કોન્ટ્રાકટ, કમીશન અને કમલમને કારણે અ બ્રીજ તૂટી રહ્યા છે લોકો મરી રહ્યા છે. લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે તો તાત્કાલિક તપાસ કરીને જવાબદારો સામે પગલા લેવામાં આવે અને ગુજરાતના તમામ બ્રિજને ચકાસણી કરી ફિટનેસ સર્ટીફીકેટ ઓનલાઈન મુકવામાં આવેતેવી માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.