Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગર નજીકના ધુંવાવમાં આવેલી સહારા ઈન્ડિયાની જમીનના વિવાદમાં રાજકોટની એક પેઢીના ભાગીદારે અસલ કરારના આગળના બે પાના બદલાવી, નોટરીના બોગસ સહી-સિક્કા કરી પક્ષકાર તરીકે જોડાવવા માટે હાઈકોર્ટમાં કરારની નકલ રજૂ કરતા તેનું ભોપાળુ છતુ થયું હતુું. તેની ફરિયાદ સીઆઈડી ક્રાઈમમાં થયા પછી આ શખ્સને મુંબઈ એરપોર્ટ પરથી પકડી લેવાયો છે.

જામનગર-રાજકોટ માર્ગ પર આવેલા ધુંવાવ ગામ પાસેની અંદાજે ૧૪૬.૨૧૫ એકર જમીનના વેચાણ વ્યવહાર માટે રાજકોટની દેવ ઈન્ફ્રા. નામની ભાગીદારી પેઢી અને સહારા ઈન્ડિયા કોમર્શિયલ કો. લિમિટેડ વચ્ચે કરાર થયા પછી આર્થિક લાભ મેળવવા અને કરોડોની જમીન હડપ કરી જવાના ઈરાદાથી દેવ ઈન્ફ્રા.ના ભાગીદાર સ્મિત કનેરીયા એ નોટરી લખાણના બે પાના બદલી નાખી તેમાં ખોટું લખાણ કરી બોગસ કરાર ઉભો કર્યાે હોવાની સહારા ઈન્ડિયા કંપની વતી મયંક કે. શાહ એ સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટના કાલાવડ રોડ પર વસવાટ કરતા સ્મિત કનેરીયાની શોધ શરૃ કરવામાં આવી હતી. જેમાં આ શખ્સ મુંબઈ એરપોર્ટ પરથી ઝડપાઈ ગયો છે. તેની સામે આરોપ છે કે, તેણે નોટરી સમક્ષ કરાયેલા કરારમાં ચેડા કરી રકમમાં ફેરફાર કર્યાે છે અને નોટરીના બોગસ સહી-સિક્કા કરી આગળના બે પાના બદલાવી નાખ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ધુંંવાવમાં આવેલી સહારા ઈન્ડિયા કોર્પોરેશન લિમિટેડની આ જગ્યા અંગે જામનગરની દીવાની અદાલત તેમજ ગુજરાત હાઈકોર્ટમાં દાવા ચાલી રહ્યા છે. હાઈકોર્ટમાં ચાલતા એક દાવામાં દેવ ઈન્ફ્રાના ભાગીદાર સ્મિત પરસોત્તમ કનેરીયા એ ચાલુ વર્ષે પક્ષકાર તરીકે જોડાવવા અરજી કરી હતી અને ગઈ તા.૨૦-૧-૨૧ ના દિવસે થયેલા કરારની નકલ હાઈકોર્ટમાં રજૂ હતી. આ શખ્સે રજૂ કરેલી કરાર ની નકલ અને ફરિયાદી પાસે રહેલી અગાઉ ના કરાર ની નકલ સરખાવવા માં આવતા સ્મિત કનેરીયા દ્વારા રજૂ કરાયેલી નકલ ડુપ્લીકેટ હોવાનું જણાઈ આવ્યું હતું.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.