Abtak Media Google News

છૂટક મજૂરી કરતા લોકોને બે ટંકનું ભોજન અને રાશન કિટનું વિતરણ

જામનગર જિલ્લામાં હાલ લોકડાઉનની પરિસ્થિતિ અને ૧૪૪ની કલમ લાગુ કરવામાં આવેલ છે. કોરોના સંકટમાં ગુજરાતમાં પણ દિનપ્રતિદિન કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે આ બીમારીથી બચવાનો એક જ ઉપાય છે કે ઘરમાં રહેવું, વધુ લોકોનો સંપર્ક ટાળવો જામનગરની જનતાને આ વિશે પોલીસકર્મીઓ સમજાવી રહ્યા છે.

પોલીસકર્મીઓ કોઈ પણ કુદરતી કે માનવસર્જિત આપત્તિ સમયે સતત જનસામાન્યની પડખે તેનો ટેકો બનીને ઊભા રહ્યા છે, જેના ઉદાહરણો દરેક સમયે લોકોને જોવા મળ્યા જ છે. હાલમાં કોરોના સંકટમાં પણ પોલીસકર્મીઓ પોતાના પરિવારથી પહેલા પોતાના કર્તવ્યને સ્થાન આપી લોકોને કોરોના વાયરસથી બચાવવા અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.પોલીસકર્મીઓ દ્વારા સતત દરેક ચોક, રસ્તા પર પેટ્રોલિંગ અને ચેકિંગ કરી લોકોને કોરોના વાયરસથી સાવચેત કરવામાં આવી રહ્યા છે તો જામનગરના ફલ્લા ગામમાં પોલીસે યમરાજાના સ્વરૂપે જાગૃતિલક્ષી પ્રવૃતિ કરી કોરોના વિશેની સમજ આપી લોકોને ઘરમાં રહેવા સમજાવ્યા હતા.

જીવન આવશ્યક વસ્તુઓ જેવી કે અનાજ, કરિયાણું વગેરે ગરીબ શ્રમિકોને પહોંચે અને તેમને ગંભીર સંકટનો સામનો ન કરવો પડે તે હેતુથી  માત્ર કાયદાકીય કામગીરી નહીં માનવસેવાના દરેક કાર્યોમાં પણ હાલ જામનગરના પોલીસકર્મીઓ જોડાયા છે. છેવાડાના લોકોને પણ કોઈ તકલીફ ન પહોંચે તે માટે જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી દરેડ, કનસુમરા અને નાઘેડી જીઆઇડીસી વિસ્તારના અંદાજે ૨૦૦૦ છૂટક મજૂરી કામ કરતા લોકોને રોજ બે સમયનું ભોજન અને રાશન કીટો વિતરિત કરવામાં આવી છે. તેમજ અન્ય ગ્રામીણ વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા નિરાધાર ગરીબ જરૂરીયાત મંદોને અનાજ કીટનું વિતરણ કરાયું છે.

હાલની પરિસ્થિતિમાં પોતાની દીકરીને એકલી વલસાડ ખાતે રાખી અને હાલ જામનગરના ધ્રોલ વગેરે વિસ્તારોમાં સી.પી.આઇ. તરીકેની ફરજ બજાવતા  કે.જે.ભોયે કહે છે કે,લોકડાઉનના આગલા દિવસે મારા પત્ની અહીં ધ્રોલ ખાતે થોડી કામગીરી હોવાથી આવેલ અને લોકડાઉન થતા અમારી દીકરી હાલ વલસાડ ખાતે તેમના નાની પાસે એકલી છે ત્યારે આવી પરિસ્થિતિમાં પણ અમે લોકસેવામાં સતત હાજર છીએ તો હું લોકોને એટલું જ કહું છું કે તમે પણ અમને સહકાર આપો ઘરે રહો અને સલામત રહો.

પોલીસ હેડ કોન્સ્ટેબલશ્રી કલ્પેશ પ્રતાપભાઇ ઠાકરિયાએ જણાવ્યુ હતુ કે પોલીસ તરીકે આ આપદાના સમયમાં અમને લોકસેવાનો એક અવસર મળ્યો છે. અમે લોકોની રક્ષા માટે આ ખાખી પહેરી છે ત્યારે લોકોને આ ગંભીર સંકટમાં અમે મદદરૂપ થઇ શકીએ છીએ તેનો સંતોષ છે તેમ જણાવ્યું હતું.

ઘરે પુત્રનો જન્મ થયો હોવા છતાં પારિવારિક જવાબદારીઓને પર રાખી ફરજ બજાવતા રવિ શર્મા

વર્તમાન પરિસ્થિતિમાં પોલીસકર્મીઓ પોતાની પારિવારિક જવાબદારીઓને પર રાખી લોકોની સલામતીને પ્રથમ કર્તવ્ય માની કર્મ કરી રહ્યા છે. જામનગરના સી ડિવિઝન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલશ્રી રવિ શર્માના ઘરે ૧ એપ્રિલના રોજ પુત્ર જન્મ થયેલ છે ત્યારે રવિ શર્માએ કહ્યું કે, કોરોના સંકટની હાલની પરિસ્થિતિમાં હું મારા કર્તવ્યને પ્રાધાન્ય આપી મારી ફરજ પર છું. ૨ વર્ષ પહેલાં મારા ઘરે પુત્રજન્મ થયેલ જે સમયે પણ ફરજ પર હતો અને પ્રીમેચ્યોર ડિલિવરીના કારણે મારા બાળકનું મૃત્યુ થયું હતું તે સમયે પણ હું મારી ફરજને અગ્રતા આપીને ત્યાં હતો અને હાલમાં પણ જ્યારે મારા ઘરે પુત્રનો જન્મ થયેલ છે ત્યારે હું જેમ પિતા તરીકે મારા બાળકને સલામત રાખવાની ભાવના રાખું છું તેવી જ રીતે એક પોલીસ તરીકે જામનગરના લોકોને પણ સલામત રાખવાની ભાવના સાથે તેમને ઘરમાં રહેવાની અપીલ કરું છું.

તો મરીન પોલીસ સ્ટેશન ખાતે પોતાની ફરજ બજાવતા હેડ કોંસ્ટેબલશ્રી સૂર્યરાજસિંહ જાડેજા કહે છે કે, મારે ત્યાં બાળકનો જન્મ થયેલ હોય મારી પિતા તરીકેની ફરજ તો છે જ પરંતુ પોલીસ તરીકે મારા વિસ્તારના લોકો પ્રત્યે પણ મારી જવાબદારી છે.

પોલીસ દ્વારા ૨૨૮૭થી વધુ વાહનો ડિટેઇન

હાલ ૪૫ પોલીસકર્મીઓ ક્વોરેંટાઇન ફેસીલીટી, આઇસોલેશન વોર્ડ અને હોમ ક્વોરેંટાઇનના વિસ્તારોમાં ફરજ બજાવી રહયા છે. પોલીસ વિભાગ દ્વારા કાયદાકીય કાર્યવાહી અંતર્ગત ૨૨૮૭ થી વધુ વાહનો ડિટેઇન કરવામાં આવેલ છે.જાહેરનામા ભંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ના ભંગ વગેરે કાયદા અન્વયે અંદાજે કુલ ૪૭૬ જેટલા લોકો પર કાર્યવાહી કરવામાં આવી છે. ડ્રોન દ્વારા જામનગરમાં સતત નિરિક્ષણ કરવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.