Abtak Media Google News

જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયાની કામગીરી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો. સૌરભ પારધી દ્વારા વિસ્તૃત માહિતી અપાઈ

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ને લઈને ચૂંટણીપંચ દ્વારા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં બે તબ્બકામાં તા.1 અને તા.5 ડિસેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર  ડો. સૌરભ પારઘીએ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયાની કામગીરી અંગે પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં આજથી આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. તા.1 ડિસેમ્બરના રોજ જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પર મતદાન હાથ ધરવામાં આવશે. આચારસંહિતાના અમલ માટે જિલ્લા કક્ષાએ નોડલ અધિકારી તરીકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકની તેમજ તાલુકા કક્ષાએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર તેમજ જામનગર મહાનગરપાલિકાના વિસ્તાર માટે નાયબ કમિશનરની નિમણૂક કરવામાં આવી છે.

Advertisement

જામનગર જિલ્લામાં કુલ 12,06,910 મતદારો છે. જે પૈકી 6,18,572 પુરુષ તથા 5,88,323 સ્ત્રી મતદારો અને અન્ય મતદારોની સંખ્યા 15 છે. જામનગર જિલ્લાના 5 વિધાનસભા મતદાર વિભાગોમાં કુલ 1287 મતદાન મથકો મંજૂર થયેલ છે. જેમાં 76-કાલાવડ મતદાર વિધાનસભા મતદાન મથક માટે 300 મતદાન મથકો, 77-જામનગર (ગ્રામ્ય) માટે 279 મથકો, 78-જામનગર (ઉત્તર) માટે 230 મથકો, 79-જામનગર (દક્ષિણ) માટે 197 મથકો તેમજ 80-જામજોધપુર માટે 281 મતદાન મથકો મંજૂર કરવામાં આવ્યા છે.

જિલ્લાના પ્રત્યેક મતદાર વિભાગો ખાતે 7 સખી મતદાનમથકો, 1 પીડબલ્યુડી મતદાનમથક, 1 મોડેલ મતદાન મથક, 1-ઇકોફ્રેન્ડલી મતદાન મથક અને 1 યુવા અધિકારીશ્રી દ્વારા સંચાલિત મતદાન મથક રાખવામાં આવેલ છે. તેમજ 50% મતદાન મથકો ખાતે વેબ કાસ્ટિંગ કરવામાં આવશે. મતગણતરી તા.8 ડિસેમ્બરના રોજ હરિયા કોલેજ ખાતે હાથ ધરવામાં આવશે. રાજકીય પક્ષો તથા ઉમેદવારોએ વિવિધ મંજૂરીઓ મેળવવા માટે જુદી જુદી કચેરીઓમાં જવું ન પડે અને એક જ સ્થળેથી જરૂરી પરવાનગી મેળવી શકે તે માટે ચૂંટણી અધિકારીની કચેરી ખાતે નોડલ અધિકારીની નિમણૂક કરી સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરવામાં આવેલ છે. જામનગર જિલ્લાના લોકો મતદારયાદીમાં તેમનું નામ સામેલ છે કે કેમ અને કયા મતદાન મથકે મતદાન કરવા જવાનું છે તેની જાણકારી મેળવી શકે તે હેતુથી ચૂંટણી શાખામાં હેલ્પલાઈન 1950 શરૂ કરવામાં આવેલ છે.

ચૂંટણી સબંધિત ફરિયાદો માટે જિલ્લા કક્ષાએ કલેકટર કચેરી ખાતે કંટ્રોલરૂમ શરૂ કરવાં આવ્યો છે. જેના ટોલ ફ્રી  નંબર 18002333681 પર ચૂંટણીને લગતી ફરિયાદો લેવામાં આવશે.  વિધાનસભા ચૂંટણી-2022 દરમિયાન મતદારો, ઉમેદવારો તેમજ રાજકીય પક્ષોને વિવિધ જાણકારી અને ફરિયાદોનો નિકાલ થઈ શકે તે માટે ચૂંટણીપંચ દ્વારા વિવિધ ઓનલાઈન એપ્લિકેશનો જેવી કે સી-વિજિલ, વોટર હેલ્પલાઈન, વોટર પોર્ટલ જેવી એપ્લિકેશનો ડેવલપ કરવામાં આવી છે. તા.10 ડિસેમ્બરના રોજ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે. આ તકે જિલ્લા વિકાસ અધિકારી   મિહિર પટેલ, નિવાસી અધિક કલેકટર  બી.એન.ખેર તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી  કલ્પના ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.