Abtak Media Google News

જસદણની પ્રજા બારેમાસ વેરો ભરતી હોવા છતા ૧૦૦ કરતા ઓછા દિવસ પાણી મળે છે

જસદણ શહેરને પીવા માટે પાણી પૂરૂ પાડતું આલણસાગર તળાવમાં હાલમાં બેફામ પાણીની ચોરી થઈ રહી છે. ત્યારે સિંચાઈ તંત્ર તાબોટા પાડી પોતાની ફરજમાં ઉણુ ઉતર્યું છે. જસદણથી પાંચ કિલોમીટર દૂર આવેલ બાખલવડ ગામમાં જે આલણસાગર તળાવ આવ્યું છે. તે જસદણના પ્રજાવત્સલ રાજવી આલાખાચર બાપુએ સન ૧૯૦૦ની સાલમાં એટલા માટે બંધાયું હતુ કે જસદણ બાખલવડ દેવપરા જેવા નજીકના લોકોને પીવા માટે પાણી મળી રહે અને આજુબાજુના ગામડાઓને રવીપાક માટે ખેડુતોને પાણી મળી રહે પણ હાલમા આ તળાવમાં સાવ ઓછી માત્રામાં પાણી છે. અને એમાંથી પણ ચોરી થઈ રહી છે. ત્યારે આગામી દિવસોમાં જસદણ વાસીઓને પાણીકાપ સહન કરવો પડશે ગત ચોમાસામા વરસાદ ઓછો પડેલ હતો. એટલે આ તળાવમાં પુરતુ પાણી ન હોવાને કારણે રાજકોટ જિલ્લા કલેકટરે તળાવનું પાણી રવીપાક માટે ન છોડવા અને આ પાણી પીવા માટે અનામત રાખવા માટે હુકમ કરેલ હતો.

પણ અત્યારે તળાવમાં જુજ માત્ર પાણી બચ્યું હોવા છતાં આ પાણીની બેફામ ચોરી સિંચાઈ તંત્રની આંખ હેઠળ થઈ રહી છે. આલણસાગર તળાવમાંથી દરરોજ જસદણ નગરપાલીકા પાણી ઉપાડે છે. અને મહી નર્મદાનું પાણી મંગાવી શહેરને દર ચોથા દિવસે પાણીનું વિતરણ કરે છે.

હાલ જસદણની પ્રજા બારમાસનો પાણી વેરો ભરે છે. પણ લોકોને વર્ષમાં એકસો કરતા ઓછા દિવસ પાણી મળે છે. આ બાબતે શહેરમાં હજારો ભૂતિયા નળ જોડાણો છે. તેને કોઈ પણ જાતનો વેરો ભરવો પડતો નથી. જોકે પાલીકા દર ઉનાળામાં પાણી નથી એવા બહાના હેઠળ દર સાત અને દસ દિવસે પાણી આપે છે. ત્યારે જસદણને પીવા માટે પાણી પૂરૂ પાડતું આલણસાગર તળાવમાં પાણી ચોરી રોકવા માટે તંત્રએ પોતાની શકિત કામે લગાડવી જોઈએ એવી માંગણી પ્રજામાંથી ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.