Abtak Media Google News

નેશનલ ક્રિકેટ એકેડેમીએ બુમરાહને ફિટ જાહેર કર્યો

શ્રીલંકા વિરુદ્ધ વન-ડે સીરિઝ શરૂ થાય તે પહેલા ભારતીય ક્રિકેટ ટીમ માટે સારા સમાચાર આવ્યા છે. ભારતનો સ્ટાર ઝડપી બોલર જસપ્રિત બુમરાહ પોતાની પીઠની ઈજામાંથી સાજો થઈ ગયો છે અને તેને શ્રીલંકા સામેની ત્રણ વન-ડે મેચની સીરિઝ માટેની ભારતીય ટીમમાં સામેલ કરાયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શ્રીલંકા સામે ટી20 અને વન-ડે સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી ત્યારે બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને સામેલ કર્યા ન હતા. જેના કારણે તેમની ફિટનેસ સામે સવાલો ઊભા થયા હતા. જોકે, બોર્ડના એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે બંને ખેલાડી ફિટ છે પરંતુ બોર્ડ તેમના પુનરાગમનને લઈને કોઈ ઉતાવળ કરવા ઈચ્છતું નથી. જોકે, મંગળવારે બોર્ડે જાહેર કર્યું છે કે બુમરાહ શ્રીલંકા સામેની વન-ડે સીરિઝમાં રમશે.

Advertisement

જસપ્રિત બુમરાહને સપ્ટેમ્બરમાં પીઠની ઈજા થઈ હતી. સપ્ટેમ્બરમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ ઘરઆંગણે રમાયેલી સીરિઝ દરમિયાન તેને ઈજા થઈ હતી. જેના કારણે તે ટી20 વર્લ્ડ કપમાં પણ રમી શક્યો ન હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે જણાવ્યું છે કે, જસપ્રિત બુમરાહ રિહાબમાંથી પસાર થયો છે અને નેશનલ ક્રિકેટ એકેડેમીએ તેને ફિટ જાહેર કર્યો હતો. તે ટૂંક સમયમાં ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાઈ જશે.

શ્રીલંકા સામેની ભારતીય વન-ડે ટીમ આ પ્રમાણે છે: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐય્યર, લોકેશ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.