Abtak Media Google News

ગુન્હાની ગંભીરતાને ધ્યાને રાખતા હાલના તબક્કે જામીન આપી શકાય નહીં: હાઇકોર્ટનું વલણ

મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનાના ઘેરા પડઘા આખા દેશમાં પડ્યા હતા. મામલામાં 9 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓની જામીન અરજી અગાઉ મોરબી સેસન્સ કોર્ટે જામીન અરજી ફગાવી દીધા બાદ 8 આરોપીઓ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. આરોપીઓની જામીન અરજી મામલે હાઇકોર્ટે કડક વલણ દાખવ્યું હતું. હાઇકોર્ટે અવલોકન કરતા કહ્યું હતું કે, ઘટનાનક ગંભીરતાને ધ્યાને રાખીને હાલના તબક્કે આરોપીઓને જામીન આપી શકાય નહીં પરિણામે આરોપીઓએ જામીન અરજી પરત ખેંચવાની ફરજ પડી હતી.

Advertisement

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135થી વધુ નિર્દોષ લોકોના મોત અને 56થી વધુ લોકોને ઇજા થઈ હતી. આ ચકચારભર્યા કેસમાં સંડોવાયેલા ઓરેવા ગ્રુપના બે મેનેજર આરોપી દિનેશ દવે અને દિપક પારેખ સહિતના 8 આરોપીઓને જામીન આપવાની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરી હતી. પરંતુ જસ્ટિસ સમીર જે.દવેએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આરોપીઓ વિરુધ્ધનો ગુનો અને ગુનાની ગંભીરતા જોતાં હાલના તબક્કે તેઓને જામીન આપી શકાય નહી. હાઇકોર્ટે આરોપીઓની જામીન અરજી ફગાવી દેવાનું વલણ દાખવતા તમામ સાતેય આરોપીઓને પોતાની જામીન અરજી પાછી ખેંચી લેવાની ફરજ પડી હતી. આમ, મોરબી દુર્ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને ગુજરાત હાઇકોર્ટમાંથી બહુ મોટો ઝટકો મળ્યો છે.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના પ્રકરણમાં ઓરેવા ગ્રુપના બે આરોપી મેનેજર દિનેશ દવે અને દિપક પારેખ ઉપરાંત, ટિકિટ બુકીંગ કલાર્ક અને સિકયોરિટી ગાર્ડ મનસુખ ટોપીયા અને મહાદેવ સોલંકી, અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ અને મુકેશ ચૌહાણની જામીન અરજી કરી હતી. આ તબક્કે હાઇકોર્ટના જસ્ટિસ સમીર દવેએ આરોપીઓને ચાર્જશીટ પહેલા જામીન આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો.

અગાઉ મોરબી સેશન્સ કોર્ટે તા. 23 નવેમ્બર, 2022ના રોજ આ કેસમાં પકડાયેલા તમામ નવ આરોપીઓની જામીન અરજી આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. જેના પગલે આ આરોપીઓ પૈકીના સાત આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેની સુનાવણી જસ્ટિસ સમીર જે.દવેની કોર્ટમાં નીકળતાં રાજય સરકાર તરફથી જામીન અરજીનો વિરોધ કરતાં જણાવાયું હતું કે, આરોપીઓ ખૂબ જ ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા છે. આરોપીઓની ગંભીર બેદરકારી અને નિષ્કાળજીના કારણે મોરબી કરુણાંતિકા સર્જાઇ હતી. જેમાં 135થી વધુ નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા અને 56થી વધુ લોકોને ઇજા થઇ હતી.

વધુમાં જણાવાયું હતું કે, આ સમગ્ર દુર્ઘટના પ્રકરણમાં સરકાર દ્વારા રચાયેલી સીટની તપાસ ચાલુ છે અને હજુ નાજુક તબક્કામાં છે, ત્યારે હાલના તબક્કે આરોપીઓને કોઇપણ સંજોગોમાં જામીન આપી શકાય નહીં. જો હાલના તબક્કે આરોપીઓને જામીન અપાય તો કેસની તપાસને ગંભીર અસર થઇ શકે તેમ છે. એટલું જ નહી, કેસના પૂરાવા અને સાક્ષીઓ સાથે પણ ચેડાં થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. આ સંજોગોમાં હાઇકોર્ટે તમામ આરોપીઓના જામીન ફગાવી દેવા જોઇએ.સરકાર પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટના જસ્ટિસ સમીર દવેએ તમામ સાત આરોપીઓને જામીન આપવાનો સ્પષ્ટપણે ઇન્કાર કરી દેતાં તમામને પોતાની જામીન અરજી પરત ખેચંવાની ફરજ પડી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.