જયંતિ ભાનુશાળી હત્યામાં જયંતિ ઠક્કરની બીનતહોમત છોડી મૂકવાની અરજી રદ્

૨૦ મહિના પહેલા ચાલુ ટ્રેને શાર્પશૂટરો દ્વારા ભાજપના પૂર્વ ધારાસભ્યની ફિલ્મી ઢબે ગોળી ધરબી

કાંટો કાઢી નાખવામાં આવ્યો હતો : પૂર્વ ધારાસભ્ય સહિત ૧૨ શખ્સો સામે ગુનો નોંધાયો’તો

સૌરાષ્ટ્ર-કચ્છમાં ચકચાર મચાવનાર ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી ભુજ-અમદાવાદ ટ્રેનમાં ભચાઉ નજીક શાર્પસુટરો દ્વારા ગોળી ધરબી કરાયેલી હત્યાના ગુનામાં માસ્ટર માઈડ જયંતિ ઠક્કરની બીનતહોમત છોડી મૂકવાની અરજી ફગાવી દીધી છે.

વધુ વિગત મુજબ કચ્છ ભાજપના અગ્રણી અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી ગત ૭/૧/૧૯ ના રોજ સૈયાજીનગરી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે સામખીયાળી સ્ટેશન નજીક ચાલુ ટ્રેનમાં શાર્પસુટરો દ્વારા ગોળી ધરબી હત્યા કર્યાની ગાંધીધામ રેલ્વે પોલીસમાં મૃતકના ભાઈએ પૂર્વ ધારાસભ્ય છબીલદાસ પટેલ, મનીષા ગોસ્વામી, જયંતિ જેઠાલાલ ઠક્કર, સિઘ્ધાર્થ પટેલ, સુરજીત ભાવ સામે હત્યાનો ગુનો નોંધી સરકારે કેસની ગંભીરતા જોઈ સીટની રચના કરવામાં આવી હતી. જેમાં ઝડપાયેલા આરોપીઓની પ્રાથમીક તપાસમાં આ ગુનામાં સંડોવાયેલા રાહુલ પટેલ, નીતિન પટેલ, પુનાનાં શાર્પસુટર શશીકાંત કાબલે, અસરફ અનવર શેખ, વિશાલ નાગનાથ, રાજુ ઉર્ફે સીતારામ, નીખિલ થોરાટના નામ ખુલતા તમામની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. સમગ્ર પ્રકરણમાં કાયદાકીય આંટી-ઘૂંટીને ભેદવા માટે સરકાર દ્વારા સ્પેશ્યલ પબ્લિક પ્રોસીક્યુટર અભય ભારદ્વાજ અને તુષાર ગોકાણીની નિમણુંક કરવામાં આવી હતી.

હાલ લાંબા સમયથી જેલ હવાલે રહેતા સુત્રધાર જયંતિ ઠક્કરે કોર્ટમાં પોતાની સામે કોઈ પુરાવા ન હોવાનુ જણાવી બિનતહોમત છોડી મુકવાની ડીસ્ચાજર્ અરજી દાખલ કરવામાં આવી હતી. જે અરજીની સુનાવણી ચાલવા પર આવતા સ્પેશ્યલ પી.પી.તુષાર ગોકાણી દ્વારા કરવામાં આવેલી લેખીત-મૌખિત દલીલોમાં જયંતિ ઠક્કર દ્વારા કાવત્રુ ઘડવામાં મદદગારી છે તેમજ તેણે શાર્પસુટરોને ગુનાને અંજામ આપવા આર્થિક ગોઠવણ કરી આપવાનુ તેમજ સુજીત, નીખિલ અને મનીષા ગોસ્વામી સાથે મળી જયંતિ ભાનુશાળીને ઝારખંડમાં મારી નાખવાનો પ્લાન ગોઠવ્યો હતો. તેમજ જયંતિ ઠક્કર અને છબીલ પટેલના ઈશારે જયંતિ ભાનુશાળીની કારકીદ ખતમ કરવા ખોટી ફરીયાદો કરી બદનામ કરવામાં આવેલ હતા. ઉપરાંત ઓડીયો-વિડીયો અને મોબાઈલ લોકેશન તેમજ સાયન્ટીફીક પુરાવા એકત્રમાં છબીલ પટેલ અને જયંતિ ઠક્કરની વાતચીતો બહાર આવી છે. બન્ને પક્ષોની દલીલોના અંતે ભચાઉના અધિ.સેસ.જજ એમ.એફ.ખત્રી દ્વારા સ્પેશ્યલ પી.પી.તુષાર ગોકાણીની દલીલોને ઘ્યાને લઈ જયંતિ ઠક્કરની કેસમાંથી ડિસ્ચાર્જ કરવાની અરજી નામંજુર કરી છે.