ગુજરાત નહીં છોડવાની શરતે જીગ્નેશ મેવાણીના જામીન મંજુર

વર્ષ 2017માં મંજૂરી વિના રેલી કાઢવાના ગુન્હામાં મેવાણી સહિત 10ને 3 માસની સજાનો કરાયો હતો હુકમ

જીગ્નેશ મેવાણીને ગુજરાત છોડવા ઉપર પ્રતિબંધ મૂકવા સાથે મહેસાણા કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યાં હતાં. મેવાણી કોર્ટની પરવાનગી વગર ગુજરાત બહાર નહીં જઈ શકે. વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત કુલ 10 આરોપીઓને વર્ષ 2017ના જુલાઈ માસમાં વગર પરવાનગીએ રેલી કાઢવાના કેસમાં મહેસાણા કોર્ટે દોષિત ઠરાવી 3 માસની સજાનો હુકમ કર્યો હતો.

આ હુકમને પડકારતી અપીલ મહેસાણા સેશન્સ કોર્ટ સમક્ષ ફાઇલ કરવામાં આવી હતી. જેમાં આજે જામીન અરજીની સુનાવણી દરમિયાન વડગામ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, રેશમા પટેલ, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સહ ક્ધવીનર કૌશિક પરમાર, રમુજી પરમાર, સુબોધ પરમાર સહિતના દોષિતોને વગર પરવાનગીએ ગુજરાત નહીં છોડવાની તેમજ પાસપોર્ટ જમા કરાવવાની અને જામીન સ્વરૂપે મળેલ સ્વતંત્રતાનો ઉપયોગ કરી અન્ય ગુનામાં સામેલ ન થવાની અને કોઈ મિલકત હોય તો એના પુરાવા રજૂ કરવા મુજબની શરતોને આધીન જામીન આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ઉનાકાંડના એક વર્ષ નિમિત્તે આઝાદી કૂચનું આયોજન મહેસાણાથી બનાસકાંઠાના ધાનેરા સુધી કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાના ધાનેરાના લવારા ગામે સરકાર દ્વારા ફાળવવામાં આવેલી દલિત સમાજના વ્યક્તિની જમીનમાં 50 વર્ષ સુધી અસામાજિક તત્વોએ ગેરકાયદે દબાણો કર્યા હતાં. કૂચના અંતે જીગ્નેશ મેવાણી અને દલિત સમાજને સફળતા મળી હતી અને જે ગરીબ માણસની જમીનના ગુંડાઓ ઘૂસી ગયેલા તેમને દૂર કરી મૂળ માલિકને કબજો અપાવવામાં આવેલા. પરંતુ, આઝાદી કૂચ રેલીની મંજૂરી નહોતી એવા કારણોસર જીગ્નેશ મેવાણી અને અન્યો સામે એફઆઈઆર કરવામાં આવી હતી. જેમાં તાજેતરમાં મહેસાણા કોર્ટે સજા ફટકારી હતી. જે કોર્ટના આદેશને મહેસાણા સેશન્સ કોર્ટ સમક્ષ પડકારતા જામીન અરજી કરવામાં આવેલી. આ અરજીમાં કોર્ટે પ્રથમ તબક્કે શરતી જામીન આપી કેસના તમામ આરોપીઓને ગુજરાત ન છોડવા ફરમાન કર્યું છે.