Abtak Media Google News

વારીસ પંજાબ દે સંગઠનના અંદાજીત 78 સભ્યોની ધરપકડ: અમૃતપાલ ભાગેડુ જાહેર

વારીસ પંજાબ દે સંગઠનના સંચાલક અને ખાલિસ્તાની વિચારધારા ધરાવનાર અમૃતપાલસિંહ અને તેના સંગઠનના સભ્યો પર કેન્દ્ર અને રાજ્યના અધિકારીઓ સાથે મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. પોલીસના ઓપરેશનમાં વારીસ પંજાબ દે સંગઠનના અંદાજીત 78 સભ્યોની ધરપકડ કરી લેવામાં આવી છે જ્યારે અમૃતપાલ નાસી છૂટવામાં સફળ થયો છે. જેના પગલે પંજાબ સહિતની અનેક બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે, પંજાબમાં બે દિવસ માટે ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.

જે રીતે અમૃતપાલ ખાલિસ્તાની ચળવળને આગળ ધપાવી રહ્યો હતો તે પ્રકારે અમૃતપાલ બીજો ભીંદરણવાલા બની જશે કે કેમ? તેવી અટકળો ચાલી રહી છે. જરનૈલસિંહ ભીંડરેવાલા અને તેના સમર્થકોને રોકવા માટે ભારતીય સેનાએ ઓપરેશન બ્લુ સ્ટાર કરવાની ફરજ પડી હતી. પંજાબના સુવર્ણ મંદિર પર કબજો જમાવીને બેસેલા ભીંડરેવાલાનો ખાત્મો કરવા ઓપરેશન બ્લુ સ્ટાર કરવામાં આવ્યું હતું.

ભીંડરેવાલાનો ઉદય વર્ષ 1977 બાદ થયો હતો જ્યારે કોંગ્રેસને પંજાબની ચૂંટણી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ટૂંકા સમયમાં જ ભીંડરેવાલાનું કદ ખૂબ વધી ગયું હતું. લાલા જગતનારાયણના હત્યાકાંડમાં ભીંડરેવાલાની ભૂમિકા ખુલતા ભીંડરેવાલાની ધરપકડ કરવામાં આવતા પંજાબમાં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા. જે બાદ ભીંડરેવાલાને છોડી મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ ભીંડરેવાલા અને સરકાર વચ્ચે ઘર્ષણ શરૂ થયું હતું અને ખાલિસ્તાનની માંગ મોટપાયે ઉઠી હતી. જેને અટકાવવા અને ભીંડરેવાલાને ડામવા ઓપરેશન બ્લુ સ્ટાર શરૂ કરવામાં આવ્યું હતું. અમૃતપાલ ભીંડરેવાલાને આદર્શ માને છે અને ખાલિસ્તાની ચળવળનું સમર્થન કરે છે ત્યારે ભારતમાં બીજો ભીંડરેવાલા ઉભો ન થાય તેના માટે કેન્દ્ર અને રાજ્ય બંનેએ સાથે મળીને આ ઓપરેશન હાથ ધર્યું છે.

કટ્ટરપંથી ઉપદેશક અને ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહની શોધખોળ ચાલી રહી છે. દોઢ દિવસની મહેનત બાદ પણ તે પોલીસથી દૂર છે. તેની ધરપકડનો મામલો એક દિવસ પહેલા જ પ્રકાશમાં આવ્યો હતો, પરંતુ પછી ખબર પડી કે તે પોલીસને માત આપીને ભાગી ગયો હતો. તે જે ગામમાં છુપાયો હતો ત્યાં પણ પોલીસે સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું. આખા ગામને ઘેરીને રાત્રે ઓપરેશન ચાલ્યું પરંતુ તે ફરી એકવાર નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે તેને ભાગેડુ જાહેર કરી દીધો છે.

પોલીસ દ્વારા જલંધરના શાહકોટ-માલસિયા રોડ પર અમૃતપાલ સિંહની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળેથી અમૃતપાલ સિંહના 7 નજીકના મિત્રોને પકડી પાડ્યા હતા. જોકે, તે ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસની 70 ગાડીઓ તેની પાછળ દોડી હતી પરંતુ તે લીંક રોડ તરફ વળીને ભાગી ગયો હતો.

ઉશ્કેરાયેલા ખાલિસ્તાનીએ ભારતની લંડન ખાતેની એમ્બેસી પર હંગામો કર્યો

અમૃતપાલના સંગઠન પર કાર્યવાહી બાદ ખાલિસ્તાનીઓ ઉશ્કેરાયા છે જેના પગલે ભારતની લંડન ખાતેની એમ્બેસી પર ખાલિસ્તાનીઓએ હંગામો કર્યો હતો. ભારતીય ત્રિરંગાને એમ્બેસી પરથી ઉતારી દેવામાં આવ્યો હોય તેવો વિડીયો પણ સામે આવ્યો છે ત્યારે ભારતે બ્રિટિશ ડિપ્લોમેટને સમન્સ પાઠવી સમગ્ર મામલે ખુલાસો અને કાર્યવાહી અંગેનો ચિતાર માંગવામાં આવ્યો છે.

અમૃતપાલના સાથીદારોને દિબ્રુગઢ જેલ મોકલી દેવાયા

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ફરાર કટ્ટરવાદી ઉપદેશક અમૃતપાલ સિંહના ચાર સહયોગીઓને રવિવારે આસામના ડિબ્રુગઢ જિલ્લામાં લાવવામાં આવ્યા હતા. એક ટોચના પોલીસ સૂત્રએ જણાવ્યું હતું કે ખાલિસ્તાની નેતા અમૃતપાલ સિંહના ચાર અટકાયત કરાયેલા સહયોગીઓને તાજેતરમાં એરફોર્સના વિશેષ વિમાનમાં ડિબ્રુગઢ લાવવામાં આવ્યા હતા. તેને આસામની ડિબ્રુગઢ સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવશે.

પંજાબમાં ઈન્ટરનેટ સેવા પર પર પ્રતિબંધ લાદી દેવાયો

પંજાબ સરકારે રાજ્યમાં મોબાઈલ ઈન્ટરનેટ અને એસએમએસ સેવાઓના સસ્પેન્શનને સોમવાર બપોર સુધી લંબાવ્યું છે. રાજ્ય સત્તાવાળાઓએ શનિવારે ઇન્ટરનેટ અને એસએમએસ સેવાઓ રવિવાર બપોર સુધી સ્થગિત કરી દીધી હતી. અમૃતપાલ સામેની કાર્યવાહીને કારણે સોમવાર સુધી મોબાઈલ ઈન્ટરનેટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.અધિક મુખ્ય સચિવના અધિકૃત આદેશમાં જણાવાયું છે કે ભારતીય ટેલિગ્રાફ એક્ટ, 1885 હેઠળ મને આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, આથી નિર્દેશ કરવામાં આવે છે કે પંજાબના પ્રાદેશિક અધિકારક્ષેત્રમાં તમામ મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ, તમામ એસએમએસ સેવાઓ

(બેંકિંગ અને મોબાઇલ રિચાર્જ સિવાય) અને વોઇસ કોલ્સ સિવાય મોબાઇલ નેટવર્ક પર પૂરી પાડવામાં આવતી તમામ ડોંગલ સેવાઓ 19 માર્ચ (બપોર 12 વાગ્યા)થી 20 માર્ચ (બપોરના 12 વાગ્યા) સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવજ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.