Abtak Media Google News

સોનાની થાળીમાં લોઢાની મેખની જેમ જૂનાગઢમાં રૂ. 350 કરોડના ખર્ચે ઊભી કરવામાં આવેલ સરકારી સિવિલ હોસ્પિટલમાં જુનિયર તબીબોની મનમાની, આડોળાઈ, આળસના કારણે સામાન્ય અને ગરીબ દર્દીઓને સારવારની જરૂર હોવા છતાં ડિસ્ચાર્જ કે રીફર કરવામાં આવતા હોવાની અને આવા દર્દીઓને ના છૂટકે, ના ઈલાજે મોટી રકમ ચૂકવી સારવાર લેવી પડતી હોવાની વ્યાપક ફરિયાદો ઊઠવા પામી છે.

ઈન્ડોર પેશન્ટને પુરી સારવાર આપ્યા વિના જ  ઘર ભેગા કરી દેવાતા હોવાની રાવ

જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં જુનાગઢ શહેર સહિતના આસપાસના પાંચ જિલ્લાના દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. ત્યારે આઠ માળની આ અધ્યતન હોસ્પિટલમાં તમામ રોગના નિષ્ણાંતો ની સાથે દર્દીઓની સારવાર માટે જુનિયર ડોકટરી ની સેવા લેવામાં આવી રહી છે. પરંતુ આ જુનિયર તબીબો સવારે પોતાના વોર્ડમાં રાઉન્ડ લેવા આવે ત્યારે દર્દીને સ્ટેથો પણ લગાડ્યા વગર કે કોઈપણ જાતના છેલ્લા રિપોર્ટ કરાવ્યા વગર દર્દીની તબિયત પૂરી સુધારા ઉપર ન હોવા છતાં, ડીશચાર્જ લખી દેતા હોવાની તથા અમુક દર્દીઓને વધુ સારવાર માટે રીફર પણ કરી દેતા હોવાની ગેરકાયદેસર કામગીરી થતી હોવાની દર્દીઓ અને દર્દીઓના સગાઓમાં ફરિયાદ ઊઠવા પામી છે.

જો કે, આ મામલો એક જાગૃત નાગરિક દ્વારા જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રીંટન્ટર સુધી પહોંચ્યો છે અને સુપ્રિટેન્ડેન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા “આવુ ચલાવી લેવામાં નહીં આવે યોગ્ય કાર્યવાહી થશે અને માર્ગદર્શન આપવામાં આવશે” તેવું જણાવાયું છે. ત્યારે હોસ્પિટલ અને કર્મનિષ્ઠ તબીબ અને સ્ટાફ પર અમુક જુનિયર તબીબોના કારણે લાગેલા આ ગ્રહણને દૂર કરવા અને દર્દીઓને સાજા થાય ત્યાં સુધીની પૂરતી નિયમિત સારવાર અને કાળજી લેવાય તે માટે કેવા ? અને કેટલા ? પગલાં ભરાય છે. તેના ઉપર સમગ્ર દરિદ્ર નારાયણ અને તેના સગાઓની મિટ મંડાયેલી છે.

નર્સોને મોબાઈલથી નથી મળતી ફુરસદ

જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં જુનિયર તબીબો પોતાના વોર્ડમાં પોતાની ફરજિયાત સમય દરમિયાન હાજર ન રહેતા હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં કરાર બેઝ પર ફરજ બજાવતી અમુક સ્ટાફ નર્સ દ્વારા પણ દર્દીઓ સાથે ઉદ્ધતાઈ, અવ્યવહારુ અને અણગમતું વર્તન કરવામાં આવતું હોવાની પણ રાવ સંભળાઈ રહી છે. દર્દીઓ અને તેના વાલીઓમાં થતી ચર્ચાઓ મુજબ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં કરાર આધારિત ફરજ બજાવતી અમુક સ્ટાફ નર્સ દર્દીઓની કાળજી અને ધ્યાન રાખવાને બદલે સ્ટુડન્ટ નર્સ પાસે કામ લેવડાવી, પોતાનો મોટાભાગનો સમય મોબાઇલ ઉપર વાતો કરવામાં અને સોશિયલ મીડિયામાં મસ્ત અને વ્યસ્ત રહી સમય પસાર કરતા હોવાની પણ બૂમ ઊઠવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.