Abtak Media Google News

દેશભરના શ્રઘ્ધાળુઓ પીપળે ત્રણ લોટા જલ ચડાવી ધન્ય થાય છે

ગિરનારની સાનિધ્યમાં અને જ્યાં દેવી, દેવતા, યોગી, જોગીઓના બેસણા છે તેવા ભવનાથ ક્ષેત્રમાં આવેલ પાવન પવિત્ર દામોદર કુંડ ખાતે ચૈત્ર મહિના દરમિયાન પિતૃઓને તર્પણ કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. અને આગામી પૂનમ સુધી દામોદર કુંડ ખાતે ભારત ભરમાંથી શ્રદ્ધાળુ અહી આવી, મોક્ષ પીપડે ત્રણ લોટા જળ ચડાવી, પિતૃઓને તર્પણ કરી, તેમના પિતૃઓની મોક્ષ માટે પ્રાર્થના કરશે.

હિન્દુ ધર્મમાં ચૈત્ર માસને પિતૃકાર્ય માટે ઉત્તમ માનવામાં આવે છે, ત્યારે ચૈત્ર માસની અગિયારસથી ભવનાથ ક્ષેત્રમાં આવેલ પાવન પવિત્ર દામોદર કુંડ ખાતે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉંમટે છે. અને દામોદર કુંડમાં સ્નાન કરી, શ્રદ્ધાળુઓ દામોદર કુંડ ખાતે આવેલ મોક્ષ પીપળાને ત્રણ લોટા જળ ચડાવી, પિતૃ તર્પણ કરી, પોતાના પિતૃઓની મોક્ષ માટે ભગવાનને પ્રાર્થના કરે છે. આ સાથે અહીં ચૈત્ર માસ દરમિયાન ભારતભરના શ્રદ્ધાળુઓ આવે છે અને અહીં દામોદર કુંડના સાનિધ્યમાં  પિતૃ કાર્યો પણ કરે છે. ત્યારે અગિયારસથી પિતૃ તર્પણ માટે વહેલી સવારથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દામોદર કુંડ ખાતે પહોંચી રહ્યા છે અને અહીં મોક્ષ પીપળે પાણી રેડી પિતૃને તૃપ્ત કરતા નજરે પડી રહ્યા છે.

આ અંગે દામોદર કુંડના ગોર નિર્ભયભાઈ પુરોહિતના જણાવ્યા અનુસાર આદિ અનાદિકાળથી દામોદર કુંડ ખાતે શ્રદ્ધાળુઓ ચૈત્ર માસની અગિયારસથી પૂનમ સુધી પોતાના પિતૃઓને તૃપ્ત કરવા આવે છે. અને અહીં આવેલા શ્રદ્ધાળુઓ પ્રથમ દામોદર કુંડમાં સ્નાન કરે છે. અને બાદમાં મોક્ષ પીપળે ત્રણ લોટા જળ ચડાવી પિતૃઓને તર્પણ કરે છે. આમ જોઈએ તો ગુડી પડવાથી શરૂ થતા હિંદુ ધર્મ માટેના નવા વર્ષનો પ્રારંભ ચૈત્ર માસથી થતો હોય છે. અને દામોદર કુંડ ખાતે જળ ચડાવવાથી 71 પેઢીના પિતૃના મોક્ષ થતો હોવાનું શાસ્ત્રોમાં પણ લખાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.