Abtak Media Google News

મેયર પદ માટે બીજી ટર્મ અનુસુચિત જાતિના ઉમેદવાર માટે અનામત પાંચ નામો ચર્ચામાં: 1લી ફેબ્રુઆરીએ જૂનાગઢના નવા મેયર મળી જશે

આગામી 31 જાન્યુઆરી એ જૂનાગઢ મનપામાં ભાજપના શાસનની પ્રથમ ટર્મ પૂરી થતાં 1 ફેબ્રુઆરીથી જૂનાગઢને નવા મેયર મળશે. આ બીજી ટર્મમાં અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે મેયર પદ અનામત છે, ત્યારે બીજી ટર્મના મેયર માટે અનુસૂચિત જાતિના 2 મહિલા કોર્પોરેટર સહિત કુલ પાંચ ઉમેદવારોના નામો હાલમાં ભાજપ તથા શહેરમાં ચર્ચાઈ રહ્યા છે.

સને 2019 મા જૂનાગઢ મનપાની ચૂંટણી યોજાઈ હતી, અને આ ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક વિજય હાંસલ કરી 60 માંથી 55 બેઠકો હાસિલ કરી હતી, અને પ્રથમ ટર્મના મેયર તરીકે નખશિખ પ્રામાણિક એવા મેયર ધીરૂભાઈ ગોહિલની મેયર તરીકે પસંદગી કરવામાં આવી હતી.

જુનાગઢના મેયર ધીરૂભાઈ ગોહિલ એ મેયર તરીકેની મોવડી મંડળે કરેલી પસંદગીને પ્રમાણિકતા સાથે નિભાવી હતી અને જૂનાગઢ મહાનગરમાં પોતાના સાથી, સહયોગી મનપાના પદાધિકારીઓ, કોર્પોરેટર તથા ભાજપ સંગઠનના આગેવાનોને સાથે રાખી સરકારમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટો લાવી જૂનાગઢ મહાનગરમાં વિકાસ કામો કરીને શહેરને હરણફાળ અપાવવામાં ભારે જહેમત અને મહેનત કરવી હતી. જો કે ક્યાક પાર્ટીની ગાઈડ લાઈન તો ક્યાંક શરમ અને કોઈક ને ખુશ રાખવાના કારણે જૂનાગઢના વિકાસ માટે અને જૂનાગઢને રળિયામણું બનાવવા માટે તેમણે સેવેલા અનેક સપનાઓ કદાચ બાકી રહી જવા પામ્યા હતા. પરંતુ જૂનાગઢના મેયર તરીકેની તેમની કામગીરી યશસ્વી, નોંધનીય અને પ્રશંસનીય રહેવા પામી છે.

દરમિયાન આગામી 31 જાન્યુઆરી એ મેયરની ટર્મ પૂરી થઈ રહી છે, અને આ વખતે મેયરપદ માટેનું આ સ્થાન અનુસૂચિત જાતિ માટે અનામત છે ત્યારે વોર્ડ નંબર 9 ના ગીતાબેન પરમાર, વોર્ડ નંબર 15 ના બ્રિજેશાબેન સોલંકી તથા વોર્ડ નંબર 1 ના અશોકભાઈ ચાવડા, વોર્ડ નંબર 13 ના વાલાભાઈ આમછેડા અને વોર્ડ નંબર 15 ના જીવાભાઇ સોલંકીના નવા મેયર તરીકે ભાજપમાં તથા જૂનાગઢ શહેરમાં ચર્ચાઈ રહ્યા છે.

આગામી 31 જાન્યુઆરી એ ભાજપના શાસનની પ્રથમ ટર્મ પૂરી થઇ રહી છે, ત્યારે સંભવત આગામી તારીખ 30 કે 31 જાન્યુઆરી એ જનરલ બોર્ડ મળશે અને તેમાં નવા મેયરની સાથે ડેપ્યુટી મેયરની પણ વરણી કરવામાં આવશે અને ભાજપના મોવડી મંડળ દ્વારા પસંદ કરાયેલા ઉમેદવાર ઉપર મેયર અને ડેપ્યુટી મેયરનો કળશ ઢોળવામાં આવશે અને 1 લી ફેબ્રુઆરીએ  જૂનાગઢ મહાનગરને નવા મેયર મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.