Abtak Media Google News

એક તરફ સરકાર દ્વારા કોરોનાના કારણે મૃત્યુ આંક ઘટયો હોવાની અને ગુજરાતમાં લોકોના આરોગ્યની જાળવણી માટે ભરપૂર પ્રયાસ થઇ રહ્યા હોવાની વાતો કરવામાં આવી રહી છે, ત્યારે જૂનાગઢના દામોદર કુંડ ખાતેથી એક ચોંકાવનારી બાબત સામે આવી છે અને એ ચોંકાવનારા સમાચાર એ છે કે, દામોદર કુંડ ખાતે સૌરાષ્ટ્ર ભરના શ્રદ્ધાળુઓ દ્વારા તેમના આપ્તજનની અંતિમ ક્રિયા બાદ લગભગ 25થી 50 લોકો ફૂલ પધરાવવા એટલે કે અસ્થી વિસર્જન માટે આવતા હતા તેને બદલે છેલ્લા એકાદ માસથી ફૂલ પધરાવવા આવતા લોકોની દરરોજની સરેરાશ સંખ્યા 700 ની આસપાસ રહે છે. ત્યારે જુનાગઢ શહેર, જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં મૃત્યુનું પ્રમાણ વધ્યુ હોવાનું પ્રબુદ્ધ લોકો માની રહ્યા છે.

જુનાગઢ ખાતે ગિરનારની ગોદમાં આવેલ પુરાણ પ્રસિદ્ધ પવિત્ર દામોદર કુંડ ખાતે પિતૃઓના આત્માની શાંતિ માટે પિતૃ તર્પણ, શ્રાદ્ધ સહિતની અનેક વિધિઓ અને આપ્તજનના અગ્નિ સંસ્કાર બાદ તેમના ફુલનું વિસર્જન દામોદર કુંડમાં કરવાનો એક મહિમા છે, જેને લઈ દામોદર કુંડ ખાતે શહેર તથા જિલ્લાની સાથે સૌરાષ્ટ્રભરના શ્રદ્ધાળુઓ દ્વારા તેમના પિતૃના  તર્પણ, શ્રાદ્ધ સહિતની વિધિઓ કરી એમના આત્માને શાંતિ અર્થે આવે છે, અને વિવિધ પ્રકારના પિતૃ કાર્ય તથા તર્પણ કરવામાં આવે છે. સાથોસાથ દરરોજના સરેરાશ 25 થી 50 જેટલા મૃતાત્માના ફુલ દામોદર કુંડમાં તેમના પરિવારજનો દ્વારા પધરાવી, કાઠાગોર દ્વારા તેમની હાથજોડ અને ધાર્મિક વિધિ કરાવવામાં આવે છે.જો કે, તાજેતરમાં દામોદર કુંડના કાંઠા ગોર દ્વારા કોરોના મહામારીના કારણે કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે દામોદર કુંડ ખાતે અને કિનારા ઉપર પિતૃ કાર્ય કરવા નહિ તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લા સમાચાર મુજબ છેલ્લા એકાદ માસથી અહીં દરરોજના સરેરાશ 700 જેટલા પંચમહાભૂતમાં વિલીન થયેલા મૃત આત્માઓના ફૂલનું વિસર્જન આ દામોદર કુંડમાં કરવામાં આવી રહ્યું છે. જે સામાન્ય દિવસોમાં 25 થી 50 નું હોય છે. અને આ બાબત ગંભીર તથા પ્રબુદ્ધ લોકો માટે ચિંતાની બની છે.

આ અંગે દામોદર કુંડના એક કાઠાગોર ના જણાવ્યા અનુસાર અમે વર્ષોથી અહીં પૂજા વિધિ અને વિવિધ પિતૃ કાર્ય કરીએ છીએ પરંતુ છેલ્લા એકાદ માસથી દામોદર કુંડ ખાતે પંચમાહાભુમાં વિલીન થયેલા મૃતાત્માના ફૂલના વિસર્જન દરરોજના સરેરાશ આશરે 700 ની આસપાસ થઈ રહ્યા છે આવું અમે આટલા વર્ષો માં ક્યારેય જોયું નથી, અને ફૂલોના વિસર્જન માટેની વિધિ કરાવી હવે આમાં થાકી ગયા છીએ. જો કે અમારી કાઠાગોર સમિતિએ નક્કી કર્યું છે કે, કોરોના ગ્રસ્ત દર્દીઓના ફુલ વિસર્જન બાદ તેમના પરિવારજનો દ્વારા અપાતી શીખ કે દાન લેવું નહીં, આમ સરકારની મૃત્યુ આંક ઓછો થવાની અને જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આરોગ્ય રથ સહિત આરોગ્ય સેન્ટરમાં દર્દીઓને ખુબ જ સારી સારવાર થઈ રહી છે, મૃત્યુ ઓછા થઈ રહ્યા છે તે બાબત ક્યાંકને ક્યાંક પોકળ હોય તે જૂનાગઢના દામોદર કુંડમાં આવતા મૃતાત્માના ફૂલ વિસર્જનના આંકડા ઉપરથી સાબિત થઇ રહી છે, અને જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના સહિત અન્ય રોગોમાં પણ મૃત્યુ આંક વધ્યો હોવાનું સામે આવી રહ્યો હોવાનો પ્રબુદ્ધ લોકો માની રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.