Abtak Media Google News

ધારાસભ્ય દ્વારા મનપાએ કરેલી દરખાસ્તોની વિગતો માંગી જરૂર પડે ત્યાં સહકાર આપવાની ખાતરી પણ આપી

જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ જોષીપરા રેલવે ફાટક પર થનારા ઓવરબ્રિજ માટે મનપા દ્વારા કઈ કઈ દરખાસ્ત કરવામાં આવી ? અને આ બાબતે કયા કયા પત્ર વ્યવહાર કરવામાં આવ્યા ? તેની વિગતો માંગી ઓવરબ્રિજ વહેલી તકે થાય તે માટે તેઓ સરકાર અને તંત્ર સાથે સંકલન અને રજૂઆત કરશે તેમ જણાવ્યું છે, ધારાસભ્ય દ્વારા લેખિતમાં મંગાવેલ માહિતીને લઇને મનપા દ્વારા અત્યાર સુધીમાં ઓવરબ્રિજ માટે કરાયેલી કાર્યવાહીની ફાઈલો અંકે કરવામાં માટેની કવાયત હાથ ધરાશે.

જૂનાગઢ શહેરમાં ૭ સખી સમાન ૭ રેલવે ફાટક શહેર મધ્યેથી પસાર થતી રેલવે લાઇનો ઉપર આવેલી છે, જેને દૂર કરવા માટે છેલ્લા ઘણા દશકાઓથી અનેક ધારાસભ્યો, સંસદસભ્યો અને નગરપાલિકાના પ્રમુખથી લઈને હાલના મેયર સુધીના તમામ રાજકીય, સામાજિક આગેવાનોએ અનેક પ્રયત્નો કરાયા બાદ તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા આ માટે ગ્રાન્ટ ફાળવાઇ છે, તથા જિલ્લા પંચાયત દ્વારા જરૂરી જમીન માટે ઠરાવ કરી ફાળવી દેવામાં આવી છે અને હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા જરૂરી જમીન માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી નીતિનભાઈ પટેલે રાજ્યના માર્ગ મકાન વિભાગને સત્વરે યોગ્ય કરવા તાકીદ પણ કરી દીધી છે.

પરંતુ એક વાત મુજબ હજુ સુધી રેલવે તંત્ર દ્વારા ઓવરબ્રિજ કરવા માટે જે રેલવેની જમીનની જરૂર છે, તેમના માટે કોઈ જ મંજૂરી મળેલ નથી, ત્યારે જ્યાં સુધી રેલવે દ્વારા જમીન ફાળવવામાં નહીં આવે ત્યાં સુધી જૂનાગઢના જોષીપરાનો રેલવે ઓવરબ્રિજ બનતો અટવાયેલ રહેશે, તેવી એક વાત છે.

દરમિયાન આજે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ જૂનાગઢ મનપા કમિશનરને એક પત્ર પાઠવી, જોષીપરાના ઓવર બ્રીજ માટે મનપા કચેરી દ્વારા ઝડપી કામગીરી થાય તે માટે શું કાર્યવાહી કરવામાં આવી ? અને રાજ્ય સરકાર તથા રેલવે વિભાગને મંજૂરી અર્થે કઈ દરખાસ્ત કરી ? તેની વિગતો આપવાની સાથે જે કંઈ પણ પત્ર વ્યવહાર થયો હોય તેની નકલો માંગવામાં આવી છે, અને આ બાબત મનપાની આગામી સંકલન સમિતિની બેઠક માટે પ્રશ્ન રજૂ કરી યોગ્ય વિસ્તૃત ચર્ચા-વિચારણા કરાશે તેમ પણ પત્રમાં જણાવ્યું છે.

ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ પત્રમાં વધુ એ જણાવ્યું છે કે, આપના દ્વારા જે કંઈ પણ કાર્યવાહી થઈ હશે તેમાં તેઓ પૂરો સહકાર આપી તેમના દ્વારા જે પણ તંત્ર કે સરકારમાં રજૂઆત કરવાની હશે કે સંકલન કરવાનું હશે તે માટે તેઓ યથાયોગ્ય પ્રયત્નો કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.