Abtak Media Google News

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, વિપક્ષી નેતા અને ૧૫ ધારાસભ્યોની હાજરીમાં કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાએ ભર્યું ઉમેદવારી ફોર્મ: કાલથી ભાજપ-કોંગ્રેસ પ્રચાર-પ્રસારમાં એડીચોટીનું જોર લગાવશે

જસદણ વિધાનસભા બેઠક કબજે કરવા માટે ‘ગુરુ અને ચેલા’ વચ્ચે જંગ જામ્યો છે. આજે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, વિપક્ષી નેતા અને ૧૫ ધારાસભ્યોની હાજરીમાં ફોર્મ ભરીને પોતાની ઉમેદવારી નોંધાવી છે. ફોર્મ ભરવાના આજે છેલ્લા દિવસે જ કોંગ્રેસના ઉમેદવારે પેટાચુંટણીમાં ઉમેદવારી નોંધાવી છે હવે આવતીકાલે ભાજપ અને કોંગ્રેસ પ્રચાર-પ્રસારમાં એડીચોટીનું જોર લગાવશે. જસદણ વિધાનસભા બેઠક પર ગત ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કુંવરજીભાઈ ગુરુ-ચેલા વચ્ચે જંગ..બાવળીયાનો વિજય થયો હતો.

બાદમાં તેઓએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપીને કેસરીયો ખેસ ધારણ કરતાં જસદણ વિધાનસભા બેઠક ખાલી થઈ હતી. આ બેઠક માટે તાજેતરમાં ચુંટણીપંચે પેટાચુંટણી યોજવાનું જાહેરનામું બહાર પાડયું હતું. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. છેલ્લા ઘણા દિવસથી કોંગ્રેસ ઉમેદવાર તરીકે કોનું નામ જાહેર કરશે ? તે તરફ સૌ કોઈ મીટ માંડીને બેઠા હતા અંતે ગઈકાલે સાંજે કોંગ્રેસ દ્વારા જસદણ પેટાચુંટણીના ઉમેદવાર તરીકે રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અવસર નાકીયાના નામની સતાવાર જાહેરાત કરવામાં આવી હતી.

જોકે કોંગ્રેસે અગાઉ ૬ થી ૭ દાવેદારો પાસેથી ફોર્મ ઉપડાવી અને ભરીને તૈયાર રખાવ્યા હતા. ગઈકાલે પ્રદેશ કોંગ્રેસે અવસર નાકીયાના નામની સતાવાર જાહેરાત કરી દીધી હતી બાદમાં આજે બપોરે ૧૨:૩૯ વાગ્યે અવસર નાકીયાએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી જસદણ વિધાનસભા બેઠક પર પોતાની ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અવસર નાકીયાએ જસદણ ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષી નેતા પરેશ ધાનાણી અને ૧૫ જેટલા ધારાસભ્યોની હાજરીમાં ઉમેદવારી ફોર્મ જમા કરાવ્યું હતું.

ઉલ્લેખનીય છેકે જસદણ વિધાનસભા બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ વધુ છે જેના કારણે કોંગ્રેસે કોળી સમાજના અગ્રણી અવસર નાકીયાને ટીકીટ આપી છે.  ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયાએ અગાઉ અનેક વખત નિવેદન આપ્યું છે કે, કોંગ્રેસના જસદણ વિધાનસભા બેઠકના દાવેદારો તેઓના શિષ્યો છે. તેમજ તેઓના સંપર્કમાં છે.

મળતી માહિતી મુજબ કુંવરજીભાઈ બાવળીયા કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાના રાજકીય ગુરુ છે. હવે જસદણ વિધાનસભા બેઠકની પેટાચુંટણીમાં ગુરુ અને શિષ્ય વચ્ચે જંગ જોવા મળશે. ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. આવતીકાલથી ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય પક્ષો પ્રચાર અને પ્રસાર માટે એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દેશે. ચુંટણીપંચના કાર્યક્રમ મુજબ આવતીકાલે ઉમેદવારી પત્રકની ચકાસણી કરવામાં આવનાર છે. તા.૬ સુધીમાં ઉમેદવારો પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકશે. બાદમાં ૨૦મીએ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે ત્યારબાદ ૨૩મીએ મતગણતરી કરીને પરીણામ જાહેર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.