Abtak Media Google News

રમણભાઈ શાહ – ‘સાધના’ પત્રકારિતા ગૌરવ પુરસ્કાર સુપ્રસિદ્ધ લેખક, પત્રકાર શ્રી જ્વલંતભાઈ છાયાને શ્રી રમણભાઈ શાહ – ‘સાધના’ પત્રકારિતા ગૌરવ પુરસ્કારથી સન્માનિત  કરવામાં આવ્યા હતા.ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર પત્રકારને સાધના સાપ્તાહિક દ્વારા દર વર્ષે  શ્રી રમણભાઈ શાહ – ‘સાધના’ પત્રકારિતા ગૌરવ પુરસ્કાર થી  સન્માનિત કરવામાં આવે છે.

આ નિમિત્તે પત્રકારિતા પુરસ્કાર સમારોહનું આયોજન   રાજકોટના અરવિંદભાઈ મણીઆર નાગરિક સેવાલયના હોલ ખાતે યોજાયો હતો.આ સમારોહમાં સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને રોલેક્ષ રિંગ્સ લિમેટેડના માલિક  મનેશભાઇ માદેકાના હસ્તે સુપ્રસિદ્ધ લેખક – પત્રકાર  જ્વલંતભાઈ છાયાને શ્રી રમણભાઈ શાહ – ‘સાધના’ પત્રકારિતા ગૌરવ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો.. આ પુરસ્કારમાં રૂપિયા 51,000ની ધન રાશિ તથા એવોર્ડનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે સાધના સપ્તાહિક દર વર્ષે પત્રકારત્વ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરવા બદલ ‘શ્રી રમણભાઈ શાહ – ‘સાધના’ પત્રકારિતા ગૌરવ પુરસ્કાર’અને 51,000 રૂપિયા અર્પણ કરીને પત્રકારનું સન્માન કરે છે. જેની શરૂઆત વર્ષ 2014થી થઈ છે. વર્ષ 2014માં પહેલો પુરસ્કાર ઇન્ડિયા ટૂડેના શૈલેશભાઈ રાવલને, 2015માં પોસિટીવ મીડિયા ઇન્સ્ટીટ્યૂટના રમેશભાઈ તન્નાને તથા 2017માં ગુજરાતના પ્રસિદ્ધ લેખક અને વક્તા જય વસાવડાને અને વર્ષ 2018નો પુરસ્કાર સંદેશના પૂર્તિ એડિટર કૃષ્ણકાંત ઉનડકટને એનાયત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં સાધના દ્વારા લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો, જે ગુજરાતના વરિષ્ઠ પત્રકાર વિદ્યુત ઠાકરને એનાયત કરવામાં આવ્યો હતો.

એવોર્ડ મેળવવાનો ઉદ્દેશ નથી પણ આ ઉદ્દીપક જરૂર છે: જ્વલંત છાયા

આ સમારોહમાં જ્વલંતભાઈ છાયાએ જણાવ્યું હતું કે હું આ એવોર્ડનો માલિક નથી પણ ટ્રસ્ટી છુ, આપ સૌના સહકારએ કારણે હું આ કાર્ય કરી શક્યો અને આજે મને આ સન્માન પ્રાપ્ત થયું છે. તેમણે કહ્યું કે મારા કાર્યનો ઉદ્દેશ એવોર્ડ મેળવવાનો નહોતો પણ આ એવોર્ડ ઉદ્દીપક જરૂર છે. ભૂજથી શરૂ થયેલી મારી યાત્રા આજે ફરી રાજકોટ સુધી પહોંચી છે ત્યારે સાધના સાપ્તાહિકે આ યાત્રાને આજે વધાવી છે. વિનોબાજીનું એક વાક્ય ટાંકતા જેમણે જણાવ્યું કે સત્યાગ્રહ કરતા પહેલા સત્યના આગ્રહી બનવું પડે. મારી છાપ તટસ્થ પત્રકાર તરીકેની છે અને આ દિશામાં હું કામ કરતો રહું તેવા આશીર્વાદ તમે આપતા રહેજો. હમ કરે રાષ્ટ્ર આરાધનાઆ પંક્તિને યાદ કરતા તેમણે જણાવ્યું કે રાષ્ટ્રનું કામ પહેલા થવું જોઇએ અને આવો જ મારો પ્રયત્ન રહ્યો છે. તેમણે કહ્યું કે કટોકટીમાં પણ સાધનાની જેમ કાર્ય કરતો રહું એવી શુભેચ્છા આપ સૌથી ઇચ્છુ છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.