Abtak Media Google News

જ્યાં સુધી વરસાદ બંધ ન થાય ત્યાં સુધી કેદારનાથ યાત્રા પર પ્રતિબંધ ચાલુ રહેશે

ઉત્તરાખંડના અનેક જિલ્લાઓમાં અવિરત વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે રાજ્યના 7 જિલ્લાઓને લઈને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. આ દરમિયાન રૂદ્રપ્રયાગ જિલ્લામાં ભારે વરસાદને કારણે સોનપ્રયાગમાં કેદારનાથ યાત્રાને આગામી આદેશ સુધી રોકી દેવામાં આવી છે.

દેશભરમાં ચોમાસાની અસર દેખાવા લાગી છે. ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. રૂદ્રપ્રયાગ જિલ્લામાં ભારે વરસાદને કારણે સોનપ્રયાગમાં કેદારનાથ યાત્રાને આગામી આદેશ સુધી રોકી દેવામાં આવી છે. રુદ્રપ્રયાગના કલેક્ટર મયુર દીક્ષિતે જણાવ્યું કે જ્યાં સુધી વરસાદ બંધ ન થાય ત્યાં સુધી કેદારનાથ યાત્રા પર પ્રતિબંધ ચાલુ રહેશે.

ચોમાસું દિલ્હી-ઉત્તર પ્રદેશની સાથે ઉત્તરાખંડમાં પણ પહોંચી ગયું છે. અહીં ઘણા શહેરોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન હરિદ્વારમાં 78 મીમી, દેહરાદૂનમાં 33.2 મીમી, ઉત્તરકાશીમાં 27.7 મીમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદની આ સ્થિતિ આગામી કેટલાક દિવસો સુધી યથાવત રહેશે.

પરિસ્થિતિને જોતા ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સચિવાલયમાં સ્થિત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમનું ઓચિંતું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન તેમણે અધિકારીઓ પાસેથી ભારે વરસાદની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પાસેથી રાજ્યમાં વર્તમાન હવામાનની સ્થિતિ, વરસાદની સ્થિતિ, જળબંબાકાર અને વરસાદને કારણે થયેલા નુકસાનની માહિતી લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.