Abtak Media Google News

દિલ્હીને છ વિકેટે મ્હાત આપી ગુજરાતે સતત બીજી જીત હાંસલ કરી, સાઈ સુદર્શન ઝળકયો

આઆઇપીએલ 16મી સિઝનની સાતમી મેચમાં દિલ્હી કેપિટલ્સનો પરાજય થયો છે. ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવ્યું છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઉછાળ લેતી પીચ ઉપર દિલ્હીને અંકુશમાં રાખી ગુજરાતે મેચ અંકે કર્યો હતો. ગુજરાત તરફથી સર્વાધિક વિકેટ રસીદ ખાન અને મોહમ્મદ શામીએ મેળવી હતી જ્યારે અલઝારી જોસેફે 2 વિકેટ ઝડપી હતી.  દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 8 વિકેટે 162 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 18.2 ઓવરમાં ચાર વિકેટે 163 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

ગુજરાતના સાવજોએ દિલ્હી સલ્તનતને હચમચાવી દીધી હતી અને તેના જ હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં ટીમને હરાવી હતી . યુવા બેટ્સમેન સાઈ સુદર્શને અણનમ 62 રન ફટકાર્યા હતા. ગુજરાતે છ વિકેટે મેચ જીતી લીધી હતી. આ સિઝનમાં ગુજરાતની સતત બીજી જીત છે. તેણે છેલ્લી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું હતું. તો દિલ્હી કેપિટલ્સની આ બીજી હાર છે. 163 રનમાં લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સ તરફથી સાઈ સુદર્શને 48 બોલમાં અણનમ 62 રન બનાવ્યા હતા. ડેવિડ મિલર 16 બોલમાં 31 રન બનાવીને અણનમ રહ્યો હતો. વિજય શંકરે 23 બોલમાં 29 રન બનાવ્યા હતા. તેને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

દિલ્હી ટીમનો જુસ્સો વધારવા ઈજાગ્રસ્ત પંત મેદાનમાં પહોંચ્યો

દિલ્હી કેપિટલ્સ ટીમના વિસ્ફોટક બેટ્સમેન અને ટીમના સુકાની ઋષભ પંથ ગત ડિસેમ્બરમાં કાર અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયો હતો ત્યારે ઈજા માંથી બહાર આવતા રિષભ પંત દિલ્હી ટીમનો જુસ્સો વધારવા મેદાનમાં આવી પહોંચ્યો હતો. સમર્થકોએ પણ આવકાર્યો હતો. હાલ ઈજાગ્રસ્ત હોવાના કારણે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહ્યો છે. દરમિયાન ટીમના માલિક અને અન્ય અધિકારીઓ સાથે પણ અંતે મુક્ત મને વાત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.