Abtak Media Google News

ફ્રેન્ડશિપ ડેમાં  મિત્રો એક બીજાને શુભેચ્છા આપી રહ્યા હોય ત્યારે એક એવા મિત્રની વાત કરવી છે જેની દોસ્તી સૌથી અનોખી છે. જૂનાગઢના કેશોદમાં રહેતા હરસુખભાઇ ડોબરીયા અને તેના પરિવારને પક્ષીઓ સાથે એવી તો દોસ્તી છે કે તેને એક બીજા વગર ચાલતુંજ નથી તો જાણીએ પક્ષીઓ અને હરસુખભાઇની અનોખી દોસ્તીની અનોખી દાસ્તાન

મિત્રતા તો તમે ઘણી જોઈ હશે પરંતુ કેશોદના હરસુખભાઇ ડોબરીયા પક્ષીઓ સાથેની મિત્રતા જેવી તમે ક્યાંય નહિ જોઈ હોય, આપણે જાણીને આનંદ થશે કે હરસુખભાઇ ડોબરીયા છેલ્લા 26 વર્ષથી આ રીતે પક્ષીઓને ભોજન પૂરું પાડે છે અને પક્ષીઓ પણ નિયમત રીતે હરસુખભાઇના ઘરે દરરોજ પહોચી જાય છે.

Screenshot 9 1

હરસુખભાઇ એક ખેડૂત છે અને પોતાના ઘરેજ છત ઉપર એક ખાસ પ્રકારનું પ્લેટફોર્મ બનાવ્યું છે અને તેમાં દરરોજ સવાર સાંજ બાજરીના ડૂંડા અને મગફળીના દાણા તેમજ જુવારની ચણ નાખે છે અને અને પછી એક બે બક્ષીઓ નહિ પરંતુ સાત હજાર જેટલા પક્ષીઓ આવે છે, પક્ષીઓમાં સૌથી વધુ પોપટ, સુગરી, દેશી ચકલી, કબૂતર અને હોલા જેવા પક્ષીઓ કોઈ પણ પ્રકારના ભય વગર ભોજન આરોગે છે અને પછી પોતાના માળામાં ચાલ્યા જાય છે.

કેશોદના આ હરસુખભાઇ ડોબરીયાનો પરિવાર પણ પક્ષી પ્રેમી છે, પક્ષીઓનો પ્રેમ અને લાગણી એટલી છે કે સવારના વહેલા પાંચ વાગ્યે ઘરના દરેક સભ્યો ઉઠી જાય છે અને સૌ પહેલા પક્ષીના ભોજનની વ્યવસ્થામાં લાગી જાય છે. હરસુખભાઇ પક્ષીઓ માટે પહેલેથીજ બાજરીના ડૂંડા ખરીદીને ગોડાઉનમાં મૂકી રાખે છે, પક્ષીઓના ચણ માટે દર વર્ષે બજેટ વધતું જાય છે, 500 રૂપિયાની ચણની ખરીદી શરુ કરેલ આ અભિયાન માં આ વર્ષે દોઢ થી બે લાખ રૂપિયા ની ચણની ખરીદી કોઈ પણ ફંડ ફાળા વગર કરી છે.Screenshot 11

રમાબેન ડોબરીયા કહે છે કે અમારે તો પક્ષીઓ સાથે લાગણીના સંબંધ બંધાઈ ગયા છે. અને જ્યારથી પક્ષીઓ અમારે ત્યાં આવવા લાગ્યા ત્યારથી અમારે ખુબજ સારું છે અને ધંધામાં ખુબજ બરકત થઇ રહી છે.તેમ કહેતા કહેતા ખુશીના આંસુ રમાબેનના આંખમાં આવ્યા હતા

જયારે ખેતીમાં ઝેરી જંતુનાશક દવાઓના ઉપયોગને કારણે પક્ષીઓના મોત થઇ રહ્યાં છે ત્યારે હરસુખભાઇ પક્ષીઓને જે અનાજના દાણા ખવરાવે છે તે પણ ઓર્ગેનિક ખેતરોમાં ઉગેલા ધાન્યની જ ખરીદી કરે છે અને તેના માટે તે અનેક ગામના અનેક ખેતરો ખૂંદી પક્ષીઓને કોઈપણ જાતનું નુકશાન ન થાય તેની પણ ખાસ કાળજી રાખી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.