Abtak Media Google News

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના બાળકો અને યુવાઓને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સ્તરે ખેલ મહાકુંભ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે.જેમાં શાળા અને ગ્રામ્ય કક્ષાએથી તાલુકા, ઝોન, જિલ્લા તેમજ રાજ્યકક્ષા સુધીની સ્પર્ધાઓ યોજવામાં આવે છે.

7 વય જૂથમાં જિલ્લાના આશરે 47 સ્થળો પર 24 સ્પર્ધાઓ યોજાશે: વિજેતાઓને લાખોના પુરસ્કાર થશે એનાયત

રાજકોટ જિલ્લામાં તા. 10 જાન્યુઆરીથી ખેલ મહાકુંભ 2.0ની વિવિધ સ્પર્ધાઓનો પ્રારંભ કરવામાં આવશે.રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર અંતર્ગતની જિલ્લા રમત ગમત કચેરી તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા રાજકોટ જિલ્લામાં અંડર-9, અંડર-11, અંડર-14, અંડર-17, ઓપન એઈઝ ગ્રુપ, 40 વર્ષથી ઉપર અને 60 વર્ષથી ઉપર એમ કુલ 7 વય જૂથમાં (1) ખો-ખો (2) કબડ્ડી (3) વોલીબોલ (4) એથ્લેટીક્સ (5) બાસ્કેટબોલ (6) ફૂટબોલ (7) જુડો (8) કુસ્તી (9) બેડમિન્ટન (10) ટેબલ-ટેનીસ (11) આર્ચરી (12) સ્કેટિંગ (13) સ્વીમીંગ (14) ચેસ (15) યોગાસન (16) હોકી (17) રસ્સા ખેંચ ( 18) શુટિંગ બોલ (19) હેન્ડબોલ (20) લોન ટેનીસ (21) ટેકવેન્ડો (22) કરાટે (23) રગ્બી (24) આર્ટીસ્ટીક સ્કેટિંગ કુલ 24 રમતો માટે શહેરના 18 તથા ગ્રામ્યના 29 એમ જિલ્લાના 47 જેટલા સ્થળોએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાઓમાં કોઈ પણ ખેલાડી કોઈ પણ બે રમતમાં ભાગ લઇ શકશે.

શાળા-ગ્રામ્યકક્ષામાંથી વિજેતા થયેલ ટીમો/ખેલાડીઓએ તાલુકા કક્ષાની સ્પર્ધામાં વિજેતા ટીમો સ્પર્ધકોએ ભાગ લેવાનો રહેશે.તે ઉપરાંત સીધી તાલુકાકક્ષાએ યોગાસન અને ચેસ સ્પર્ધા યોજાશે. તાલુકાકક્ષા સ્પર્ધાના વિજેતા જિલ્લાકક્ષા સ્પર્ધામાં ભાગ લેશે. વિજેતા ખેલાડી/ ટીમોએ રજીસ્ટ્રેશન કરેલ પ્રિન્ટ રજૂ કરવાની રહેશે. જિલ્લાકક્ષાએ વિજેતા અથવા પસંદ થનાર ટીમોએ ઝોનકક્ષા/ રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં ભાગ લેવા જવાનો રહેશે. વય મર્યાદા માટે કટ-ઓફ-ડેટ તા. 31-12-2023 ધ્યાને લેવાની રહેશે. ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત તમામ સાત વયજૂથના તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાના વિજેતા શાળાઓ અને ખેલાડીઓને રોકડ પુરસ્કાર અપાશે. રાજ્યકક્ષાના અંડર-9, અંડર-11, અંડર-14, અંડર-17, ઓપન એજવાઈઝ ગ્રુપના વિજેતાઓના કોચને રોકડ પુરસ્કાર મળવાપાત્ર થશે. વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર વિતરણ ડીબીટી (આરટીજીએસ) દ્વારા જે તે ખેલાડીઓના ખાતામાં તબદીલ કરવામાં આવશે.

ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા ખેલાડીને વ્યક્તિગત 1500 રૂ. અને ટીમને 1000 રૂ., દ્વિતીય ક્રમે વિજેતા ખેલાડીને 1000 રૂ. અને ટીમને 750 રૂ., તૃતીય ક્રમે વિજેતા ખેલાડીને વ્યક્તિગત રૂ. 750 અને ટીમને રૂ. 500, જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા ખેલાડીને વ્યક્તિગત 5000 રૂ. અને ટીમને 3000 રૂ., દ્વિતીય ક્રમે વિજેતા ખેલાડીને 3000 રૂ. અને ટીમને 2000 રૂ., તૃતીય ક્રમે વિજેતા ખેલાડીને વ્યક્તિગત રૂ. 2000 અને ટીમને રૂ. 1000, રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા ખેલાડીને વ્યક્તિગત 10000 રૂ. અને ટીમને 5000 રૂ., દ્વિતીય ક્રમે વિજેતા ખેલાડીને 7000 રૂ. અને ટીમને 3000 રૂ., તૃતીય ક્રમે વિજેતા ખેલાડીને વ્યક્તિગત રૂ. 5000 અને ટીમને રૂ. 2000 રોકડ ઇનામ અપાશે.

આ ઉપરાંત, તાલુકા કક્ષાની સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર શાળાને રૂ. 25000, રૂ.15000 અને રૂ.10000નો રોકડ પુરસ્કાર અપાશે. જિલ્લા કક્ષાની સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર પ્રાપ્ત કરનાર શાળાને રૂ. 1,50,000, રૂ. 1,00,000, રૂ. 75,000 રોકડ પુરસ્કાર અપાશે. રાજ્યકક્ષાની સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર શાળાને રૂ. 5,00,000, રૂ. 3,00,000 અને રૂ. 2,00,000નો રોકડ પુરસ્કાર અપાશે. શાળાઓને રોકડ પુરસ્કાર સ્વરૂપે અનુદાન આપી સન્માનિત કરવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે.

ખેલ મહાકુંભ સ્પર્ધાઓમાં ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઇ પોતાનું શ્રેષ્ઠ પ્રદાન આપી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેલાડીઓ માટે વિશેષ સુવિધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.