Abtak Media Google News
  • ઘર પાસે રમવા ગયાં બાદ બાળકી પરત જ ન ફરી : માલવિયાનગર પોલીસે સીસીટીવીના આધારે તપાસ આદરી

ખોડિયારનગરમાંથી પરપ્રાંતિય શ્રમિકની 10 વર્ષીય પુત્રીની અપહરણની ઘટના સામે આવતા માલવિયાનગર પોલીસ દોડતી થઇ છે. ગઈકાલે ઘર પાસે રમવા ગયાં બાદ બાળકી પરત નહિ ફરતા પરિવારે આસપાસ શોધખોળ હાથ ધરી હતી પરંતુ બાળકી નહિ મળી આવતા પરીવાર પોલીસ મથકે દોડી ગયો હતો. માલવિયાનગર પોલીસે અપહરણનો ગુન્હો દાખલ કરીને તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર શહેરના ખોડિયારનગર મેઈન રોડ પર આશાપુરા મંદિર સામે ભાડાના મકાનમાં રહેતા અને મૂળ યુપીના બલિયા જિલ્લાના વતની યુવાન દ્વારા અપહરણની આ ઘટના અંગે માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પરપ્રાંતિય યુવાને ફરિયાદમાં જણાવ્યું છે કે, તે મૂળ યુપીનો વતની છે અને રાજકોટમાં રહી કારખાનામાં મજૂરી કરીને પોતાના પરીવારનું ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. ગઈકાલે સવારના સમયમાં તે કારખાને ગયો તે બાદ પત્નીનો ફોન આવ્યો હતો કે, 10 વર્ષીય પુત્રી સવારે 10 વાગ્યાની આસપાસ રમવા માટે ઘરની બહાર નીકળ્યા બાદ પરત ફરી નથી. આ વાત સાંભળી યુવાન તરત જ ઘરે પહોંચ્યો હતો. જે બાદ દંપત્તિએ આસપાસ બાળકીની શોધખોળ કરી હતી પરંતુ પુત્રીની ભાળ નહિ મળી આવતા તેમણે આ અંગે માલવિયાનગર પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી.

પરપ્રાંતિય યુવાનની ફરિયાદ પરથી ગુન્હો દાખલ કરીને પીએસઆઈ ડી એસ ગજેરા અને ટીમે બાળકીને શોધી કાઢવા પ્રયત્નો હાથ ધર્યા છે. પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચકાસી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.